તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સામાજિક ન્યાય સમિતિનો પ્રોસિડિંગ ઇસ્યુ ન થતાં ગ્રાન્ટ ફાળવણી અટકી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યોના વિવાદને લીધે
  • સામાજિક ન્યાય સમિતિના ચેરમેને ગ્રાન્ટની યોગ્ય ફાળવણી નહીં કરતાં સમિતિના સદસ્યો અને ભાજપના સભ્યોમાં ભારે નારાજગી ફેલાઇ

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનો વિવાદ વકરતો જાય છે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેને ગ્રાન્ટની યોગ્ય ફાળવણી નહીં કરતા સમિતિના સદસ્યો અને ભાજપના સભ્યોમાં ભારે નારાજગીના પગલે સામાજિક ન્યાય સમિતિનો પ્રોસિડિંગ પણ ઇસ્યુ થયો નથી. જિલ્લા પંચાયતના ચુંટાયેલા ભાજપના સભ્યો ગ્રાન્ટની રાહ જોઇને બેસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના સભ્યોના રંગમાં રંગાયેલા કોંગ્રેસ પ્રમુખ કોઇ બાબતે વિરોધ તો કરતા નથી.

પરંતુ ચાલુ વર્ષે તેઓને મળેલી એક કરોડની ગ્રાન્ટ પણ રાતોરાત વિકાસના નામ હેઠળ ખર્ચી છે. આવી જ રીતે ઉપપ્રમુખ રમેશ મકવાણાએ પણ પોતાની પૂરેપૂરી 50 લાખની ગ્રાન્ટ વિવિધ કામ હેઠળ ખર્ચતા હવે આ બંને હોદ્દાદારો પાસે એક રૂપિયો ગ્રાન્ટ નથી. જિલ્લામાં ઇમરજન્સીમાં ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો હોય તો બંને જણાએ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ગ્રાન્ટની રકમ મેળવવી પડે તેવી સ્થિતિ છે. કારોબારી ચેરમેને પણ 50 લાખમાંથી 38 લાખની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે.

કોંગ્રેસના પૂર્વસદસ્યોએ કહ્યું કે, ભાજપના સભ્યોએ ફાળવેલા કામોની ચકાસણી થવી જોઇએ. જોકે ભાજપના આગેવાનોએ આક્ષેપોને નકાર્યા હતાં. સામાજિક ન્યાય સમિતિના ચેરમેનથી નારાજ ભાજપના નારાજ સભ્યોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેખા કાંતિ લકુમે સમિતિની ગ્રાન્ટ પોતાના સદસ્યોને વિકાસ કામો માટે ફાળવી નથી. ભાજપના સદસ્યોને પણ પાંચ લાખની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવી છે. આ અંગે પ્રદેશ આગેવાનો સમક્ષ રજૂઆત કરી છે.

ચેરમેન પોતાની જીદ છોડતા નથી. તેઓના પતિ પૂર્વ ધારાસભ્ય હોવાથી એકહથ્થું શાસન ચલાવે છે. સદસ્યોની રજૂઆતને પણ ધ્યાનમાં લેતા નથી. ચેરમેન બદલવા પણ આગેવાનો સમક્ષ માગ કરાશે. રેખા કાંતિ લકુમે જણાવ્યું હતું કે, સભ્યોમાં કઇ બાબતે વિરોધ છે, તેનો મને ખ્યાલ નથી. પાર્ટીમાં રજૂઆત કરી હશે તો આગેવાનો સમક્ષ ઉકેલ લાવી, ઝડપથી ઉકેલ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...