ધોરણ 12 બાદ એન્જિન્યરિંગ અને ફાર્મસી માટે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે કોરોનાને કારણે પ્રવેશપ્રક્રિયા કેવી રહેશે, કેટલી બેઠકો પર પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, કેટલી નવી કોલેજને મંજૂરી આપવામાં આવી છે, કેટલી સીટ ઘટાડવામાં આવી છે સહિતના અનેક મુદ્દાઓ પર ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
દિવ્ય ભાસ્કર: આ વર્ષે એડમિશનની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે?
કુલપતિ: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC)ની રચના કરવામાં આવી છે, જેના દ્વારા એડમિશનની પ્રક્રિયા કરવામાં આવશે. નિયમ મુજબ ધો.12ના પરિણામના 50 ટકા અને ગુજકેટના 50 ટકા માર્ક્સ એમ કરીને મેરિટ તૈયાર કરવામાં આવશે અને એને આધારે પ્રવેશ આપવામાં આવશે.
દિવ્ય ભાસ્કર: કુલ કેટલી સીટ છે અને કેવી રીતે સીટ ભરવામાં આવે છે?
કુલપતિ: કુલ 62,000 સીટ છે, જેમાં ખાનગી યુનિવર્સિટી અને ખાનગી કોલેજ પણ છે, જે પોતાની 50 ટકા જાતે ભરે છે અને 50 ટકા સીટ ACPC દ્વારા ભરવામાં આવે છે. 17 સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે અને 3 સરકારી ફાર્મસી કોલેજ છે, જેમાં એકદમ મામૂલી ફીમાં ભણાવવામાં આવે છે.
દિવ્ય ભાસ્કર: દર વર્ષે કેટલી સીટ ભરાય છે અને આ વર્ષ કેટલી ભરાવાની આશા છે?
કુલપતિ: અમારી પાસે કુલ 62,000 સીટ છે, જેમાંથી દર વર્ષ 50 ટકા જેટલી સીટ ભરાય છે. ગત વર્ષે 32,000 સીટ ભરાઈ હતી. આ વર્ષે 100 ટકા પરિણામને કારણે 40,000 સીટ ભરાવાની શક્યતા છે. તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની અમારી તૈયારી પણ છે.
દિવ્ય ભાસ્કર: એન્જિનિયરિંગમાં ઓછી સીટ ભરાવાનું કારણ શું છે?
કુલપતિ: દર વર્ષે જેટલી સીટ હોય તેટલા લોકોને નોકરી મળતી નથી. 100 ટકા વિદ્યાર્થીઓ આવે તોપણ તેમને રોજગારી મળી શકે નહિ. કોલેજ પણ નબળી હોય છે, જેથી એને જોઈને વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા નથી. સારી કોલેજ હોય એમ મેરિટના આધારે હોશિયાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. કેટલીક કોલેજ એવી પણ છે, જેમાં 10 વિદ્યાર્થી પણ એડમિશન લેતા નથી.
દિવ્ય ભાસ્કર: તમારા દ્વારા સીટ વધુ રહે એ માટે શું કરવામાં આવ્યું?
કુલપતિ: અત્યારસુધી 75,000 સીટ હતી. વધુપડતી કોલેજોને કારણે સીટ વધુ હતી. પાસ થનારાની સંખ્યા ઓછી હોય એની સામે કોલેજ વધુ હોય છે. કેટલીક કોલેજ એવી પણ છે, જેમાં કેટલાક કોર્સમાં 10 વિદ્યાર્થી પણ એડમિશન લેતા નથી. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમે પૂરતી સગવડ ન હોય, લાયકાત ધરાવતા પ્રિન્સિપાલ ના હોય તેમની 25 ટકા જગ્યાઓ કાપીને ACPCને મેરિટ મોકલાવ્યું છે.
દિવ્ય ભાસ્કર: વિદ્યાર્થીઓ અને વાલીઓને શું અપીલ કરશો?
કુલપતિ: અમારી વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ છે કે તમે જે સંસ્થામાં એડમિશન લેવાની ઈચ્છા રાખો છો એની પૂરી તપાસ કરવી જોઈએ, બહારનું ઇન્ફ્રાસ્ટ્રકચર જોઈને એડમિશન ના લેવું જોઈએ. શિક્ષકનું કવોલિફિકેશન પણ જોવું જોઈએ અને કોલેજમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓનો અભિપ્રાય પણ લેવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.