ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ:અમદાવાદના કાલુપુર, માધુપુરા અને ભદ્ર બજારનો ગ્રાઉન્ડ રિપોર્ટ, માત્ર 30 ટકા લોકો જ માસ્ક પહેરેલા જોવા મળ્યા

અમદાવાદ10 મહિનો પહેલા
ડાબેથી ભદ્ર બજાર અને કાલુપુર શાક માર્કેટની તસવીર
  • દિવ્યભાસ્કરે કાલુપુર શાક માર્કેટ, કાલુપુર ચોખા બજાર અને માધુપુર માર્કેટની મુલાકાત લીધી
  • અનેક ગ્રાહકો માસ્ક વિના તો ઘણાએ માસ્ક નાક નીચે પહેર્યું હતું

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. આ સમયગાળા દરમિયાન લોકો પોતાના સ્વજનોને બચાવવા માટે લાચાર બની ગયા હતાં. દર્દીઓને સારવાર માટે લાઈનમાં રહેવું પડ્યું હતું. ઓક્સિજન અને દવાઓ પણ ખૂટી ગયા હતા. હવે કોરોના નિયંત્રિત થતાં ફરીવાર બિનધાસ્ત બની ટોળે વળી રહ્યાં છે. ત્યારે DivyaBhaskarએ અમદાવાદના મોટા ગણાતા બજારો એવા કાલુપુર શાક માર્કેટ, કાલુપુર ચોખા બજાર અને માધુપુરા માર્કેટનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન હાલ કોરોના છે જ નહીં એમ સમજીને લોકો બજારમા માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. વેપારીઓ અને ગ્રાહકો માત્ર દેખાવ પુરતું જ માસ્ક પહેરે છે. માત્ર 30 ટકા લોકો જ માસ્ક પહેરતા હોવાનું જાણવા મળ્યું હતું.

કાલુપુર શાકમાર્કેટના વેપારીઓ તમામ નિયમોને નેવે મૂકીને બજારમાં માસ્ક વગર જોવા મળ્યા
કાલુપુર શાકમાર્કેટના વેપારીઓ તમામ નિયમોને નેવે મૂકીને બજારમાં માસ્ક વગર જોવા મળ્યા

કાલુપુર શાક માર્કેટમાં ભીડ ઓછી, વેપારીઓ માસ્ક વિના
આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન સૌપ્રથમ અમારી ટીમ 11:30 વાગ્યે કાલુપુર શાકમાર્કેટમાં પહોંચી હતી. જ્યાં ઓછી ભીડ જોવા મળી હતી.પરંતુ માર્કેટમાં બેઠેલા શાકભાજીના વેપારીઓ અને કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. જેમાં કેટલાકે તો માસ્ક નાકની નીચે પહેર્યું હતું. જે માત્ર દેખાડા પૂરતું જ પહેર્યું હોય તેમ લાગી રહ્યું હતું. આ શાકમાર્કેટના વેપારીઓ તમામ નિયમોને નેવે મૂકીને બજારમાં માસ્ક વગર જોવા મળ્યા હતા.

AMCએ આ બજારમાં અવરજવર કરનાર લોકોનું થર્મલ સ્કેનિંગ થાય તે માટે 2 ટીમ પણ ગોઠવી છે. આ ટીમ પણ પોતાના કામમાં બેદરકારી દાખવી રહી છે. થર્મલ સ્ક્રિનિગ તો દૂરની વાત છે. તેઓ માસ્ક વગરના લોકોને ટકોર પણ નથી કરતા. આ માર્કેટમાં દિવ્યભાસ્કરની ટીમએ 30 મિનિટ સુધી તમામ લોકો પર નજર રાખી જેમાં 10માંથી માત્ર 3 કે 4 લોકો જ સરખી રીતે માસ્ક પહેરેલા નજરે પડ્યા હતા.

માસ્ક વિના કામ કરી રહેલા કાલુપુર ચોખા બજારના વેપારી
માસ્ક વિના કામ કરી રહેલા કાલુપુર ચોખા બજારના વેપારી

કાલુપુર ચોખા બજારમાં લોકો માસ્ક વિના જ ફરતા હતાં
​​​​​​​
ત્યારબાદ દિવ્યભાસ્કરની ટીમ કાલુપુર ચોખાબજાર અને કરિયાણા બજારમાં ગઈ હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ અમે ત્યાં પહોંચ્યા ત્યારે મોટાભાગની દુકાનો ખુલી ગઈ હતી. આ સમયે બજારમાં લોકોની ભીડ ઓછી જોવા મળી પરંતુ અહીં તો માસ્ક પહેરવાનો નિયમ જ લાગુ ન પડતો હોય તે રીતે લોકો માસ્ક વગર જ ખરીદી કરી રહ્યા હતા. તેઓને કોરોના કે માસ્કના દંડની કોઈ ચિંતા જ ના હોય તે રીતે બજારમાં ફરી રહ્યા હતા. થોડા ઘણા વેપારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.

