આંદોલન મોકૂફ:GSRTCના કર્મીઓએ માસ સીએલ પર જવાનો નિર્ણય મોકૂફ રાખ્યો, વાહનવ્યવહાર મંત્રી સાથે બેઠક બાદ થોભો અને રાહ જુઓની નીતિ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
એસટી કર્મીઓની વિરોધ પ્રદર્શન દરમિયાનની ફાઈલ તસવીર - Divya Bhaskar
એસટી કર્મીઓની વિરોધ પ્રદર્શન દરમિયાનની ફાઈલ તસવીર
  • 15 દિવસમાં એસટી કર્મીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 20 ઓક્ટોબરે મધરાતથી માસ સીએલ પર જવાની જાહેરાત

ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર જવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. પોતાની વિવિધ માંગણીઓને લઇને નિગમના યુનિયનોએ 7મી ઓકટોબરથી માસ સી.એલ પર જવાની જાહેરાત કરી હતી. જોકે હવે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી સાથે બેઠક કર્યા બાદ તેમણે પંદર દિવસમાં એસટી નિગમના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપી છે. જેથી માસ સી.એલ પર જવાનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. એટલે કે 20 ઓક્ટોબર સુધી નિગમના યુનિયન રાહ જોશે, જે બાદ 20 ઓક્ટોબર મધ્યરાત્રીથી જ માસ સી.એલ પર જવાની જાહેરાત કરી છે.

એસટી કર્મીઓનો ફિક્સ પગારનો મુદ્દો
હાલ વિવિધ સરકારી કર્મચારીઓને ફિક્સ પગાર અંતર્ગત 19 હજાર 950 ચૂકવવામાં આવે છે. એસ.ટી.ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 16 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જે મોટી સમાનતા છે. આ સિવાય નિગમના નિવૃત્ત થતાં કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર, એસટી અને કંડકટરના નાઈટ એલાઉન્સમાં હાલ માત્ર 10 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 150 રૂપિયા કરવામાં આવે તેવી નિગમ માંગ કરવામાં આવી રહી છે. આ સિવાય લેબર વિભાગ સાથે થયેલા કરાર પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 5% ટકાનો વધારો કરવામાં આવે.

2018 બાદ થયેલા કંડક્ટર ડ્રાઈવરને સાતમા પગાર પંચના લાભ
એસ.ટી નિગમના સંગઠનોની માંગ છે કે, વર્ષ 2018 બાદ ભરતી થયેલા કંડકટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે. હાલ આ ગ્રેડ પે 16,650 અને ડ્રાઈવરને 1800 આપવામાં આવી રહ્યો છે. સાતમા પગાર પંચ મુજબ ડ્રાઈવરને અને કંડકટર 1900 ગ્રેડ પે મળવાની જોગવાઈ છે. સાથે સાથે 900 થી વધારે જેટલા વારસદારો, કે જેઓ 2011 પહેલા અવસાન પામેલ છે, તેમને નોકરી આપવામાં આવે અને 2011 બાદ અવસાન પામેલ કર્મચારીઓને રોકડ સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. યુનિયનની માંગ છે કે તમામ મહિલા કર્મચારીઓ માટે બસ સ્ટેશન પર રેસ્ટ રૂમ તૈયાર કરવામાં આવે

16 સપ્ટેમ્બરથી વિવિધ પ્રકારના પ્રદર્શન કર્યા
16 સપ્ટેમ્બરથી નિગમના કર્મચારીઓ વિવિધ પ્રકારના આંદોલનના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. જેમાં સુધી કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી, રિશેષ દરમિયાન તમામ એસ.ટી સ્ટેન્ડ પર સૂત્રોચ્ચાર કર્યા હતા.