વૈષ્ણોદેવી મંદિરથી ગ્રાઉન્ડ રિપોર્ટ:નાસભાગમાં 13નાં મોત બાદ ડરનો માહોલ, ભક્તોમાં 30 ટકાનો ઘટાડો, સવારે અને બપોરે થાય છે ભક્તોની ભીડ

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • જે જગ્યાએ દુર્ઘટના ઘટી એ જગ્યા પર જરા પણ ભીડ જોવા ન મળી

જમ્મુના કટરામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે રોજ હજારો ભક્તો આવે છે, પરંતુ 1 જાન્યુઆરીના દિવસની વહેલી સવાર મંદિરમાં ભક્તોના અવાજથી નહીં, પણ દોડધામ થતાં લોકોની ચિચિયારીઓ સાથે પડી હતી. આ નાસભાગમાં 13 લોકોનાં મોત અને 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. એ બાદ વૈષ્ણોદેવી આવી રહેલા ભક્તોની સંખ્યામાં 30 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આ કરુણાંતિકા બાદ DivyaBhaskar વૈષ્ણોદેવી મંદિર પહોંચીને હાલની સ્થિતિનો એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો છે.

કટરાથી વૈષ્ણોદેવી મંદિર 14 કિ.મી. દૂર છે, જે કાપવામાં અંદાજે 4થી 5 કલાક જેટલો સમય લાગે છે. દેશભરના લાખો ભક્તો વૈષ્ણોદેવી મંદિર દર્શન કરવા આવે છે. લોકો ચાલતા, ઘોડા પર કે પાલખીમાં બેસીને દર્શન કરવા ઉપર જતા હોય છે. ઉપર મંદિરના ભવન ખાતે પહોંચતાં જ લોકર રૂમ છે, જ્યાં ભક્તોએ સામાન જમા કરાવવાનો રહે છે અને બાદમાં 1 કિ.મી. જેટલું અંતર કાપીને માતાજીનાં દર્શન કરી શકાય છે. રોજ સેંકડો ભક્તો ઉપર પહોંચીને દર્શન માટે રાહ જોતા હોય છે.

નીચે જ લોકો લાંબી લાઈનમાં ઊભા રહીને રજિસ્ટ્રેશનની ચિઠ્ઠી બતાવીને દર્શન કરવા જાય છે
નીચે જ લોકો લાંબી લાઈનમાં ઊભા રહીને રજિસ્ટ્રેશનની ચિઠ્ઠી બતાવીને દર્શન કરવા જાય છે

બુકિંગ કરાવ્યા બાદ જ દર્શન કરવા માટે જવા દેવામાં આવે છે
1 જાન્યુઆરીની વહેલી સવારે નવું વર્ષ હોવાથી રોજ કરતાં ભક્તોની ભીડ પણ વધુ હતી અને મંદિરના ભવન પાસે જ ભક્તો ઊભા હતા, ત્યાં અચાનક કોઈ કારણથી ભાગદોડ મચી ગઈ હતી, જેને કારણે દર્શનાર્થીઓ અને નીચે સૂતેલા કે બેઠેલી વ્યક્તિઓ પરથી ભીડ પસાર થઈ હતી, જેને કારણે 13 વ્યક્તિનાં મોત થયાં હતાં અને 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ થોડા સમય માટે દર્શન બંધ રાખીને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. અગાઉ તમામ લોકો દર્શન કરવા જઈ શકતા હતા, પરંતુ હવે દર્શન માટે એડવાન્સમાં આધાર કાર્ડ સાથે ઓનલાઇન બુકિંગ કરાવવું જરૂરી છે અને એ બાદ જ દર્શન કરવા નીચેથી ઉપર જવા દેવામાં આવે છે.

બાળક સાથે હોય તો ચિંતા રહેઃ ભક્તો.
બાળક સાથે હોય તો ચિંતા રહેઃ ભક્તો.

રાતને બદલે હવે સવાર-બપોરે દર્શને આવે છે ભક્તો
નાસભાગના બનાવ બાદ લોકોના મનમાં પણ એક ડર ઊભો થયો છે. એટલું જ નહીં, હવે મોડી રાતે દર્શન કરવા આવતા ભક્તોની સંખ્યામાં પણ 30થી 35 ટકાનો ઘટાડો થયો છે. વહેલી સવારે લોકોનો દર્શન માટે આવવાનો ધસારો વધ્યો છે. અગાઉ જે ભીડ રાતે જોવા મળતી હતી એ હવે વહેલી સવારે જોવા મળે છે. નીચે જ લોકો લાંબી લાઈનમાં ઊભા રહીને રજિસ્ટ્રેશનની ચિઠ્ઠી બતાવીને દર્શન કરવા જાય છે.

