શું લાગે છે?:ભાજપના ડોક્ટરના નામ પર ગ્રીન ટિક, ગીર સોમનાથનું મોટું માથું BJPના સંપર્કમાં, હર્ષ સંઘવીને કોણ ટક્કર આપશે?

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બેઠક દીઠ પેનલ તૈયાર થયા પછી હવે છેલ્લું એક નામ નક્કી કરવા રેડ ટીક માર્ક થવા લાગી છે. રેડ માર્ક વધતી જાય પછી છેલ્લે નામ વધે તેને ગ્રીન સિગ્નલ મળી જાય. જોકે કેટલીક બેઠકો પર સીધી જ પસંદગી જાય ત્યાં સુધી ગ્રીન રંગની ટીક પણ લાગી ગઈ હોવાની ચર્ચા છે. 48 કલાક બાકી છે યાદી જાહેર થવામાં ત્યારે ગ્રીન ટીક થઈ જાય તેમને ખાનગીમાં જાણ પણ થવા લાગી હોવાનું છે. જેતપુરમાં જયેશ રાદડિયા, જસદણમાં કુંવરજી બાવળિયા અને તેમની સામે અસંતોષ ના થાય તે માટે ભરત બોઘરાને રાજકોટમાં ટિકિટ આપવા ગ્રીન ટીક થઈ ગઈ છે. જામનગરમાં રિવાબા જાડેજાનું નામ પણ નક્કી છે. ગ્રીન ટીક હવે દિલ્હીમાંથી લાગી રહી છે એટલે લોબિંગ કરવા માટે દિલ્હીના દોડા શરૂ થયા છે. જામનગરમાંથી જ હકુભાનું જૂથ દિલ્હી દોડ્યું છે. ટિકિટ માટે તકલીફમાં હોય તે આજકાલ દિલ્હીના ફેરા કરવા લાગ્યા છે એવું ચર્ચાવા લાગ્યું છે.

ભાજપના કાર્યાલયમાં એક નવી સ્ટ્રેટેજી ઘડાઈ
ચૂંટણી દરમિયાન માતાજીના નામે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીને તેમાં ભાગ લેનારા પાસે સોગંદ લેવરાવાતા હોય છે કે મત આપજો. મત આપવા માટે માતાજીના નામે સમ જાણીતી વાત છે પણ આ વખતે સુરતમાં ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે એક કાર્યક્રમમાં એક જુદા પ્રકારના ધાર્મિક કાર્યક્રમની સૂચના મળી ત્યારે સૌને આશ્રર્ય થયું હતું. મહિલા કાર્યકરો અને હોદ્દેદારોની બેઠકમાં નેતાઓએ સૂચના આપી કે સૌએ પોતપોતાના ઘરે કે સોસાયટીમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવાનું છે. કથામાં સો દોઢસો લોકો આવે ત્યારે પ્રસાદ આપતી વખતે પ્રતિજ્ઞા કરાવવી કે આ વખતે ભાજપને વિજયી બનાવીશું. મંચ પરથી કથા કરવાનું કહ્યું ત્યારે પહેલાં તો કાર્યકરોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું, પણ પછી જણાવાયું કે આવો કાર્યક્રમ કરવાનો જ છે. સત્તાનો પ્રસાદ મળે એવા હેતુથી કથાઓ કરવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે.

મજુરામાં જીતવાનું નથી, મજૂરી કરવાની છે બોલો, કોણ છે તૈયાર
આવી ચર્ચા કૉંગ્રેસમાં થઈ રહી છે, કેમ કે સુરતની મજુરા બેઠકમાં હર્ષ સંઘવી સામે ચૂંટણી લડીને હારવાનું છે એવું માનીને હોદ્દેદારો ચાલી રહ્યા છે. મજુરામાં સંઘવી આમ પણ લોકપ્રિય હતા અને હવે તેમનું કદ વધ્યું છે. આ બેઠક પર કૉંગ્રેસ તરફથી મૂળ રાજસ્થાનના મારવાડી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતી હોય છે, કેમ કે રાજસ્થાની સમાજની પણ સારી એવી વસતિ છે. જોકે જીત મેળવવી મુશ્કેલ છે. બીજી બાજુ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને કૉર્પોરેટર રહી ચૂકેલા પીવીએસ શર્માએ અચાનક ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ કદાચ ઉધના અને નહિતો મજુરામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર બની શકે છે. જોકે હર્ષ સરકારમાં સૌથી મહત્ત્વના પ્રધાન બની ગયા છે ત્યારે તેમની જીત માટે કોઈ શંકા રહી નથી.

બારડ પછી ચૂડાસમા- અણધાર્યા આવી રહેલા નામો
કૉંગ્રેસમાંથી અડધો ડઝન ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે તેની છ મહિનાની બૂમરાણ પછી માત્ર હર્ષદ રિબડિયા જોડાયા. પછી મામલો શાંત પડતો લાગ્યો, પણ હવે ઉમેદવારી પત્રો ભરાવાની મુદત પડી ગઈ છે ત્યારે સરપ્રાઇડ વિકેટો પડી રહી છે. પેઢીઓથી કૉંગ્રેસની મજબૂત આહિર નેતાગીરી ધરાવતા બારડ પરિવારમાંથી ભગાભાઈ બારડ ભાજપમાં જોડાવાના છે તે તમને મંગળવારે જ જણાવી દીધું હતું. બુધવારે તેમને કેસરિયો ખેસ પહેરાવાયો તે પછી હવે વિમલ ચૂડાસમાનું નામ બોલાઈ રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાંથી ચૂડાસમાને પણ લઈ લેવામાં આવે તો ભાજપ માટે એક આખા જિલ્લાનું ઓપરેશન પાર પડ્યું એમ કહેવાશે.

