તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લુઝિવ:કોરોના વેક્સિન વિતરણની તૈયારીઓ, દિવ્યભાસ્કરે કર્યો બ્લૂ પ્રિન્ટનો અભ્યાસ, સરકારની યાદી જાહેર, પોલીસથી પોસ્ટ વિભાગ સુધીના કર્મીઓનો સમાવેશ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
50 વર્ષથી ઉપરના તમામ લોકોની યાદી તૈયાર કરવા કમિશનરોએ સૂચન કર્યાં - Divya Bhaskar
50 વર્ષથી ઉપરના તમામ લોકોની યાદી તૈયાર કરવા કમિશનરોએ સૂચન કર્યાં
 • તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગર પાલિકાના કમિશનરો અને આરોગ્ય અધિકારીઓ દ્વારા કામગીરી પૂરજોશમાં
 • સરકારમાં મોટા ભાગની યાદી મોકલાઈ, અમુક ડેટાબેઝ તૈયાર થઈ રહ્યો છે
 • જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર,અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા 2,189 કોલ્ડ ચેઇન પોઇન્ટ

કોરોનાની મહામારી હાલ બેફામ બની ચૂકી છે ત્યારે સૌ કોઈ વેક્સિનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વેક્સિન મામલે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક યોજી હતી. વિડિયો-કોન્ફરન્સ દ્વારા આ મીટિંગની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી હતી.તેમણે કહ્યું હતું, કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાં સપ્તાહમાં રસી તૈયાર થઈ જશે. જેને પગલે વેક્સિન આપવાની વ્યવસ્થા અંગે DivyaBhaskarના અનિરુદ્ધસિંહ મકવાણા, આશિષ મોદી, જિગ્નેશ કોટેચા અને જીતુ પંડ્યાએ ગુજરાતના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન અમદાવાદ જિલ્લાના 2.75 લાખ લોકો સહિત 3 લાખ 55 હજારથી વધુ લોકોની યાદી તૈયાર થઈ ગઈ હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. તેમજ સરકારે જે જે વિભાગોના સરકારી કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે તેની યાદી પણ જાહેર કરી દીધી છે. જેમાં ટીચરથી લઈ તલાટી અને પોલીસથી લઈ પોસ્ટ વિભાગના કર્મચારીઓનો સમાવેશ કર્યો છે.

સરકારના કયા કયા વિભાગના કર્મચારીઓને પ્રાયોરિટીમાં વેક્સિન અપાશે તેની સંપૂર્ણ યાદી જોવા અહીં ક્લિક કરો

33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના
વેક્સિનેશન માટે રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. આ આદેશને પગલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગર પાલિકાના કમિશનરો અને આરોગ્ય અધિકારીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. આ તમામ અધિકારીઓને હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાતના અધિકારીઓ કેન્દ્રની ટીમ સાથે કો-ઓર્ડિનેશન કરીને સાથે મળીને કામ કરવામાં લાગી ગયા છે.

અમદાવાદ ગ્રામ્યમાં 7500 હેલ્થ વર્કર્સ સહિત 2.75 લાખ લોકોની યાદી બની ગઈ
અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા વેક્સિનને લઈને બેઠક કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર સંદિપ સાગલેના જણાવ્યા મૂજબ અમદાવાદ જિલ્લાના 2.75 લાખ લોકોની યાદી તૈયાર કરાઇ છે. જે મુજબ 2.75 લાખ લોકોને પહેલા રસી અપાશે. જેમાં 7500 હેલ્થકેર વર્કર્સની યાદી પણ તૈયાર કરી લેવાઈ છે. જેમાં સરકારી અને ખાનગી હેલ્થકેર વર્કર્સનો યાદીમાં સમાવેશ કરાયો છે.ફ્રન્ટલાઈન વોરિયર્સની યાદી તૈયાર કરાઈ છે. તેમજ લોકોના સીધા સંપર્કમાં આવતા ફ્રન્ટલાઈન વોરિયર્સની યાદીમાં સમાવેશ કરાયો છે.

