તાઉ-તે ઈફેક્ટ:રાજ્યમાં વાવાઝોડાને પગલે GSRTCએ 12500 ટ્રીપ રદ કરી, આજથી ફરી 1200 ટ્રીપ શરૂ કરી દેવામાં આવી

અમદાવાદ5 મહિનો પહેલા
  • એસ.ટી નિગમની ટીમ રૂટનો સર્વે કરી રહી છે, સાંજ સુધીમાં વધુ 500 જેટલી ટ્રીપ શરૂ કરાશે
  • વાવાઝોડાના કારણે ઘણા રસ્તા પર ઝાડ પડ્યા હોવાથી સાથે વરસાદી પાણી ભરાવાથી અમુક ટ્રીપને શરૂ કરતાં 2 દિવસ લાગશે

સતત 3 દિવસ તાઉ-તે વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. જેને કારણે રાજ્યમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTC) 12500 ટ્રીપ રદ કરી હતી. જોકે હવે સ્થિતિ સામાન્ય થતાં રાજ્યમાં 1200 ટ્રીપ શરૂ કરી દેવાઈ છે. આજથી 1200 જેટલી ટ્રીપ શરૂ કરી દેવામાં આવી છે. આગળની સ્થિતિ જોઈને બાકીની 500 ટ્રીપ શરૂ કરાશે.

અમરેલી અને બગસરા બસ સ્ટેન્ડને નુકસાન થયું હતું
અમરેલી અને બગસરા બસ સ્ટેન્ડને નુકસાન થયું હતું

ઘણા રૂટ પર સર્વેની કામગીરી ચાલુ
એસ.ટી નિગમના પ્રવક્તા કે.ડી દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તાઉ-તે વાવાઝોડાના કારણે અમે અગમચેતીના ભાગ રૂપે એસટી નિગમે તમામ ટ્રીપો રદ કરી હતી. આ કોરોના મહામારીમાં ઘણી ટ્રીપો અમે રદ કરી છે, જેથી સંક્રમણ ન ફેલાય. જોકે હવે વાવાઝોડનું સંકટ રહ્યું નથી એટલે એસ.ટી નિગમના અધિકારીઓ સવારથી જ ઘણા રૂટ પર સતત સર્વે કરી રહ્યા છે.જ્યાં રૂટ ક્લિયર તે જગ્યા એ અમે સવારથી બસ શરૂ કરી છે, જોકે અત્યાર સુધી 1200 ટ્રીપો અમે શરૂ કરી ચુક્યા છે.

અમરેલી જિલ્લામાં પાર્ક કરેલી બસ પણ વાવાઝોડામાં આડી પડી ગઈ હતી
અમરેલી જિલ્લામાં પાર્ક કરેલી બસ પણ વાવાઝોડામાં આડી પડી ગઈ હતી

અમરેલી અને બગસરામાં એસટી ડેપોને નુકસાન
દેસાઈએ ઉમેર્યું હતું કે, સાંજ સુધીમાં નાઈટરૂટ સહિત 500 ટ્રીપથી વધુ ટ્રીપ શરૂ થશે. અત્યારે અસરગ્રસ્ત વિસ્તાર અને બીજા રૂટ પર સર્વે ચાલી રહ્યો છે. રોડ પર પડેલા ઝાડ અને વરસાદી પાણી ન કારણે અમુક રૂટ બંધ છે એ પણ ચાલુ કરીશું. અમારા એસટી.નિગમના સ્ટેશન પર થોડું ઘણું નુકસાન થયું છે, જેમાં રાજુલા અને બગસરા ડેપો પર વધારે પવનના કારણે દીવાલનો થોડો ભાગ ધરાશાયી થયો છે અને અમુક જગ્યા પતરા ઉડી ગયા છે.

ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ગઈકાલે વાવાઝોડાના કારણે બસ બંધ થતાં મુસાફરો ફસાયા હતા
ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ગઈકાલે વાવાઝોડાના કારણે બસ બંધ થતાં મુસાફરો ફસાયા હતા

વાવાઝોડાના પગલે પરિવહન પર સરકારે પ્રતિબંધ લાદયો હતો
મોટાભાગના પરિવહન વિભાગ પર સરકારે વાવાઝોડાના પગલે પ્રતિબંધ લાદયો હતો અને જેમાં એરપોર્ટ, રેલવે અને એસટી નિગમ દ્વારા વાવાઝોડોના પગલે ઘણી ટ્રીપમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં એરપોર્ટને અમુક કલાકો માટે બંધ રાખવામાં આવ્યું હતું,રેલવે વિભાગે ઘણી ટ્રેનો કેન્સલ કરી હતી અને એસટી વિભાગે તમામ ડેપો પરની ટ્રીપ રદ કરી હતી. આ વાવાઝોડામાં કોઈ જાનહાની ન થાય, જેમાં 12500 ટ્રીપ સામાન્ય દિવસોમાં રાજ્યભરમાં ચાલતી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે 50 ટકા ટ્રીપ રદ કરવામાં આવી હતી અને આ વાવાઝોડાના પગલે તમામ ટ્રીપ રદ કરી દેવામાં આવી હતી. જેના કારણે કેટલાક મુસાફરો એસટી સ્ટેન્ડ પર ફસાયા હતા.