તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-3નો ગ્રાઉન્ડ રિપોર્ટ:ચાંદખેડાના કોર્પોરેટરના ઘર પાસે જ રસ્તાઓ તૂટેલા, ભાજપે ટિકિટ કાપી, ગટર, પાણી અને ટ્રાફિકથી સ્થાનિકો ત્રાહિમામ, પાંચ જગ્યાએ સર્કલ બનાવવા માગ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
 • ચાંદખેડા વોર્ડમાં ચાંદખેડા ગામ, ચાંદખેડા હાઉસિંગ, જનતાનગર, ન્યૂ સીજી રોડ, IOC રોડ, ટીપી 44 રોડ, ટીપી 69 રોડનો સમાવેશ
 • વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત્, પીવાના પાણી અને ગટરલાઈનની પણ સમસ્યા
 • બગીચા, તળાવ, સ્મશાન, લાઇબ્રેરી, શૌચાલયો વગેરે જેવા કેટલાક વિકાસની જરૂરિયાત
 • રોડ પર ગેરકાયદે દબાણ કરી જગ્યા પચાવી પાડવાની પ્રવૃત્તિઓ યથાવત્

રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યનાં ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયાં કયાં કામો નથી થયાં એ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સિરીઝ ચલાવી રહ્યું છે, જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-3 એટલે કે ચાંદખેડા વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

કોર્પોરેટરના ઘરથી 500 મીટર દૂર રસ્તાઓ તૂટી ગયા, પ્રજા નારાજ થતાં ટિકિટ પણ ન મળી
અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તાર એવા ચાંદખેડા વોર્ડમાં ચાંદખેડા ગામ પર હાઇવે પર આવેલા ચાર રસ્તા પર અને IOC રોડ સહિતના વિસ્તારોની મોટામાં મોટી સમસ્યા ટ્રાફિકની છે. ઉપરાંત જે નવા વિસ્તાર અને ટીપી 44ના વિસ્તાર છે ત્યાં ચોમાસામાં તૂટેલા રોડ રસ્તાની મોટી સમસ્યા છે. ચૂંટણી આવતાંની સાથે જ ભાજપના ત્રણ કોર્પોરેટરો દેખાવા લાગ્યા હોવાનું પ્રજા જણાવી રહી છે. ખાસ કરી ભાજપનાં મહિલા કોર્પોરેટરથી ચાંદખેડાની પ્રજા ખૂબ જ નારાજ છે, સાથે સાથે ભાજપના જ કોર્પોરેટર એવા જયંતી જાદવના ઘરથી 500 મીટર દૂર રસ્તાઓ તૂટી ગયા હતા અને બસ સ્ટેન્ડ પણ બનાવી શક્યા નથી. પ્રજામાં પ્રવર્તી રહેલા રોષને લઈ જયંતી જાદવને ભાજપે રિપીટ કર્યા નથી. છેવાડાના વિસ્તાર એવા ચાંદખેડાનો વિકાસ કરવામાં સ્થાનિક કોર્પોરેટરો હજી પાછા પડ્યા હોય તેવું પ્રજા માની રહી છે.

AMTSનું બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું નથી
ચાંદખેડા વિસ્તાર વિકસતો એરિયા છે, જેમાં અનેક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. દરેક વોર્ડમાં એક સુંદર તળાવ આવેલું છે, પરંતુ ચાંદખેડામાં એકપણ તળાવનો વિકાસ નથી. ચાંદખેડા AMTSનું બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું નથી. રોડ પર જ લોકોને ઊભા રહેવાની ફરજ પડે છે.

વોર્ડમાં આવેલા ચારેય તળાવમાં કચરાના ઢગલાઃ પ્રિયંકા મકવાણા
સ્થાનિક રહેવાસી પ્રિયંકા મકવાણાએ જણાવ્યું હતું કે ચાંદખેડા વોર્ડમાં છેલ્લાં પાંચ વર્ષથી તેઓ રહે છે. વિસ્તારમાં ચાર જેટલાં તળાવ આવેલાં છે, પરંતુ એ ખરાબ પરિસ્થિતિમાં છે. એકપણ તળાવ સારું કે એને ડેવલપ કરવામાં આવ્યું નથી. લોકો ત્યાં કચરો નાખી જાય છે અને એને ગંદું કરી રહ્યા છે. અમારી માગ છે કે આ ચારેય તળાવોને રિડેવલપ કરી સુંદર બનાવવામાં આવે, જેથી પાણીની સમસ્યા થાય તો પણ દૂર થઈ શકે છે.