યાદીમાં 50 વર્ષથી વધુની ઉમરના 2.59 લોકો સામેલ
50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી પણ તૈયાર કરાઈ છે. 50 વર્ષથી વધુની ઉમરના 2.59 લોકોની યાદી તૈયાર કરાઈ છે. ઊપરાંત 50 વર્ષથી ઓછા પણ જે કો-મોર્બિડ લોકો છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. વેક્સિન આવી ગયા બાદ વેક્સિનને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કોલ સ્ટોરેજનું ઓડિટ કરવામાં આવ્યું છે. કોલ સ્ટોરેજની કેપેસિટી વધારવાનું કામ ચાલી રહ્યું છે. તેમજ વેક્સિન આવી ગયા બાદ લોકોને આપવામાં માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

AMCએ 40 હજાર હેલ્થ વર્કર્સની યાદી મોકલી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના વેક્સિન આપવા માટેની તૈયારીઓ અગાઉથી જ આરંભી દીધી હતી. વેક્સિનના વિતરણ મામલે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ DivyaBhsakar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 4 સ્ટેજમાં આ વેક્સિન આપવામાં આવશે. જેમાં સૌ પ્રથમ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 હજાર જેટલા કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવાઈ છે અને આ યાદી રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં 8500 જેટલા ડોક્ટર અને હેલ્થ વર્કર્સને અપાશે
AMCમાં ફરજ બજાવતાં તમામ ડોક્ટર્સ અને હેલ્થ વર્કરની યાદી તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ ડોઝ 8500 જેટલા ડોક્ટર અને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. વેક્સિન માટે કો-વિન એપ બનાવી છે. આગામી અઠવાડિયામા વેક્સિન આવી જશે ત્યારે સૌથી પહેલા કોરોના સામે યુદ્ધ લડી રહેલા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વોરિયર્સને અગ્રતાના ધોરણે વેક્સિન આપવામાં આવશે. જે માટે યાદી તૈયાર કરવામાં આવી રહી છે. વેક્સિન સરકાર દ્વારા જે ગાઈડલાઈન આવશે તે પ્રમાણે આપવામા આવશે. તેમજ આગામી દિવસોમાં અન્ય લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવશે. હેલ્થ વર્કર્સ બાદ ફ્રન્ટ લાઇન વોરિયર્સ એવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદાર, AMTS અને BRTS બસના કર્મચારીઓ અને ત્રીજા સ્ટેજમાં 50 વર્ષના કો-મોર્બિડ વ્યક્તિઓ અને બાદમાં સામાન્ય માણસને આપવામાં આવશે.

સુરતઃ શિક્ષકો, સફાઈ કામદારો અને હેલ્થવર્કરોનો ડેટાબેઝ તૈયાર કરવા કવાયત
સુરત શહેરની વાત કરીએ તો આ અંગે સુરત મનપાના હેલ્થ ઓફિસર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે કોરોનાની માહામારી સામે લડતના ભાગરૂપે આપણી સામે વેક્સિન આવી રહી છે. જેની રાજ્ય સરકાર દ્વારા મળેલી સૂચના મુજબ તૈયારી કરી છે. એટલું જ નહીં પણ આ બાબતે પાલિકા કમિશનરે અધિકારીઓ સાથે બે વાર મીટિંગ પણ કરી છે. જેમાં મુખ્યત્વે ફાયદારૂપ ડેટા બેઝ તૈયાર કરવા પર ભાર મુકાયો છે. પ્રથમ હેલ્થ વર્કર કે જેમાં સરકારી હોસ્પિટલો, મનપા સંચાલિત હોસ્પિટલો, 55 અર્બન હેલ્થ સેન્ટર, સર્વન્ટ વર્કર, શિક્ષકો, અન્ય સફાઈ કામદારો અને જે આ કામગીરી સાથે જોડાયેલા છે એવા તમામની ઓળખ કરી એક યાદી તૈયાર કરી રહી છે.

