સિંધી સમાજ મૂંઝવણમાં મૂકાયો:સરકારે ચેટીચંડની જાહેર રજા 23ના બદલે 22 માર્ચ જાહેર કરી, સિંધી સમાજ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિંધી સમાજના ઇષ્ટ દેવતા પૂજ્ય ભગવાન ઝૂલેલાલનો અવતરણ દિવસ એટલે ચેટીચંડ છે. પંચાગમાં પણ 23 માર્ચ દર્શાવવામાં આવ્યો હોવા છતાં સરકાર દ્વારા 22 માર્ચના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ 23 માર્ચના રોજ રાખવામાં આવી હોવાથી ભારે હોબાળો મચી જવા પામ્યો છે. સિંધી સમાજ આખો મૂંઝવણ અને ચિંતામાં મૂકાયો છે. જેથી સિંધી સમાજના ગુરૂ સુભાષ શર્માની આગેવાનીમાં વિવિધ સિંધી સમાજના વેપારી, ધાર્મિક તેમજ સામાજિક સંગઠનોએ 10 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને આવેદનપત્રો સુપ્રત કર્યા હતા. જેમાં ચેટીચંડની જાહેર રજા 22 માર્ચના બદલે 23 માર્ચ કરવા માટેની રજૂઆત કરી છે. આ દિવસે યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ રદ કરવા રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ્ય કાર્યવાહી કરવાની સાંત્વના આપી છે.

ચેટીચંડની સિંધી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી
સિંધી સમાજના ઇષ્ટ દેવતા પૂજ્ય ભગવાન ઝૂલેલાલનો અવતરણ દિવસ એટલે ચેટીચંડ છે. આ દિવસે વિશ્વભરમાં જ્યાં પણ સિંધી સમાજ રહે છે, ગુજરાતમાં 20 લાખથી વધુ સિંધી સમાજના રહીશો છે. જ્યારે અમદાવાદમાં સરદારનગર, છારાનગર, વાડજ, બોપલ વગેરે વિસ્તારમાં 5 લાખથી વધુ સિંધીઓ વરસવાટ કરે છે. ચેટીચંડના દિવસને સિંધી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે યોજાય છે. પરંતુ આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓમાં શરત ચૂકથી એક દિવસ અગાઉ એટલે કે 22 માર્ચના રોજ ચેટીચંડની રજા જાહેર કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને તારીખમાં ફેરફાર કરવા માટે રજૂઆત
આ અંગે સિંધી સમાજના ગુરુ સુભાષ શર્મા, પૂર્વ ધારાસભ્ય બલરામ થાવાની, ભાનુ હરવાણી, નરેન્દ્ર સોમાણી, રાજુ બચાણી, નરેશ મહારાજની આગેવાનીમાં સિંધી ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (SITO) સંચાલિત સિંધુ ગૌરવ ફાઉન્ડેશન ઉપરાંત અખિલ સિંધી સમાજ-ગુજરાત, સિંધી સેન્ટ્રલ પંચાયત (અમદાવાદ), ઓલ ઇન્ડિયા સિંધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, નવજવાન સુધારક મંડલ વગેરે વિવિધ સંગઠનોએ 10 જાન્યુઆરીને મંગળવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને તારીખમાં ફેરફાર કરવા માટે રજૂઆત કરી હતી. તેને લઇને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યા હતા.

આવેદન પત્રમાં પરીક્ષાની તારીખ પણ બદલવાની માંગણી
આ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા શરત ચૂકથી આ વર્ષે ચેટીચંડની રજા 23 માર્ચના બદલે 22 માર્ચના રોજ જાહેર કરવામાં આવી છે. જયારે અમારા સમાજની તમામ પંચાયતો, ધાર્મિક સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા 23 માર્ચના રોજ ચેટીચંડ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ તાજેતરમાં ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 (સાયન્સ, કોમર્સ, આર્ટસ)ની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં સરકાર દ્વારા ચેટીચંડની રજા 22 માર્ચના રોજ જાહેર કરી હોવાથી 23 માર્ચના રોજ પરીક્ષા યોજવામાં આવી છે. જેના કારણે સમાજ ખૂબ જ ચિંતિત છે. પરિણામ સ્વરુપ મૂંઝવણમાં મૂકાયો છે. તો જાહેર રજાની તારીખ બદલવાની સાથોસાથ પરીક્ષાની તારીખ પણ બદલવાની માંગણી કરવામાં આવી છે. આ અંગે સિંધી સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે, સિંધી સમાજના આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ્ય કાર્યવાહી કરવાની સાંત્વના આપી હતી.

મિટિંગમાં નક્કી થયા બાદ તારીખ બદલાઇ
આ અંગે સિંધી સમાજના ગુરુ શર્માએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે જાહેર અને ધાર્મિક તહેવારોની રજાઓ નક્કી કરવા માટે માહિતી વિભાગ દ્વારા જે તે સમાજના આગેવાનોને બોલાવવામાં આવે છે. હું તે મિટિંગમાં હાજર હતો. ત્યાં દરેક સમાજના ધર્મગુરુઓની હાજરીમાં શાસ્ત્રો તથા પંચાગને ધ્યાનમાં લીધાં બાદ રજા જાહેર કરવામાં આવે છે. પંચાગ મુજબ 23 માર્ચે ચેટીચંડની રજા નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ પણ ચેટીચંડની રજા 22 માર્ચના રોજ જાહેર કરવામાં આવી હતી. જેથી મેં માહિતી ખાતામાં રજૂઆત કરી હતી. પરંતુ તેઓએ જણાવ્યું હતું કે, અમે સરકારમાં મોકલી આપીએ છીએ. પરંતુ રજાઓ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે. તે પ્રમાણે જાહેર કરવામાં આવે છે.

બોર્ડે 23 માર્ચના ચેટીચંડની રજા જાહેર કરી હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ એન.જી. વ્યાસે 27-7-22ના રોજ શૈક્ષણિક વર્ષ 2022-23 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો જાહેર કરી હતી. જેમાં બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજવાનું જણાવ્યું છે. છેલ્લે જાહેર કરાયેલી રજાઓમાં 23 માર્ચના રોજ ચેટીચંડની રજા જાહેર કરવામાં આવી છે. જોકે, તેમાં છેલ્લે જાહેર કરાયેલી રજાઓની તારીખમાં સરકાર દ્વારા કોઇ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે તેવી નોંધ મૂકવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર કરાયેલાં કાર્યક્રમમાં 23 માર્ચના રોજ પરીક્ષા રાખવામાં આવી છે. તેમાં અંગ્રેજી વિષયની પરીક્ષા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...