તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB ડેટા એક્સપ્લેનર:ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સરકારની તૈયારી, રોજના 25 હજાર કેસ આવશે તો પણ પહોંચી વળશે આરોગ્ય તંત્ર

અમદાવાદ22 દિવસ પહેલા
  • થર્ડ વેવને ટક્કર આપવા સરકારે એક મહિના પહેલાથી જ એકશન પ્લાન અમલમાં મૂકી દીધો
  • બીજી લહેરમાં રાજ્યમાં મેડિકલ ઈમર્જન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હતી

આખા વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીમાં ગુજરાતે પણ ઘણું સહન કર્યું અને ગુમાવ્યું પણ છે, ખાસ કરીને કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર થઈ હતી, સરકારની કામગીરી સામે અનેક આક્ષેપો થયા હતા, બીજી લહેરની નિષ્ફળતામાંથી શીખ લઈને સંભવિત ત્રીજી લહેર માટેની 50%થી વધુ તૈયારી કરી દીધી છે આગામી દિવસોમાં ત્રીજી લહેર સામે લડવા સરકાર સંપૂર્ણ સજ્જ થઈ જશે તેવું આરોગ્ય વિભાગ માની રહ્યું છે. ત્રીજી લહેરનો મુકાબલો કરવા સરકારે એક મહિના પહેલાથી જ એક્શન પ્લાન અમલમાં મૂકી દીધો છે. કોરોનાની ત્રીજી લહેર માટે સરકારની તૈયારીઓ આ પ્રમાણે રહેશે.

ત્રીજી લહેરમાં 2.50 લાખ કેસનો સામનો કરી શકે તેવી વ્યવસ્થા
ગુજરાતમાં બીજી લહેરના કહેર દરમિયાન દૈનિક મહત્તમ 14605 કેસ આવતા હતા, જયારે ત્રીજી લહેરની તૈયારી ના ભાગરૂપે રોજના 25 હજાર કેસ આવે તેને પહોંચી વળવા ની વ્યવસ્થા કરવામાં આવી છે, જયારે બીજી લહેરમાં મહત્તમ એક્ટિવ કેસ 1 લાખ 48 હજાર સુધી આવતા હતા, જ્યારે ત્રીજી લહેર સામે લડવા એક્ટિવ કેસ 2 લાખ 50 હજાર આવે તેનો સામનો કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

ત્રીજી લહેર સામે સરકાર સજાગ બની ગઈ
ગુજરાતમાં કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ખુબજ ઘાતક બની ગઈ હતી. ખાસ કરીને હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને દવાઓ સહિત ઇનજક્શનની અછત સર્જાતા રાજ્યમાં મેડિકલ ઈમર્જન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હતી. તેમજ બીજી લહેરમાં ગામડાઓ ઝપેટમાં આવી જતા ટાંચા સાધનોને કારણે ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો. કોરોનાની બીજી લહેરમાં સરકારની નિષ્ફળતામાંથી બોધપાઠ લઇને સંભવિત ત્રીજી લહેર સામે સરકાર સજાગ બની ગઈ છે અને તેના માટે તંત્રને કામે લગાડી દીધું છે.

જરૂરિયાત અંગેનો વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો
ગામડાના સરપંચથી લઈને સાંસદો તથા કલેકટરથી મ્યુનિસિપલ કમિશનરને કામે લગાડી જે તે ગામ શહેરની હાલની પરિસ્થિતિ અને ભવિષ્યમાં ત્રીજી લહેર સામે લડવા જરૂરિયાત અંગેનો વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારની કેબિનેટની ગઈકાલે મળેલી બેઠકમાં આજે કોરોનાની વર્તમાન સ્થિતિ,વેક્સિનેશન, તબીબી સેવાઓ સહિત અનેકવિધ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગ સાથે ત્રીજી લહેર અંગે પણ સમીક્ષા કરીને મંત્રીમંડળને માહિતગાર કર્યા હતા.

'ત્રીજી વેવથી બચવા મોટાપાયે વેક્સિનેશન જરૂરી'
વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારનો પહેલી લહેર અને બીજી લહેરનો જે અનુભવ, સારવાર પદ્ધતિ આપણી પાસે છે તેના આધાર ઉપર ત્રીજી સંભવિત વેવમાં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, મૃત્યુદર પણ સાવ ઓછો રહે એ દિશામાં પ્રયત્નશીલ રહેવાની આવશ્યકતા છે. તેમણે થર્ડ વેવથી બચવા-રક્ષણ મેળવવા રાજ્યમાં મોટાપાયે લોકોનું વેક્સિનેશન થાય તે માટે તજજ્ઞ તબીબો પ્રચાર-પ્રસારમાં રાજ્ય સરકાર સાથે જોડાય તેવી અપિલ પણ કરી હતી. આ ટાસ્ક ફોર્સ કમિટિની ઉચ્ચસ્તરીય બેઠકમાં મ્યુકોરમાયરોસીસના રોગચાળા અને તેની સારવાર અંગે પણ ચર્ચા હાથ ધરાઇ હતી.

ત્રીજી લહેર સામે શું છે સરકારનો એક્શન પ્લાન?
* ત્રીજા વેવ માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવાશે, નાના ગામડાઓમાં વધારે ધ્યાન અપાશે.
* વેન્ટિલેટર,ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રખાશે
* બેડની અવેલીબિટીની માહિતી સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકશે
* ટેલી મેડિશન માટે હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે
* સૌથી વધુ કેસ આવ્યા એનાથી વધુ આવે તો પણ તૈયારી રાખવી
* દોઢથી બે ગણા સ્ટાફની બીજા વેવમાં જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી કરાશે
* રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રખાશે
* પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યા વધારવી
* ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે
* દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે ડાયરેક્ટ કનેક્ટ કરાશે
* લોકોને દર્દીઓની ઓનલાઈન માહિતી મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
* દરેક જિલ્લામાં નાના સેન્ટરમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
* દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે
* ધન્વંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...