62 જેટલી સરકારી અને 1000 જેટલી ખાનગી જગ્યાઓ પર ડેટા બેઝની કામગીરી
તેમણે વધુમાં જણાવ્યું કે 62 જેટલી સરકારી અને 1000 જેટલી ખાનગી જગ્યાઓ પર ડેટા બેઝ તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં નામ, ઉંમર સહિતની તમામ માહિતીઓ ભેગી કરાઈ રહી છે. તેમજ સુરતમાં રહેતા હોય એવા 50 વર્ષની ઉપરના તમામ લોકોની યાદી તૈયાર કરવા કમિશનરે સૂચન કર્યું છે. જેની કામગીરી શરૂ થઈ ગઈ છે.

બીજા રાઉન્ડની વાત કરીએ તો આ વેક્સિન કોર્પોરેશનમાં વેક્સિનેટર તરીકે કામ કરતા હેલ્થ વર્કર, સેનેટરી ઇન્સ્પેક્ટર, નર્સિંગ સ્ટાફ, મલ્ટીપલ હેલ્થ વર્કર, તેમજ નર્સિંગ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ ટ્રેનિંગ આપી વેક્સિનેટર તરીકે ઉપયોગમાં લેવાની કામગીરી કરાઈ રહી છે

વેક્સિનનું તાપમાન જાળવવા પાવર બેકઅપ માટે જનરેટરની વ્યવસ્થા
જ્યારે વેક્સિનની જાળવણી કરવા અંગે પ્રદીપ ઉમરીગરે કહ્યું કે, પ્રોડક્શનથી લઈ ડોઝ આપવા સુધીનું વેક્સિનનું તાપમાન જળવાઈ રહે એ માટે તમામ સાધનો એકત્રિત કરાઈ રહ્યા છે. આ તમામ સાધનો 24 કલાક ચાલુ રાખી શકાય એ માટે પાવર બેકઅપ માટે જનરેટરની વ્યવસ્થા પણ કરવા સૂચના આપી છે.

કઈ કઈ જગ્યાઓ પર વેક્સિન અપાશે એ માટે સ્કૂલ, હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી સેન્ટરની યાદી પણ તૈયાર કરાઈ રહી છે. વેક્સિન આવે ત્યાં સુધીમાં લગભગ તમામ ડેટા બેઝ તૈયાર કર્યા બાદ કામગીરી સરળ બનાવવાના પ્રયાસો ચાલુ છે.

વડોદરાઃ મનપાના 13 હજાર અને જિલ્લાના 10,000 લોકોની યાદી તૈયાર
વડોદરામાં વેક્સિન વિતરણ માટે વડોદા શહેર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 13000 અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 10,000 લોકોની યાદી તૈયાર કરી રાજ્યના આરોગ્ય વિભાગને મોકલી આપી છે.

VMCના આરોગ્ય અધિકારી ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 13000 લોકોને વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિન સરકારની સુચના પ્રમાણે પ્રથમ હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા કર્મચારીઓને આપવામાં આવશે. તૈયાર કરવામાં આવેલી 13000 હેલ્થ વર્કરોની યાદી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે.

વેક્સિનનો ડોઝ એક સાથે નહિં પણ તબક્કાવાર આવશે
ડૉ.દેવેશ પટેલે વધુમાં ઉમેર્યુ હતું કે, કોરોનાની વેક્સિનનો ડોઝ એક સાથે નહિં પણ તબક્કાવાર આવશે. જે વેક્સિનનો જથ્થો આવશે તે કેવી રીતે આપવી તે માટે એક ટીમ બનાવાશે. આ ટીમ દ્વારા હેલ્થ વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓને આપવામાં આવશે. વેક્સિન માટે ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે.

જિલ્લામાંથી ખાનગી અને સરકારી 10,000 કર્મચારીઓની યાદી મોકલી
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં કોરોનાની વેક્સિન આપવા માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા ખાનગી અને સરકારી 10,000 કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી સરકારમાં મોકલી આપી છે. વેક્સિન આવ્યા બાદ કેવી રીતે આપવી અને પ્રથમ કોને આપવી તે માટે એક કમિટી બનાવી છે. સરકારમાંથી જેમ જેમ વેક્સિન આવશે તેમ તેમ વેક્સિન આપવાનું આયોજન છે.

