કોરોનાએ ઘણાં પરિવારને વેરવિખેર કરી નાખ્યા છે. વાલીઓ ગુમાવનારાં બાળકોની કસ્ટડી માટે બે પરિવાર વચ્ચે કાનૂની જંગ ખેલાઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો હાઈકોર્ટમાં આવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં માતાપિતા ગુમાવનાર 6 વર્ષનાં પુત્રની કસ્ટડી નાના-નાની પાસેથી મેળવવા દાદા-દાદીએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી છે.
ઓનલાઇન સુનાવણી દરમિયાન સંવેદનશીલ દૃશ્યો સર્જાયાં હતાં. અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, તેમનો પૌત્ર પણ દાદા-દાદી પાસે રહેવા માગે છે, જ્યારે તેનાં માતાપિતા જીવિત હતાં ત્યારે પણ પૌત્ર દાદા પાસે જ રહેતો હતો. દાદાએ તેમની રજૂઆત કરતા કહ્યું કે, ‘આ વૃદ્ધ આંખોમાં એક જ સપનું છે, અમારી પાસેથી ન છીનવશો.’
જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આ મામલે બંને પક્ષકારોને સમજી વિચારીને સમાધાન કરવા માટે 24 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. બીજી તરફ દીકરાના નાના તરફથી દલીલ કરાઈ હતી કે, દીકરાનાં નાની થોડા દિવસ પહેલાં જ અવસાન પામ્યાં છે. તેના માટે થોડા દિવસ દોહિત્રને મોકલવામાં આવે. તેમની દીકરી બીજા સમાજની હોવાથી તેનાં સાસુ-સસરાએ પુત્રવધૂ તરીકે સ્વીકારી ન હતી, જેથી બંને પતિ-પત્ની અલગ રહેતાં હતાં. હવે જ્યારે બંને વ્યક્તિ હયાત નથી ત્યારે દાદા-દાદી તેની કસ્ટડી મેળવવા માગે છે. પુત્ર કે પુત્રવધૂને લગ્ન બાદ અલગ રહેવું પડ્યું હતું, તે સમયે તમામ સગવડ પુત્રવધૂના પિયરે કરી આપી હતી. તેમને રહેવાની સગવડ પણ પુત્રવધૂના પિયરમાંથી કરાઈ હતી. જ્યારે દાદા-દાદીએ તેમને ક્યારેય સ્વીકાર્યા ન હતાં.
સુનાવણી બાદ ખંડપીઠે દાદા અને નાનાને આ મામલે દીકરાનું હિત જળવાય તે રીતે સમાધાનનો રસ્તો કાઢવા માટે મિડિયેશન સેન્ટરમાં જવા માટે આદેશ કર્યો છે.
કોર્ટે વચગાળાનો હુકમ કર્યો
6 વર્ષના દીકરાના પિતા બ્રાહ્મણ જ્ઞાતિના અને માતા અન્ય જ્ઞાતિની હોવાથી સાસરિયાં દ્વારા તેમનો સ્વીકાર કરવામાં આવતો ન હતો. હવે જ્યારે માતા-પિતા બંનેનું મૃત્યુ થતાં દીકરાની સ્થિતિ અત્યંત દયનીય બની છે. હાઈકોર્ટે દીકરાની કસ્ટડી માટે દાદા અને નાના વચ્ચે એક સરખા દિવસ રહેવા માટે વચગાળાનો હુકમ કર્યો છે, પરંતુ દીકરાના કાયમી નિવાસ માટે કોર્ટે બંને પક્ષને સમજણપૂર્વક સમાધાન કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, બાળકના હિતમાં નિર્ણય લેવાય તે માટે પ્રયત્નો થવા જોઈએ. દીકરો જ્યારે તેના નાનાના ઘરે જાય ત્યારે દાદા પાસે જવાની જીદ કરે છે કોર્ટે બાળકની આ લાગણીને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.