સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે રાજ્યના 20થી 25 હજારથી વધુ કરદાતાને નોટિસ આપી છે. આ નોટિસ બે રિટર્નમાં આવેલા તફાવત તેમજ ઓનલાઈન દેખાતી આઈટીસીના તફાવતને લીધે અપાઈ છે. સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે રાજ્યના 30 હજાર કરદાતાને 2017-18થી 2019-20ના ફાઇલ કરેલા રિટર્ન અને ભરવા પાત્ર ટેક્સ વચ્ચે તફાવત હોવાના કારણે જીએસટી ભરવાની માગણી કરતી નોટિસ આપી છે. વધારામાં જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી વચ્ચે તફાવતના આધારે જીએસટીની માગણી કરવામાં આવી છે.
જીએસટી દ્વારા નોટિસ ફટકારાતા વેપારી કરદાતા મુશ્કેલીમાં મુકાયા
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ જીએસટીએ ઓનલાઈન ભરાયેલા રિટર્નની સ્ક્રૂટીની કરતા રિટર્ન અને ઓનલાઈન દેખાતી આઈટીસી વચ્ચે તફાવત જોવા મળ્યો હતો. ટેક્સની માગણી જીએસટીના રિટર્નમાં દર્શાવેલી ક્રેડિટ નોટને ધ્યાનમાં લીધા વગર કરાઈ છે. કોરોનાના સંક્રમણને લીધે વેપારીઓને મંદીનો ડર અનુભવાઈ રહ્યો છે. ત્યાં જ સ્ટેટ જીએસટી દ્વારા નોટિસ ફટકારાતા વેપારી કરદાતા મુશ્કેલીમાં મુકાયા છે. અધિકારીઓ કરદાતાને સાંભળ્યા વગર એક તરફી નિર્ણય લઇ ડિમાન્ડ નોટિસ કાઢે છે.
અમદાવાદ અને સુરતમાં 66 બોગસ પેઢી બનાવી
શહેરના મોહંમદ હનીફ અંસારીએ આર્થિક રીતે નબળા લોકોને લાલચ આપી તેમના દસ્તાવેજના આધારે અમદાવાદ અને સુરતમાં 66 બોગસ પેઢી બનાવી હતી. મોહમદ હનીફે રૂ. 647 કરોડના બિલો બનાવીને રૂ. 116 કરોડની વેરાશાખ પાસ ઓન કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરાતા 11 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે.
અત્યાર સુધી જીએસટીએ કુલ 100 લોકોની ધરપકડ કરી
હનીફ અંસારીએ માલ કે સેવાની આપ-લે કર્યા વગર માત્ર કાગળ ઉપર સ્ક્રેપ, બ્રાસ, કેમિકલ્સ જેવી કોમોડીટીના રૂ. 647 કરોડના બિલો બનાવ્યા હતા. ખોટાં બિલો બનાવી વેરાશાખ બદલ બુધવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધી જીએસટીએ કુલ 100 લોકોની ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.