ભાસ્કર એક્સક્લૂઝિવ:GTU ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનારી દેશની પ્રથમ ટેક્નોલોજી યુનિવર્સિટી; 1 માસના કોર્સની ફી 7 હજાર, 3 માસની 20 હજાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
GTU - ફાઇલ તસવીર - Divya Bhaskar
GTU - ફાઇલ તસવીર
  • ‘અપના પ્રદેશ, અપના ખેલ’ નીતિ હેઠળ લુપ્ત થતી કળાને જાળવવાનો હેતુ, ડિસેમ્બરમાં કોર્સ શરૂ થશે, દિવાળી પછી પ્રવેશ

જીટીયુએ ડિસેમ્બરથી ઘોડેસવારીનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. એક મહિનાના કોર્સની ફી રૂ.7000 જ્યારે ત્રણ મહિનાના કોર્સની ફી રૂ.20 હજાર રહેશે. આ પ્રકારનો કોર્સ શરૂ કરનારી જીટીયુ દેશની પ્રથમ ટેકનોલોજિકલ યુનિવર્સિટી છે. ‘અપના પ્રદેશ, અપના ખેલ’ હેઠળ લુપ્ત થતી કળા જાળવવા આ કોર્સ શરૂ કરાશે. કોર્સ કો-ઓર્ડિનેટર આકાશ ગોહિલે માહિતી આપી કે, એક મહિનાના કોર્સમાં 30 કલાક ઓનલાઈન શિક્ષણ અને 30 કલાક પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે. જ્યારે ત્રણ મહિનાના કોર્સમાં આ રેશિયો 50-50 ટકા રહેશે.

જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું કે, બંને કોર્સમાં ઘોડેસવારીને લગતા તમામ પાસાં આવરી લેવાશે. જીટીયુના કન્ટીન્યુઈંગ એજ્યુકેશન સેન્ટર (સીઈસી) અને એક્વેસ્ટેરીયન સ્પોર્ટસ એસોસિએશના સંકલનથી આ કોર્સ ડિઝાઈન થશે. સીઈસીના સેન્ટર ડાયરેક્ટર ડો. મહેશ પંચાલે જણાવ્યું છે કે, ‘એક્વેસ્ટેરિયન સ્પોર્ટસ એસોસિએશનના પ્રમુખ સંજય બારોટ તરફથી પ્રારંભિક તબક્કે પાંચથી દસ ઘોડા એલોટ કરાશે. તેમના ગાંધીનગર-કલોલ પાસે આવેલ સ્ટડ ફાર્મમાં આશરે 60થી વધુ વિવિધ નસલના ઘોડા છે. આ ઉપરાંત અશ્વારોહણના સઘન પ્રશિક્ષણ માટે આવશ્યકતા મુજબ મેલ-ફીમેલ નિષ્ણાત માર્ગદર્શકોની ફાળ‌વણી કરાશે. ડિસેમ્બરમાં શરૂ થનાર આ કોર્સ અંતર્ગત દિવાળી પછીથી પ્રવેશ કાર્યવાહી માટેની જાહેરાત કરવામાં આવશે.

જીટીયુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શૈક્ષણિક-વહીવટી કર્મચારીઓ, સાહસિકતા પ્રિયલોકોને અશ્વારોહણને લગતી બાબતોનું બેઝિક અને એડવાન્સ માર્ગદર્શન મળી રહે તે માટે આ કોર્સ છે. સતત કન્ટિન્યુઈગ એજ્યુકેશન પ્રક્રિયાને આ કોર્સ થકી આગળ ધપાવવાનો પ્રયાસ કરાશે.

બે પ્રકારના સર્ટિફિકેટ કોર્સ
1. બેઝિક કોર્સ ઈન હોર્સ રાઈડિંગ મેનેજમેન્ટ-ઘોડેસવારી અને વ્યવસ્થાપન. એક મહિનાના સર્ટિફિકેટ કોર્સની ફી રૂ.7 હજાર છે.
2. 3 મહિનાના સર્ટિફિકેટ કોર્સ સ્ટડી ફી રૂ.20 હજાર છે.
3. એક મહિનામાં 30 કલાક ઓનલાઈન, જ્યારે 30 કલાકની પ્રેક્ટિલ ટ્રેનિંગ અપાશે.
4. ત્રણ મહિનાના કોર્સમાં 50 ટકા ઓનલાઈન એજ્યુકેશન અપાશે. જ્યારે 50 ટકા પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે.

માઉન્ટેડ પોલીસ ઘોડા કેમ્પ ખાતે 2250થી 4500 ફીમાં તાલીમ આપે છે
ગુજરાત માઉન્ટેડ પોલીસ શાહીબાગ સ્થિત ઘોડાકેમ્પ ખાતે ઘોડેસવારીનો કોર્સ ચલાવે છે. જેમાં સરકારી કર્મચારી, વિદ્યાર્થી અને સામાન્ય નાગરિકોને ત્રણ મહિના માટે ઘોડેસવારીની ટ્રેનિંગ અપાય છે. શાહીબાગ ઘોડા કેમ્પના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ત્રણ મહિનાના કોર્સ માટે વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ માટેની ફી રૂ.2250 છે જયારે સામાન્ય નાગરિક પણ આ ઘોડેસવારીનો લાભ લઈ શકે તે માટે તેમને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેની ત્રણ મહિનાની ફી રૂ.4500 છે.

સાંસ્કૃતિક વારસો આગળ ધપાવવા, સાહસિકતા વિકસાવવાનો હેતુ છે
ભારતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે આયોજન થયું છે. વિદ્યાર્થીઓમાં સાહસિકતાની ભાવનાનો વિકાસ થાય, લુપ્ત થઈ રહેલી અશ્વારોહણ કળા બાબતે જાણકારી મળે તે હેતુસર લોકો માટે જીટીયુ આ કોર્સ શરૂ કરશે. - ડો. નવીન શેઠ, કુલપતિ, જીટીયુ

પ્રોફેશનલ ટ્રેનર્સ હોર્સ રાઈડિંગ માટે મહિને 20 હજારથી માંડી 60 હજાર ચાર્જ કરતા હોય છે
પ્રોફેશનલ ટ્રેનર્સનું કામ હોર્સને રાઈડિંગ માટે તૈયાર કરવાનું તેમજ હોર્સને શેડલ્સ અને બ્રિડલ્સ પહેરાવવાનું હોય છે. સામાન્ય રીતે આ ટ્રેનર્સ મહિને 25થી30 હજાર ચાર્જ કરતા હોય છે. જેમાં સ્કૂલ ટ્રેનર્સ મહિને 20 હજાર, પ્રોફેશનલ ટ્રેનર્સ 4-5 દિવસના 25 હજાર, સ્પેશિયલ ટ્રેનિંગ માટે રેસ કોર્સ ટ્રેનર હોય છે જેઓ 50-60 હજાર ચાર્જ કરે છે.