છેલ્લી ઘડીની ભરતીથી ભાજપમાં ફરી નારાજગી
ગત રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપે ભરતી મેળો કર્યો અને કૉંગ્રેસના એક પછી એક ધારાસભ્યો ભાજપમાં આવવા લાગ્યા અને સીધા જ પ્રધાન પણ બનવા લાગ્યા ત્યારે આંતરિક અસંતોષ વધ્યો હતો. દાયકાઓ સુધી ભાજપ માટે વફાદારીથી કામ કરનારા બાજુએ રહી જાય અને કૉંગ્રેસમાંથી આવેલાને સીધા જ હારતોરા થઈ જાય તેનો અસંતોષ બહુ વધી ગયો હતો. તેથી પાટીલે કહેવું પડ્યું કે હવે પછી કૉંગ્રેસમાંથી કોઈ નહીં લેવાય, પણ એક પછી એક નેતાનું આવવાનું ચાલુ જ રહ્યું છે. છેલ્લી ઘડીએ ટિકિટ પણ ના મળી અને હવે આયાતી ઉમેદવારોને અને જેમને હરિફ ગણતા હતા તેમને જ જીતાડવાનું કામ કરવાની વાતથી ફરીથી ભાજપના સંનિષ્ઠોમાં સન્નાટો હોવાની ચર્ચા જાગી છે.

આ બેઠક મુદ્દે ભાજપમાં કેમ આટલું મૌન
અમદાવાદ શહેરની દરિયાપુર બેઠક ભાજપ માટે વર્ષોથી સંવેદનશીલ ગણાતી રહી છે. આ વખતે ચર્તુપાંખિયો જંગ થાય અને ભાજપ જીત મેળવે તો ઈતિહાસ રચાઈ શકે તેમ છે. આ બેઠક માટે ભાજપની હારના કારણોની ચર્ચા થાય ત્યારે એવું કહેવાતું હોય છે પક્ષના ઉમેદવારની નબળાઈ કે સામા પક્ષના મજબૂત ઉમેદવારને કારણે નહીં, પણ ભાજપ પોતાના કાર્યકરોને કારણે થાય છે. આ વખતે ભાજપ દરિયાપુર બેઠક પર કાચું કાપવા માગતો નથી એટલે ફૂંકી ફૂંકીને પગલાં લેવાઈ રહ્યા છે. ભાજપ મીડિયા સેલ કે પક્ષના નેતાઓ ઈન્ટરવ્યૂ આપે તેમાં ક્યાંય સત્તાવાર રીતે દરિયાપુર વિશે કોઈ વાત કરવામાં આવતી નથી. એટલે જ સવાલ થાય કે ભાજપમાં કેમ આટલું મૌન?

લોક ડાયરાના માધ્યમથી રાજુલામાં ડેરનો પ્રચાર
ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે એટલે હવે રાજકીય નેતાઓએ ગતિવિધિઓમાં કાળજી રાખવાની હોય છે. ઉમેદવારી પત્રક માન્ય થઈ જાય તે પછી તો રોજેરોજનો હિસાબ પણ આપવાનો છે, પણ તે પહેલાં આચારસંહિતાના ભંગ સિવાય પ્રચાર થાય તે કરી લેવાની કોશિશ થતી રહે છે. રાજુલા બેઠકના કૉગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેરે પણ આડકતરો પ્રચાર શરૂ કર્યો, પણ ડાયરાના માધ્યમથી જેથી આચારસંહિતાનો ઈશ્યુ ઊભો ના થાય. હિંડોરણા - કાતર રોડ પર આયોજિત ડાયરામાં ધારાસભ્ય અંબરીષ ડેરે હાજરી આપીને એક રીતે પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે. પડોશી ધારાસભ્ય દૂધાતે હજી નામ જાહેર નથી થયું, પણ 11 તારીખે ફોર્મ ભરવાનું છે એવું કહી દીધેલું એ રીતે સત્તાવાર થાય ત્યારે ખરું, પ્રચાર શરૂ થઈ ગયો છે.

મોહનસિંહ રાઠવા અને ભગવાન બારડ બાદ હવે કોણ?
એક જ ચર્ચા છે કે કૉંગ્રેસમાંથી હવે કોણ તૂટવાનું છે. શું ચાલે છે - એવી ઉત્સુકતાના જવાબમાં તમને ગઈ કાલે જણાવેલું કે સૌરાષ્ટ્રના એક આહિર અગ્રણી પક્ષ છોડી રહ્યા છે. બીજા દિવસે ભગાભાઈ બારડ કમલમ્ ખાતે ખેસ પહેરવા પહોંચી ગયા. આગલા દિવસે મોહનસિંહ રાઠવાએ પુત્રમોહમાં પક્ષ છોડ્યો તે પણ શું ચાલે છે આજકાલ તેના જોરદાર બ્રેકિંગ ન્યૂઝ હતા. દક્ષિણમાંથી, સૌરાષ્ટ્રમાંથી અને હવે મધ્ય ગુજરાતમાંથી એક નેતાનું, એક વર્તમાન ધારાસભ્યનું નામ બોલાવા લાગ્યું છે, પણ સત્તાવાર રીતે જાહેરાતની રાહ જોવી જરૂરી છે. કેમ કે એવું ચાલી રહ્યું છે કે ડિલ હજી ફાઈનલ નથી થઈ ...એટલે કે શરતો માન્ય ના રહે તો પછી માંડી વાળવાનું રહેશે. કાલ સુધી રાહ જુઓ.

અન્ય સમાચારો પણ છે...