તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગત્યનો નિર્ણય:જીટીયુ NSSના સ્વયં સેવકો કોરોનામુક્ત દર્દીની વણવપરાયેલ દવાઓ‌ એકત્રિત કરીને જરૂરિયાતમંદ સુધી પહોંચાડશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NSS પ્રોગ્રામના કો-ઓર્ડિનેટર ડૉ. અલ્પેશ દાફડા અને ઓફિસ આસિસ્ટન્ટ મિથિલા પટેલને શુભકામનાઓ પાઠવી

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે. કેટલાક કિસ્સામાં દવાઓની અછતને કારણે દર્દીને વઘુ પડતી તકલીફનો ભોગ બનવું પડે છે. આ સમસ્યાના નિવારણના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) નેશનલ સર્વિસ સ્કિમ (NSS) વિભાગ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

NSSના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને દવાઓ પહોંચાડાશે
કોરોનાથી મુક્ત થયેલા દર્દીઓની વણવપરાયેલી દવાઓ જીટીયુ NSSના સ્વયં સેવકો દ્વારા એકત્રિત કરીને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ડૉક્ટર મને ફાર્મસીસ્ટના માર્ગદર્શન હેઠળ વણવપરાયેલી દવાઓનું વર્ગીકરણ કરીને જીટીયુ NSSના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને દવાઓ પહોંચાડવાનું કાર્ય ખરેખર અભિનંદનને પાત્ર છે. જીટીયુના કુલસચિવ ડૉ.કે.એન. ખેરે‌ જીટીયુ‌ NSS પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ. અલ્પેશ દાફડા અને ઓફિસ આસિસ્ટન્ટ મિથિલા પટેલને શુભકામનાઓ પાઠવી છે.

લોકડાઉન સમય દરમિયાન પણ જીટીયુ NSSના સ્વયં સેવકો ઓક્સિજન અવરનેસ, 108માં સેવા આપવી, માનસિક સ્વાસ્થ્ય સંદર્ભે સર્વે જેવી વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં કાર્યરત રહીને ખરાં અર્થમાં કોરોના વોરીયર્સ સાબિત થયા છે. કોરોના મુક્ત દર્દીઓની વણવપરાયેલી દવાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાના જીટીયુના આ નિર્ણયને સ્વયં સેવકો દ્વારા સહર્ષ વધાવી લેવામાં આવ્યો છે.

રાજ્યના 6 ઝોન ખાતે સંગ્રહીત દવાનો‌ જથ્થો પહોંચાડાશે
142 યુનિટના 10000થી વધુ સ્વયં સેવકો આગામી 18‌મે થી 10જૂન 2021 દરમિયાન તેમની સોસાયટી અને નજીકના વિસ્તારમાંથી વણવપરાયેલ દવાઓ એકત્રિત કરીને રાજ્યના 6 જુદાં-જુદાં ઝોન ખાતે નિયુક્ત કરાયેલા પ્રોગ્રામ ઓફિસર્સને સંગ્રહીત દવાનો‌ જથ્થો પહોંચાડશે. ત્યારબાદ એ‌ દવા જીટીયુ ખાતે લાવવામાં આવશે. જ્યાં ડૉક્ટર અને ફાર્માસિસ્ટ દ્વારા વિવિધ દવાઓનું વર્ગીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ઉપયોગની અવધી પૂર્ણ થયેલ દવાનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ વર્ગીકૃત થયેલ દવાના જથ્થાને સિવિલ હોસ્પિટલ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...