અમદાવાદના નાગરિકોને ફરવા માટે આવેલા તળાવોનો વિકાસ કરી અને તેમાં ગાર્ડન બનાવી તેને સુંદર બનાવવામાં આવે છે. પરંતુ આ તળાવોની યોગ્ય રીતે જાળવણી અને ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે કરોડો રૂપિયાનો ખર્ચ કરી બનાવવામાં આવેલા તળાવ-ગાર્ડનમાં લોકો આવતાં નથી. શહેરના અસારવા વિસ્તારમાં આવેલું અસારવા તળાવ- ગાર્ડનની પરિસ્થિતિ પણ યોગ્ય જાળવણી અને તેમાં લીલા પાણીના કારણે કોઈ આવતું નથી. તળાવમાં અને આસપાસ અસામાજિક તત્વોનો જમાવડો જોવા મળે છે જેના કારણે ત્યાં લોકો જતા નથી. તળાવના ગેટની પાસે જ અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસી રહે છે.
ગાર્ડન, વોકિંગ ટ્રેક, રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં
વર્ષ 2012માં પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા અસારવા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તળાવમાં ગાર્ડન, વોકિંગ ટ્રેક બાળકોના રમત ગમતના સાધનો વગેરે આવેલા છે. આ ઉપરાંત આખા તળાવને એક જગ્યાએથી બેસીને જોઈ શકાય તેવી જગ્યા પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જગ્યા પરની બેઠકો પણ આજે તૂટી ગયેલી હાલતમાં જોવા મળે છે. તળાવ અને ગાર્ડનમાં દેશી દારૂની થેલીઓ પણ પડેલી છે જેથી ચોક્કસથી કહી શકાય કે કેટલાક અસામાજિક તત્વો પણ આ ગાર્ડનમાં આવીને દારૂ પીવે છે. તળાવમાં ખૂબ જ ગંદકી પણ જોવા મળે છે. જે લોકો સવાર સાંજ અહીંયા વોકિંગ માટે આવે છે, તેઓને ગંદા દુર્ગંધથી પરેશાન થવું પડે છે.
ઝૂંપડપટ્ટીવાળા કચરો ફેંકી જાય છે!
અસારવાનું આ તળાવ આજે ઉજ્જડ બની ગયું છે. આસપાસનું ગટરનું પાણી બિંદાસ રીતે તળાવમાં છોડવામાં આવે છે. આસપાસ ઝૂંપડપટ્ટીના લોકો પણ અહીં આવીને કચરો નાખી જાય છે. અસારવા તળાવના બે તરફના ગેટ છે પરંતુ બંને તરફ અસામાજિક તત્વોનો મોટો ત્રાસ રહેલો છે. અસામાજિક તત્વો બેસી રહે છે. જેના કારણે અહીંના લોકો ઘરનાં આંગણે રહેલા આ તળાવ અને ગાર્ડનને નજર અંદાજ કરે છે. યોગ્ય જાળવણી ન થતા 'અસારવા તળાવ’ હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. ખંડેર હાલતમાં જોવા મળતું આ તળાવ સ્થાનિકો આવે તેની રાહ જુવે છે. બીજી તરફ નાગરિકો અપૂરતી સુવિધાઓ અને ગટરનું પાણી તેમાં ઠલવાતાં તળાવ કાંઠે જવાનું પસંદ કરતાં નથી. સવાર-સાંજ વૉક કરવા આવતાં સ્થાનિકોની સંખ્યા પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલી હવે થઈ ગઈ છે.
તળાવમાં સિક્યુરિટી નથી
અસારવાના સ્થાનિક રહેવાસી વિજયભાઈએ જણાવ્યું હતું કે, અસારવા તળાવમાં હોય સિક્યુરિટી જેવું છે જ નહીં. આસપાસના રહેતા કેટલાક અસામાજિક તત્વો ત્યાં બેસી રહે છે. કોઈપણ તળાવ કે ગાર્ડન હોય તો લોકોને જોવાની ઈચ્છા થાય પરંતુ અસારવા તળાવમાં તો માત્ર સવારે કેટલાક લોકો ચાલવા અને દોડવા આવે છે. બાકી ગંદકી અને દારૂની થેલીઓ ત્યાં જોવા મળે છે. શાહીબાગ, અસારવા, મેઘાણીનગર વિસ્તારમાં રહેતા લોકોને ત્યાં આવવું પણ ન ગમે તેવી સ્થિતિમાં તળાવ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.