સરકારની અનિર્ણાયકતા:સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત, છેલ્લા 12 વર્ષથી એક જ પગાર ધોરણ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં આવેલી સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો રાજ્યમાં ઉત્તમ ઇજનેરો તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યમાં ઇજનેરોનું તકનીકી કૌશલ્ય એ ઇજનેરી કોલેજોના અધ્યાપકો દ્વારા આપવામાં આવતા ગુણવત્તાસભર શિક્ષણને આભારી છે. શૈક્ષણિક કાર્યની સાથોસાથ આ અધ્યાપકો રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ અને કાર્યક્રમોને સફળ બનાવે છે. પ્રધાનમંત્રીના દુરંદેશી સભર વિદ્યાર્થીઓને મદદરૂપ એવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીનો અમલ હોય કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હોય, વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમ હોય કે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2022 જેવી સ્પર્ધા હોય ઇજનેરી કોલેજના અધ્યાપકો પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીને કાર્યક્રમ/યોજનાને સફળ બનાવતા હોય છે.

છેલ્લા 12 વર્ષથી એક જ પગાર ધોરણ
એઆઈસીટીઇ નવી દિલ્હી દ્વારા વર્ષ 2019માં સાતમાં પગારપંચ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્ચ 2020માં રાજ્ય સરકારે સાતમા પગાર પંચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી પરિપત્ર બહાર પાડેલો હતો. આજ ત્રણ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પણ ઉચ્ચતર પગાર ધોરણ (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) અંગેના ધારાધોરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા નથી. જેને પરિણામે રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો છેલ્લા 12 વર્ષથી એક જ પગાર ધોરણમાં ફરજ બજાવી રહ્યા છે.

કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંગે કોઈ નિર્ણય નહીં
તેઓને મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણ માટે ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત ટેકનિકલ શિક્ષણ વિભાગના નિયામકથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી અનેકવિધ વાર કરવામાં આવી છે. આ સમયગાળામાં બે મુખ્યમંત્રી બદલાયા, ત્રણ શિક્ષણ મંત્રી બદલાયા, બે અગ્ર સચિવ બદલાયા તેમજ ત્રણ ટેકનિકલ શિક્ષણ નિયામક બદલાયા. દરેક વખતે બદલાવને અંતે ઉચ્ચતર પગાર ધોરણ (કેરિયર એડવાન્સમેન સ્કીમ) માટે મંડળના હોદ્દેદારોએ લેખિતમાં રજૂઆત કરી, મંત્રીઓનો સમય માંગી રૂબરૂ મુલાકાત કરી, મુદ્દાસર વિસ્તારપૂર્વક રજૂઆત કરી તેમ છતાં પણ આજ દિન સુધી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

300 અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ
શિક્ષણ વિભાગ હેઠળ સમાવિષ્ટ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં આશરે 300 જેટલા અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ હેઠળના જ ટેકનિકલ શિક્ષણ વિભાગના અધ્યાપકો આ ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત રહેતા નિરાશાની અને હતાશાની લાગણી અનુભવી રહ્યા છે. સરકારની આવી બેવડી નીતિ 'જમવામાં જગલો અને કૂટવામાં ભગલો' એવી ગુજરાતી કહેવતને યથાર્થ કરી રહી હોય એમ લાગે છે. રાજ્યની સંવેદનશીલ સરકાર આ અંગે ત્વરિત નિર્ણય લે અને રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપતા ઇજનેરી કોલેજના અધ્યાપકોની માંગ સ્વીકારી કેરિયર એડવાન્સમેન સ્કીમ ઝડપથી લાગુ કરે તેવી ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજયપત્રિત અધિકારી મંડળની લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...