ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે, 100 માર્કના એસેસમેન્ટમાં ધો.10નું પરિણામ પાયો બનશે. એની સાથે શાળામાં લેવાયેલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, અર્ધવાર્ષિક ટેસ્ટ કે મિડ ટર્મ અને બાદમાં ફાઈનલ ટર્મ ટેસ્ટ આ તમામનાં પર્ફોર્મન્સના ગુણોનું 100 માર્ક્સનું એક ટેબલ તૈયાર કરાશે, જેમાં દરેક ટેસ્ટ માટે મેળવેલા માર્ક્સ સામે ચોકકસ માર્ક્સ આ ટેબલમાં મુકાશે.
CBSE દ્વારા મોડલ તૈયાર કરી દરેક રાજ્યને અપાશે
આ મોડલ બન્યા બાદ બોર્ડ સાથે જોડાયેલી દરેક શાળાને એના દ્વારા જે આંતરિક પરીક્ષા લેવાઈ છે એના માર્કસમાં મોડલ મુજબ ગણાશે. આ મોડલ સીબીએસઇ દ્વારા તૈયાર કરી દરેક રાજ્યને આપવામાં આવશે, જેના આધારે એક સોફ્ટવેરના માધ્યમથી ગુજરાત સહિતનાં રાજ્યોમાં ધોરણ 12નું પરિણામ જાહેર થશે.
પરિણામ જાહેર કરવા એક સોફ્ટવેર તૈયાર થશે
એક વખત શાળા અને બોર્ડ બન્નેની પ્રક્રિયા થયા બાદ ફાઈનલ રિઝલ્ટ તૈયાર થશે. આ માટે એક સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવશે, જે આ સમગ્ર પદ્ધતિ આધારિત હશે અને એ ડેટા બોર્ડના સર્વરમાં દાખલ કરીને માર્કશીટ તથા પરિણામ દાખલ થશે. એક સીબીએસઇનું મોડલ તૈયાર થયા બાદ ગુજરાત સહિતનાં રાજ્યો, જેણે ધો.12ની બોર્ડ પરીક્ષા રદ કરી છે તેમને આ મોડલ આપી બોર્ડનાં પરિણામો જાહેર કરવા સૂચના આપવામાં આવશે.
પરિણામોથી સંતોષ ન હોય તેને ફરી પરીક્ષા માટે વિકલ્પ અપાશે
દેશભરમાં સીબીએસઇ ઉપરાંત ગુજરાત સહિતનાં કેટલાંક રાજ્યોએ પણ તેમની ધો.12ની બોર્ડ પરીક્ષા રદ કરતાં હવે કઈ રીતે પરિણામ તૈયાર થશે અને ક્યારે આવશે એની મથામણ ચાલી રહી છે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે વર્ષભર મહેનત કરનાર વિદ્યાર્થીઓ આ પરિણામની એસેસમેન્ટ પોલિસી પર નિર્ભર બની ગયા છે. જોકે આ એસેસમેન્ટ મુજબનાં પરિણામોથી સંતોષ ન હોય તેમને ફરી પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવશે, પણ એ માટે જુલાઈના મધ્ય બાદ જ નવી પરીક્ષા શક્ય બનશે અને ત્યાં સુધીમાં સ્પર્ધાત્મક પરીક્ષા કે અન્ય સારી કોલેજો, યુનિ.ના એડમિશન પ્રક્રિયા અટકી પડે એમ છે.
10 દિવસમાં એસેસમેન્ટના નિયમો-રૂપરેખા તૈયાર થશે
શિક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, CBSE દ્વારા આગામી 10 દિવસમાં એસેસમેન્ટનાં નિયમો અને રૂપરેખા તૈયાર કરી દેવામાં આવશે, જેમાં ધો.10ની જે એસેસમેન્ટ પદ્ધતિથી માર્કશીટ તૈયાર થશે, જે છેલ્લાં ત્રણ વર્ષના પર્ફોર્મન્સના આધારે નક્કી કરવામાં આવશે એ જ ફોર્મ્યુલા ધો.12માં પણ અપનાવાશે.
શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર થયેલી માર્કશીટના આધારે જ એડમિશન અપાશે
દેશની તમામ યુનિ.માં હવે સીબીએસઇના આ એસેસમેન્ટ આધારે વિવિધ રાજ્યોનાં શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર થયેલી માર્કશીટના આધારે જ એડમિશન અપાશે અને એને આધારે જ કટ ઓફ નકકી થશે. આ ઉપરાંત જેઈઈ-નીટ જેવી પરીક્ષામાં પણ મેરિટ આધારે તૈયાર થઈને એમાં અરજી માટેનું કટ ઓફ નકકી થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.