નજીક એમ્બ્યુલન્સ પણ મૂકવામાં આવી
વાતાવરણમાં પણ 2 દિવસથી બદલાવ આવ્યો હોવાથી વરસાદ પડી રહ્યો છે. પગપાળા જઈ રહેલા મોટા ભાગના ભક્તો રેઈનકોટમાં જ જોવા મળ્યા હતા, પરંતુ જે જગ્યાએ બનાવ બન્યો હતો એ જગ્યા પર હવે જરા પણ ભીડ જોવા મળી નહોતી અને અમુક કિ.મી.ના અંતરે એમ્બ્યુલન્સ પણ મૂકવામાં આવી આવી છે. ભવિષ્યમાં આવો બનાવ ના બને એ માટે હાલ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

રાજસ્થાનથી આવેલા અમિત પારડિયા, ગુજરાતના કિંજલ પટેલ અને મહારાષ્ટ્રના અજય કદમ
રાજસ્થાનથી આવેલા અમિત પારડિયા, ગુજરાતના કિંજલ પટેલ અને મહારાષ્ટ્રના અજય કદમ

આ અંગે સ્થાનિક દુકાનદારે DivyaBhaskarને જણાવ્યું હતું કે અગાઉ લોકો રાતે જ ઠંડીમાં પહાડ ચઢવાનું પસંદ કરતાહતા અને જલદી નીચે આવી જતા હતા, પરંતુ ભાગદોડના બનાવ બાદ હવે લોકોની માનસિકતા બદલાઈ છે અને હવે સવારે અને બપોરે ધસારો વધ્યો છે.

રાતની જગ્યાએ સવારે ચઢવાનું પસંદ કર્યું: કિંજલ પટેલ
ગુજરાતથી આવેલા કિંજલ પટેલના નામના ભક્તે જણાવ્યું હતું કે અમે એડવાન્સ બુકિંગ કરાવીને દર્શન કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ નાસભાગ બાદ અમે પણ અમારો સમય બદલ્યો છે અને રાતની જગ્યાએ સવારે ચઢવાનું પસંદ કર્યું છે. સવારે અજવાળું હોય અને લોકો એકબીજા સાથે રહે, તેથી સવારનો સમય પસંદ કર્યો છે.

રાતે ચઢવું વધુ જોખમકારકઃ અમિત પારડિયા
રાજસ્થાનથી આવેલા અમિત પારડિયા નામના માઇભક્તે જણાવ્યું હતું કે અમે ભાગદોડની ખબર મળતા રાતના સમયે ઉપર ચઢવા કરતાં સવારે અથવા બપોરે ચઢવું સારું એવું વિચારીને સવારે દર્શન કરવા આવ્યા છીએ. વરસાદ અને વાતાવરણ ખરાબ છે, જેથી રાતે ચઢવું વધુ જોખમકારક હોવાથી સવારે જ આવ્યા છીએ.

બનાવ ભલે બન્યો, પરંતુ માતાજીમાં અમારી શ્રદ્ધા છેઃ અજય કદમ
મહારાષ્ટ્રથી આવેલા અજય કદમ નામના માઇભક્તે જણાવ્યું હતું કે બનાવ ભલે બન્યો, પરંતુ માતાજીમાં અમારી શ્રદ્ધા છે, જેથી દર્શન કરવા આવ્યા છીએ, પરંતુ બાળક સાથે હોય તો ચિંતા રહે, જેથી બાળક વિના જ અમે દર્શન કરવા આવ્યા છીએ અને ફટાફટ દર્શન કરીને ક્યાંય પણ ઊભા રહ્યા વિના નીચે જ ઊતરી જઈશું.

1 જાન્યુ.એ રાતે 2.45એ થઈ હતી નાસભાગ
નવા વર્ષના દિવસે સવારમાં જ જમ્મુ-કાશ્મીરમાં આવેલા વૈષ્ણોદેવી માતાના મંદિરથી એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં રાતે 2.45 વાગે અચાનક નાસભાગ થઈ ગઈ હતી, જેમાં 13 લોકોનાં મોત થયાં હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. પહેલાં આ યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ સ્થિતિ સામાન્ય થતાં યાત્રા ફરી ચાલુ કરવામાં આવી હતી. આ ઘટના ત્રિકૂટા પર્વત પર આવેલા મંદિરના ગર્ભગૃહની બહાર ગેટ નંબર 3 પાસે ઘટી છે.

અન્ય સમાચારો પણ છે...