કોરોના સેવાયજ્ઞ:અમદાવાદ સિવિલ હોસ્પિટલને પેટીએમ ફાઉન્ડેશનના સહયોગથી રાજ્યપાલે 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કર્યા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત - Divya Bhaskar
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
  • પેટીએમ ફાઉન્ડેશન દ્વારા મળનારા કુલ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને વિવિધ શહેરમાં મોકલાશે
  • અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર સિવિલ ખાતે મોકલાશે : એક ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થપાશે
  • કુલ 10 જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સ માટે 'કોરોના સેવાયજ્ઞ' અંતર્ગત બે ખેપમાં 21 હજાર કિટ મોકલાઈ : ટૂંક સમયમાં ત્રીજી ખેપ મોકલાશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં 'કોરોના સેવાયજ્ઞ'ના બીજા તબક્કારૂપે ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્લેટફોર્મ પેટીએમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતને કુલ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ તેમજ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે સહાય કરવામાં આવનાર છે. જેના પ્રથમ ભાગ તરીકે આજે રાજ્યપાલના હસ્તે 20મઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ આરોગ્ય વિભાગને સુપ્રત કરવામાં આવ્યાં હતાં. આ કોન્સન્ટ્રેટર્સ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલને મોકલી આપવામાં આવ્યાં છે.

10 જિલ્લાના કોરોના વોરિયર્સને કિટ મોકલાઈ
રાજ્યપાલે જણાવ્યું કે, કોવિડના આ બીજા વૅવમાં પોતાના તન અને મનથી જે કર્મચારીઓ દર્દીઓની સેવા કરી રહ્યા છે અથવા અન્ય કોઈ પણ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે, આવા કોરોના વૉરિયર્સનું મનોબળ વધારવું અત્યંત આવશ્યક છે. તેમને એવું આશ્વાસન મળે એ અત્યંત જરૂરી છે કે તેમની તથા તેમના પરિવારની ચિંતા કરનારું કોઈ છે. આ માટે રાજભવન તેમજ રાજ્ય સરકારના સહિયારા પ્રયત્નોથી રાજ્યના એક લાખ જેટલા પાયાના કોરોના વૉરિયર્સને જીવનજરૂરી વસ્તુઓની કિટ મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં બે ખેપમાં કુલ 21 હજાર જેટલી રાશન કિટ રાજ્યના 10જિલ્લાના કોરોના વૉરિયર્સને પહોંચાડવામાં આવી છે. જ્યારે ત્રીજી ખેપ પણ અત્યંત ટૂંક સમયમાં જ મોકલવામાં આવનાર છે. આ માનવીય કાર્યમાં અમદાવાદની સામાજિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ પણ સહાયરૂપ થઈ રહી છે.

કોરોના વૉરિયર્સને જીવનજરૂરી વસ્તુઓની કિટ મોકલવામાં આવી
કોરોના વૉરિયર્સને જીવનજરૂરી વસ્તુઓની કિટ મોકલવામાં આવી

20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ આરોગ્ય વિભાગને અર્પણ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં ઉમેર્યું કે, કોરોના વૉરિયર્સની જેમ દર્દીઓ માટે પણ આપણી જવાબદારી બને છે અને કોવિડના આ કપરાકાળમાં ઓક્સિજન અમૃત સમાન છે. આ માટે રાજ્યપાલના પ્રયત્નોથી ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ પેટીએમના સીઈઓ વિજયશેખર શર્માએ ગુજરાતને 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ તેમજ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે સહયોગ આપવા તૈયારી દર્શાવી હતી. જેના ભાગરૂપે આજે પ્રથમ ખેપમાં 20 કોન્સન્ટ્રેટર્સ રાજયપાલના હસ્તે આરોગ્ય વિભાગને અર્પણ કરવામાં આવ્યાં હતાં. જેને ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસીસના મેનેજિંગ ડાયરેક્ટરશ્રી પ્રભવ જોશીએ સ્વીકાર્યાં હતાં.

આજે 20 કોન્સન્ટ્રેટર્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલાયા
આ રીતે મળનારા કુલ 100 કોન્સન્ટ્રેટર્સમાંથી 25 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ, 20 એસએસજી સરકારી હોસ્પિટલ વડોદરા, 20 ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત, 20 પીડીયુ હોસ્પિટલ રાજકોટ તથા 15 સિવિલ હોસ્પિટલ ગાંધીનગરને આપવામાં આવશે. જે પૈકી આજે અપાયેલાં 20 કોન્સન્ટ્રેટર્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યાં છે, જેમને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ મોદીએ સ્વીકાર્યાં હતાં.

'કોરોના સેવાયજ્ઞ'માં સહયોગ આપનાર સંસ્થાાનો આભાર વ્યક્ત
રાજ્યપાલે જણાવ્યું કે રાજ્યના કુલ એક લાખ કોરોના વૉરિયર્સને જીવનજરૂરી વસ્તુઓની કિટ પહોંચાડવાનો રાજભવન દ્વારા 'કોરોના સેવાયજ્ઞ' અંતર્ગત નિર્ધાર કરાયો છે. જેથી જરૂરિયાત અનુસાર નિરંતર અલગ અલગ જિલ્લાઓમાં કિટ મોકલવામાં આવતી રહેશે. આ તકે સમગ્ર કામગીરીમાં સહાયરૂપ થનાર પેટીએમ ફાઉન્ડેશન તથા યુવા અનસ્ટોપેબલ સંસ્થાનો રાજ્યપાલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.