શહીદોના પરિવાર માટે સેવાકીય કાર્ય:GTU દ્વારા સૈનિક વેલ્ફેર માટે 4.83 લાખ રૂપિયાનું ફંડ એકત્ર કરાયું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્ર સેવા એ દરેક દેશવાસીઓની નૈતિક ફરજ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(GTU) પણ હરહંમેશ રાષ્ટ્ર કલ્યાણ અને દેશ સેવા માટે કાર્યરત રહે છે. તાજેતરમાં જ દેશની સરહદ પર ફરજ દરમિયાન શહીદી વહોરનારા અને સેવા નિવૃત્ત સૈનિકોના પરિવારજનો સન્માનભેર પોતાના કુટુંબનો નિર્વાહ કરી શકે તે માટે સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા વિવિધ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓને ફંડ એકત્ર કરીને રાષ્ટ્ર સેવામાં સહભાગી થવા જણાવ્યું હતું. જે અર્થે જીટીયુના રાષ્ટ્રીય સેવા યોજના(NSS) વિભાગ દ્વારા 4,83,791ની માતબર રકમ એકત્ર કરીને ભંડોળમાં આપી હતી.

આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર માટે શહીદી વહોરનારા અને સેવાનિવૃત્ત સૈનિકો માટે ફંડ એકત્ર કરવું એ ખરા અર્થમાં રાષ્ટ્ર સેવા છે. હરહંમેશ ખડેપગે રહેતાં જવાનો પર સમગ્ર દેશવાસીઓને ગર્વ છે. GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેર પણ હર્ષની લાગણી અનુભવતાં દરેક NSS કાર્યકર્તાઓને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

યુનિવર્સિટીની શ્રેણીમાં GTUએ સૌથી વધુ ભંડોળ એકત્ર કરીને જમા કરાવ્યું છે. જ્યારે અન્ય સરકારી સંસ્થાની શ્રેણીમાં પ્રથમ ક્રમે 7 લાખથી વધુનું ભંડોળ અમદાવાદ ગ્રામ્યની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ એકત્ર કર્યું હતું. દ્વીતિય સ્થાને 5 લાખથી વધુનું ભંડોળ સંયુક્ત વાણિજ્ય વેરા કમિશનર કચેરી દ્વારા અને તૃતિય સ્થાને GTUએ માતબર ફાળો આપ્યો હતો. GTU વતી આ સન્માન જીટીયુ એનએસએસ કર્મચારી મિથિલા પટેલે અમદાવાદ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર પી.બી.પંડ્યા અને મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી પી. એચ. ચૌધરીના હસ્તે મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...