હાલમાં લોકોની અવરજવર ઓછી​​​​​​​: વેપારી
એક વેપારીએ DivyaBhaskarને જણાવ્યું કે હાલ સરકાર મફત અનાજ આપે છે. એટલે અહીંયા લોકોની અવરજવર ઓછી છે. નહીતો પગ મુકવાની જગ્યા ન મળે. અહીંયા લોકોને માસ્ક માટે ટકોર કરનાર કોઈ વ્યક્તિ બજારમાં ઉપસ્થિત ન હતી. તેથી લોકોએ પણ તેનો લાભ ઉઠાવીને બેદરકારી દાખવી હતી.અગાઉ બીજી લહેરમાં આ બજારોમાં ભીડના કારણે જ સંક્રમણ વધ્યું હોવાનું કેટલાક નિષ્ણાત ડોક્ટરનું કહેવું છે. ત્યારે આવી જ ભીડ હવે શું કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી હોય તેવું લાગી રહી છે. જોકે અહીંયા પણ દિવ્યભાસ્કરની ટીમે બજારમાં 30 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. પરંતુ લોકોને માસ્ક અંગે ટીમે ટકોર કર્યા બાદ પણ તેઓ માસ્ક તેમના નાક નીચે લગાડી માત્ર દેખાડો કરી રહ્યા હતાં.

માધુપુરા માર્કેટમાં પણ નિયમોના ધજાગરા ઉડતા દેખાયા
​​​​​​​​​​​​​​શહેરના જૂના અને જાણીતા માધુપુરા માર્કેટમાં પણ પોણા એક વાગ્યાની આસપાસ દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી. ત્યાં બજારમાં એકલ દોકલ જ ગ્રાહકો જોવા મળ્યા હતાં.માર્કેટમાં વેપારીઓ માસ્ક સાથે જોવા મળ્યા હતા. જોકે લોકોનો ધસારો ઓછો હોવાથી બજાર ખાલી ખમ જોવા મળ્યું હતું. માધુપુરાના વેપારીએ જણાવ્યું કે લોકોનો ઘસારો હમણાંથી ઓછો છે પરંતુ કેટલાક ગ્રાહકો હજી પણ માસ્ક નથી પહેરતા. આ માર્કેટમાં મોટાભાગના હોલસેલર્સ છે. એટલે આમ પણ સામાન્ય લોકો કરતા ફેરિયા અને વેપારીઓની અવર જવર વધારે હોય છે.

ભદ્ર પાથરણા બજારમાં માસ્ક વિના બિનધાસ્ત બની ફરી રહેલા લોકો
ભદ્ર પાથરણા બજારમાં માસ્ક વિના બિનધાસ્ત બની ફરી રહેલા લોકો

ભદ્ર પાથરણા બજારમાં તો નજારો જ કંઈ ઓર હતો
અમદાવાદ સૌથી મોટા પાથરણા બજાર એ દિવ્યભાસ્કરની ટીમ સવા એક વાગ્યાની આસપાસ પહોંચી હતી. જ્યાં આ ભદ્રનું ત્રણ દરવાજા બજાર ધમધમતું નજરે પડ્યું હતું.બજારમાં લોકોની ભીડ જોવા મળી હતી. કેટલાક લોકો પરિવાર સાથે કપડાં, કટલરી અને હોઝિયરીની ખરીદી કરતા નજરે પડ્યા હતા. આ માર્કેટમાં હજારો લોકોની અવરજવર જોવા મળે છે.જેમાં સૌથી વધારે શ્રમજીવી પરીવારના લોકો વધારે જોવા મળતા હોય છે.

ભદ્ર પાથરણા બજારમાં 10માંથી 3 લોકોએ જ માસ્ક પહેર્યું હતું
દિવ્યભાસ્કરની ટીમે આ બજારમાં અલગ અલગ જગ્યાએ જઈને તપાસ કરી જેમાં મોટાભાગના લોકો માસ્ક વગર અને ભીડમાં જોવા મળ્યા હતા. પાથરણા બજારના પણ કેટલાક વિક્રેતાઓ માસ્ક વગર ગ્રાહકોની સાથે વસ્તુનું વેચાણ કરી રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા નજરે પડ્યા હતાં. આ બજાર અવાર નવાર ચર્ચામાં આવતું હોય છે. કારણે બીજી લહેર પહેલા પણ આ બજારમાં મોટી ભીડ ઉમટી હતી. જેના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાયું હોય એમ માનવામાં આવે છે. આ બજારમાં કેટલીક ગલીઓમાં તો ચાલવાની પણ જગ્યા ન હતી. આ બજારમાં 30 મિનિટ જેટલો સમય વિતાવ્યા બાદ સતત ભીડ વધતી નજરે પડી હતી. અને 10 લોકોમાંથી માંડ 3 લોકોએ જ માસ્ક બરોબર પહેર્યું હતું. બાકી લોકોને કોરોનાનો ડર જ ના હોય તેમ તેઓ ફરી રહ્યા હતા.

ભદ્રમાં ઘણાં લોકોએ તો નાક નીચે માસ્ક પહેર્યું હતું.
ભદ્રમાં ઘણાં લોકોએ તો નાક નીચે માસ્ક પહેર્યું હતું.

તંત્ર નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ નિવડ્યું
​​​​​​​​​​​​​​દિવ્યભાસ્કરની ટીમના આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં અનેક બાબતો સામે આવી હતી. જેમાં ક્યાંક તંત્ર પણ આ નિયમોનું પાલન કરાવવા નિષ્ફળ નીવડ્યું છે. લોકો પણ બેદરકારી દાખવીને હવે ત્રીજી લ્હેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમે માત્ર બજારની મુલાકાત લીધી એટલું જ નહીં, પણ લોકોને માસ્ક પહેરવા માટે વિનંતી કરીને સમજાવ્યા છે.

શહેરીજનોને દિવ્યભાસ્કર તરફથી અપીલ છે કે હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. ત્યારે નિયમોનું પાલન કરી સાવચેતી દાખવીએ તો અન્ય શહેરીજનોને પણ તમારા કારણે મુશ્કેલીમાં ના મુકાવું પડે

અન્ય સમાચારો પણ છે...