સ્મશાનની હાલત અતિ બદતર, આધુનિક સ્મશાનની જરૂર
સ્થાનિક રહેવાસી ડી.એલ. પરમારે જણાવ્યું હતું કે અમારા ચાંદખેડા વોર્ડમાં આવેલું સ્મશાન અત્યારે સાવ બદતર અને અવાવરૂ જેવું થઈ ગયું છે. દરેક વોર્ડ અને વિસ્તારમાં CNG અને ઇલેક્ટ્રિક ભઠ્ઠીવાળા આધુનિક સ્મશાન બનાવવામાં આવ્યાં છે, પરંતુ ચાંદખેડા વિસ્તારમાં જ આ સ્મશાન પર કોર્પોરેટરોએ ધ્યાન આપ્યું નથી. વોર્ડમાં આધુનિક સ્મશાનની જરૂર છે ત્યારે હવે આગામી સમયમાં એને ડેવલપ કરવામાં આવે એવી અમારી માગ છે.

એકબીજા પર દોષનો ટોપલો ઢોળી કોર્પોરેટરો ફરકતા પણ નથીઃ દીપસિંહ
20 વર્ષથી સ્થાનિક રહેવાસી દીપસિંહે જણાવ્યું હતું કે ચાંદખેડા તેજેન્દ્રનગર વિભાગ-7માં અમે રહીએ છીએ અને ગટર-પાણીની ખૂબ સમસ્યાઓ છે. સોસાયટીની બેહદ સમસ્યાને કારણે સ્થાનિકો ખૂબ જ પરેશાન છે. અડધી સોસાયટી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી છે અને અડધી સોસાયટી ગાંધીનગરના ઝુંડાલમાં ગણાય છે. જ્યારે કોઈપણ સમસ્યા હોય ત્યારે એકબીજા પર ઢોળી દેવાય છે. કોર્પોરેટરો અહીં જોવા પણ આવતા નથી. ગટર, પાણી અને રસ્તાની ચાંદખેડામાં ખૂબ જ સમસ્યા છે જેથી અમારી માગ છે કે કોર્પોરેટરો પોતાનું કામ સારી રીતે કરે અને બજેટ જ્યાં સાચી જગ્યાએ વાપરવાનું છે ત્યાં વાપરે એ જરૂરી છે.

પાંચ જગ્યાએ સર્કલ બનાવવા એક કોર્પોરેટરે જ રજૂઆત કરી, બાકીના ત્રણે કોઈ રસ ન લીધો
સ્થાનિક રહેવાસી સુમનભાઈ વોરાએ જણાવ્યું હતું કે ચાંદખેડા વોર્ડમાં ટ્રાફિકની મોટી સમસ્યાઓ છે જેને કારણે પાંચ જગ્યાએ સર્કલ બનાવવા માટેની માગ કરવામાં આવી હતી; ત્યારે એક કોર્પોરેટરે સર્કલ બનાવવા માટે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી, પરંતુ ત્રણ કોર્પોરેટરોએ કોઈ રસ ન દાખવતાં સર્કલ બન્યા નથી. ચાંદખેડા ચાર રસ્તા પર સાંજે ખૂબ જ ટ્રાફિક થતો હોય છે, સાથે સાથે IOC રોડ પર પણ ટ્રાફિક થાય છે જેને કારણે લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે.

ક્યાંય પણ પે એન્ડ યુઝ કે શૌચાલયો નથી
જ્યારે વિનોદભાઈ ખુરાનાએ જણાવ્યું હતું કે ચાંદખેડા વોર્ડમાં મુખ્ય રસ્તાઓ જ્યાં લોકોની અવરજવર વધુ હોય ત્યાં કયાંય કોર્પોરેશને સુલભ શૌચાલયો જ નથી બનાવ્યાં. ચાંદખેડા હાઉસિંગ બોર્ડ, IOC રોડ કે નવા વિસ્તાર હોય; ક્યાંય પણ પે એન્ડ યુઝ કે શૌચાલયો નથી. સાંજે અનેક લોકોની અવરજવર હોય છે ત્યારે શૌચાલયો બનાવવામાં આવે એવી માગ છે.

વોર્ડ નંબર 3માં કુલ મતદારો

પુરુષ - 52412 સ્ત્રી - 49216 અન્ય - 1 કુલ - 101629

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો