અનિરુદ્ધસિંહ પરમાર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા વર્ષ 2021માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં તબીબ અધિકારીની 1 હજાર અને 8 વિષયના ટ્યૂટરની 75 જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયામાં અત્યારે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જીપીએસસીને સૂચના આપવામાં આવી છે કે, ટ્યૂટરની 75 જગ્યા પર ભરતી હાલ રદ કરવામાં આવે, જેથી હવે આગળની ભરતી પ્રક્રિયામાંથી 75 જગ્યા રદ કરાઈ છે.
જીપીએસસીએ સપ્ટેમ્બર-2021માં સ્પર્ધાત્મક કસોટી બાદ 1991 ઉમેદવારોને ડોક્યુેમેન્ટ વેરિફિકેશન માટે પસંદ કર્યા હતા. ઉમેદવારોની અરજી પ્રમાણે દસ્તાવેજોની ચકાસણી કરાતા કુલ 1665 ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા.
જીપીએસસીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હાલમાં 1075 જગ્યા પર ભરતી માટેના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ 23 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે, ટ્યૂટરની 75 જગ્યા પર હવે ભરતી નહીં થાય. આયોગ દ્વારા ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે કે, નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઇન પ્રમાણે ટ્યૂટર સંવર્ગની ભરતી સરકાર દ્વારા રદ કરાઈ છે, જેથી હવે 1075 ખાલી જગ્યાના સ્થાને 1 હજાર ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. હાલ આ જગ્યા પ્રમાણે ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.
ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી 17 માર્ચ સુધી ઇન્ટરવ્યૂ ચાલશે
જીપીએસસીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ 1665 ઉમેદાવારને ઇન્ટરવ્યૂ માટે પસંદ કર્યા હતા. જેમના ઇન્ટરવ્યૂ 30 જાન્યુઆરીથી શરૂ કરાયા છે. ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી ઇન્ટરવ્યૂની પ્રક્રિયા 17 માર્ચ સુધી ચાલશે, પરંતુ આ દરમિયાન જ આરોગ્ય વિભાગે 75 જગ્યા રદ કરતા ઉમેદવારોને અસર થશે.
આ વિષયોના ટ્યૂટરની ભરતી જાહેર કરવામાં આવી હતી
વિષય | પોસ્ટ |
રેડિયોથેરેપી | 1 |
ઓપ્થલ્મોલોજી | 3 |
રેડિયોલોજી | 20 |
માઇક્રોબાયોલોજી | 2 |
વિષય | પોસ્ટ |
ફોરેન્સિક મેડિસિન | 11 |
એનેસ્થેિશયોલોજી | 16 |
બાયોકેમિસ્ટ્રી | 6 |
ફિઝિયોલોજી | 16 |
જે 75 જગ્યાઓ રદ કરવામાં આવી છે તે તમામ ટ્યૂટરની છે. હાલ આ પ્રમાણે જ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.