રાજકોટમાં 8500 લોકોનું લિસ્ટ તૈયાર, વેક્સિન માટે કો-વિન એપ બનાવી
રાજકોટમાં કોરોના વેક્સિનના વિતરણ માટે રાજકોટ મનપાએ વોર્ડ વાઈઝ વેક્સિન વિતરણ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આગામી સપ્તાહમાં કોરોના વેક્સિન મામલે આરોગ્ય અધિકારી સાથે મિટિંગનું આયોજન વોર્ડ વાઈઝ પ્રભારીઓને જવાબદારી સોંપવામાં આવશે. ઝોન વાઈઝ તેમજ વોર્ડ વાઈઝ મનપાના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના તમામ ડોક્ટર્સ અને હેલ્થ વર્કરની યાદી તૈયાર કરવાનું શરૂ કરવામાં આવી છે. ડોર ટુ ડોર વેક્સિન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મહત્વનું છે કે પ્રથમ ડોઝ 50 વર્ષ ઉપરના લોકોને આપવામાં આવશે. જેમાં 8500 જેટલા ડોક્ટર અને હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. વેક્સિન માટે કો-વિન એપ બનાવાઈ છે.

જિલ્લા કલેકટરના આદેશ બાદ રસીકરણ માટેની તૈયારીઓ શરૂ
રાજકોટ અધિક કલેક્ટર પરિમલ પંડ્યાના જણાવ્યા હતું કે રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રસીકરણ માટે એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. જેમાં 8500 જેટલા કર્મચારીઓનું લિસ્ટ બનાવાવમાં આવ્યું છે. કોરોનાની રસી આવ્યા બાદ સૌપ્રથમ તે રસી તબીબો હેલ્થ વર્કર તેમજ આંગણવાડી સાથે સંકળાયેલ બહેનોને આપવામાં આવશે. આ મામલે તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના પણ કરી દેવામાં આવી છે.

વેક્સિન લોજિસ્ટિક્સ અને કોલ્ડ ચેઈન નક્કી કરવી
અધિક કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે વહેલી તકે રસીકરણ અને તેને સંલગ્ન કામગીરી માટે વધુમાં વધુ લોકોને જોડીને ટીમ બનાવવા સૂચના આપી છે. આ ફોર્સની કામગીરી વેક્સિનેશન કરી શકે તેવી અલાયદી સિસ્ટમ ઉભી કરવાની છે. જેથી સામાન્ય દિવસોમાં જે રસીકરણ થાય છે. તેમાં કોઇ દખલ ન થાય. આ માટે ખાસ પ્રકારની કો-વિન એપ બનાવી છે. જેમાં રસીના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી કરાશે. તેમજ રિયલ ટાઈમ મોનિટરિંગ કરાશે. ઉપરાંત વેક્સિન લોજિસ્ટિક્સ તેમજ કોલ્ડ ચેઈન નક્કી કરવી જેવી અનેક કામગીરી કરવાની રહેશે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે મહાપાલિકાના અને ખાનગી હોસ્પિટલોમાં કામ કરતા 8500 જેટલા કર્મચારીઓને રસી આપવામાં આવશે. આ માટેની વિગતો એકત્ર કરી લેવામાં આવી છે. સરકાર દ્વારા જે ગાઈડલાઈન આવશે તે પ્રમાણે અમારો આરોગ્ય વિભાગની કામગીરી આગળ વધારશે.

પ્રથમ તબક્કે 50થી વધુની વયના કોરોના વોરિયર્સને રસી અપાશે
મનપા દ્વારા સરકારી મોડ્યુલ પ્રમાણે કર્મચારીઓને તાલિમ આપવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોરોનાની વેક્સિનને માઈનસ તાપમાને રાખવાની હોવાથી તે દિશામાં પણ કામકાજ નિર્દેશો બાદ હાથ ધરાશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કોરોનાની વેક્સિન સૌથી પહેલા 50 વર્ષથી વધુની ઉંમરના આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે. બાદમાં 40થી 50 વર્ષ વચ્ચેના કર્મચારીઓ અને ડાયાબિટીશ કે બ્લડ પ્રેશર જેવી બિમારી ધરાવતા કર્મચારીઓને આ વેક્સિન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો