તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય:કોવિડ ગાઇડલાઇનને અનુસરીને જુલાઈમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશન અને PGના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજવા આદેશ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી� - Divya Bhaskar
પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી�
  • યુનિવર્સિટી પોતાની અનુકૂળતા મુજબ જુલાઈમાં ઓફલાઈન પરીક્ષા લઈ શકશે
  • મેડિકલ, ફાર્મસી સિવાય યુજી, પીજીના ફાઇનલ યરની પરીક્ષા યોજવા પરિપત્ર

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરમાં સ્કૂલો તથા કોલેજના ઈન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. હવે જ્યારે રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓના વિભાગને કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન રીતે લેવાનો આદેશ કરાયો છે. યુનિ. તથા કોલેજો જુલાઈમાં પોતાની અનુકૂળતા અનુસાર સ્નાતક તથા અનુસ્નાતકના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશે.

સૌરાષ્ટ્ર યુનિ.માં 8 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા
હાલ કોરોના કાબૂમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગમી 8 જુલાઇથી સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

કોલેજ સ્ટુડન્ટ્સની પ્રતિકાત્મક તસવીર
કોલેજ સ્ટુડન્ટ્સની પ્રતિકાત્મક તસવીર

પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તેની તકેદારી રખાશે
વધુમાં કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે. કેન્દ્ર પર વિદ્યાર્થીઓને માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં મળે, પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરાશે. એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસાડાશે. બે વિદ્યાર્થી વચ્ચે ડિસ્ટન્સ જળવાશે, સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરીને કામગીરી કરશે.

ગુજરાત યુનિ.માં પણ ઓફલાઈન પરીક્ષા
કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાના પગલે ગુજરાત યુનિવર્સિટીએ બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીબીએ, બીસીએ સહિતની વિદ્યાશાખાના પ્રથમ સેમેસ્ટરના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાશાખાની ઓફલાઈન પરીક્ષા 6 જુલાઈથી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોમાં આશરે 25,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

BA, B.Comની સેમ-1ની પરીક્ષા પણ ઓફલાઈન લેવાશે
પરીક્ષા વિભાગે નિર્ધારિત કરેલી ઓફલાઈન પરીક્ષા અંંતર્ગત બીએ, બીકોમ સેમેસ્ટર-1ની રેગ્યુલર અને એક્સટર્નલ પરીક્ષા 6 જુલાઈથી 15મી જુલાઈ સુધી ચાલશે. જ્યારે બીએસસી સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 14મી જુલાઈ સુધી ચાલશે. જ્યારે બીએડ સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 16મી જુલાઈ સુધી ચાલશે. બીજી તરફ એલએલએમ સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 14મી જુલાઈ સુધી ચાલશે. જ્યારે ડિપ્લોમા ઈન લેબર લો એન્ડ પ્રેક્ટિસ એક્ઝામિનેશન 6 જુલાઈથી 8મી જુલાઈ સુધી ચાલશે.

વિદ્યાર્થીઓનું વેક્સિનેશન ન થાય ત્યાં સુધી પરીક્ષા યોજવી ન જોઈએ
શું કોલેજના વિદ્યાર્થીઓ કોરોન પ્રૂફ છે? શું શિક્ષણમંત્રી, કુલપતિ વિદ્યાર્થીઓની સલામતિની જવાબદારી લેશે? ઓફલાઈન પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓનેે ચેપ લાગશે, સંક્રમિત થશે તો તેની જવાબદારી કોની. વિદ્યાર્થીઓની વેક્સિનેશન ડ્રાઇવ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓફલાઈન પરીક્ષાના આયોજનની સામે અમારો વિરોધ છે. - પાર્થિવરાજસિંહ કઠવાડિયા, પૂર્વ સેનેટ સભ્ય, ગુજરાત યુનિવર્સિટી

નિર્ણય પાછો ન ખેંચાય તો આંદોલન કરીશું
જુલાઈમાં યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જો ઓફલાઈન પરીક્ષા યોજાય તો કોરોના થવાનો ભય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છે. આ સ્થિતિમાં જો વિદ્યાર્થીઓને કોરોના થશે તો જવાબદારી કોની? આથી ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય પાછો નહી ખેંચાય તો કોંગ્રેસ સમર્થિત સેનેટ સભ્ય અને વેલ્ફેર મેમ્બર આંદોલન કરીશું. - દક્ષ પટેલ, સેનેટ સભ્ય, યુજી સાયન્સ, ગુજરાત યુનિવર્સિટી

પરીક્ષા યોજાશે તો વિરોધ પ્રદર્શન કરીશું
એક તરફ ગુજરાત યુનિવર્સિટીની યુજી -પીજી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનંુ વેક્સિનેશન પૂર્ણ થયું નથી. આ સ્થિતિમાં ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવશે તો અમે તેનો પ્રચંડ વિરોધ પ્રદર્શિત કરીશું. - કૃણાલસિંહ જેતાવત, કોમર્સ ફેકલ્ટી, સેનેટ સભ્ય, ગુજરાત