કેન્દ્રની ગાઈડલાઈન્સ પર બધો આધાર:સાદાઈથી વાઇબ્રન્ટ ગુજરાત યોજવાનો નિર્ણય લેવાની સરકારની ફોર્મ્યુલા, સમિટનો નિર્ણય 20 ડિસેમ્બરે લેવાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુંબઈના રોડ શોમાં સામેલ થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - Divya Bhaskar
મુંબઈના રોડ શોમાં સામેલ થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • વિદેશથી લિમિટેડ મહેમાનો સહિત માત્ર 500 આમંત્રિતો સાથે સમિટને સમેટી લેવાય તેવી શક્યતા
  • 10થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજવા નક્કી કરાયું છે
  • કેન્દ્ર સરકાર ઓમિક્રોન વેરિયન્ટને પગલે નવી ગાઈડલાઈન્સ જારી કરે તેના ઉપર દારોમદાર

ગુજરાત સહિત વિશ્વના કેટલાક દેશોમાં આવેલા કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પગલે ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટ અંગેનો નિર્ણય 20 ડિસેમ્બરના રોજ કેન્દ્રની ગાઈડલાઈન બાદ લેવામાં આવી શકે છે. જેમાં માત્ર 500 મહેમાનો સાથે સાદાઈથી સમિટ કરવાની પણ વિચારણા સરકારમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન રાહતના સમાચાર એ છે કે જામનગરના ઓમિક્રોન વેરિયન્ટના ત્રણેય દર્દીઓ સાજા થઈ ગયા છે.

દોઢ મહિનાથી વાઈબ્રન્ટની જોરશોરથી તૈયારી થતી હતી
ગુજરાતમાં આગામી 10થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ કેટલાક દિવસથી કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનનો કહેર વિશ્વના કેટલાક દેશોની સાથે ગુજરાતમાં પણ છે. તેવા સંજોગોમાં વાઇબ્રન્ટ સમિટને પણ ગ્રહણ લાગી શકે તેવી દહેશત સર્જાઈ હતી. પણ ગુજરાત સરકારે વાઇબ્રન્ટ માટેની તૈયારીઓ છેલ્લા દોઢ મહિનાથી શરૂ કરેલી છે.

કોરોનાની ગાઈડલાઈન્સના આધારે નિર્ણય
વાઈબ્રન્ટને લઈને મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે સરકાર વાઇબ્રન્ટ યોજવા તત્પર બની છે. ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સના 20 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કોરોના અંગેની ગાઈડલાઈન અને કર્ફ્યૂ સહિતના પ્રતિબંધોની ફેરવિચારણા કરવાની છે. તે સમયે જ સરકાર વાઇબ્રન્ટ સમિટનો આખરી નિર્ણય લઈ શકે છે.

પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત 6 ડિસે. ગુજરાત સરકારે 20 જેટલા MOU પર હસ્તાક્ષર કર્યા હતા
પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત 6 ડિસે. ગુજરાત સરકારે 20 જેટલા MOU પર હસ્તાક્ષર કર્યા હતા

PMOના સતત સંપર્કમાં વાઈબ્રન્ટનું માર્ગદર્શન લેવાઈ રહ્યું છે
આ મામલે રાજ્ય અને કેન્દ્રના આરોગ્ય વિભાગ વચ્ચે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે, એટલું જ નહીં, વડાપ્રધાન કાર્યાલય સાથે પણ સતત સંપર્ક કરી વાઇબ્રન્ટ અંગેનું માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે, જેથી કેન્દ્રની ગાઈડલાઈન અને માર્ગદર્શન અનુસાર રાજ્ય સરકાર વાઇબ્રન્ટ અંગેનો નિર્ણય લેશે.

વાઇબ્રન્ટ સમિટમાં 15 જેટલા કન્ટ્રી પાર્ટનર બન્યા છે
ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2019માં યોજાવાની હતી, પરંતુ એ સમયે કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે એ સમિટ આગામી 10 જાન્યુઆરીના રોજ યોજવાની ગુજરાત સરકારે જાહેરાત કરી હતી. એમાં પણ દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોના ઉદ્યોગકારો અને આગેવાનોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વાઇબ્રન્ટ સમિટમાં 15 જેટલા કન્ટ્રી પાર્ટનર પણ બન્યા છે. આ ઉપરાંત અન્ય દેશોના પ્રતિનિધિ અને મૂડીરોકાણકારોએ પણ વાઇબ્રન્ટમાં આવવાની તત્પરતા બતાવી હતી.

અમેરિકા, જર્મની સહિતના દેશના સચિવો રોડ શોમાં જોડાશે
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ-વિદેશમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે., ફ્રાન્સ, જાપાન, દુબઈ, આબુધાબી તથા મિડલ-ઇસ્ટના દેશોમાં વિવિધ વિભાગના સચિવો રોડ શો માટે જશે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 8 અને 9મી ડિસેમ્બરના રોજ દુબઇ અને આબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થયા હતા. જ્યારે દેશભરનાં વિવિધ 6 જેટલાં રાજ્યોના મેટ્રોપોલિટન શહેરમાં પણ રોડ શોનું આયોજન કરાયું છે.

ભૂપેન્દ્ર પટેલ દુબઈ રોડ શોમા સામેલ થવા પહોંચ્યા તે સમયની તસવીર
ભૂપેન્દ્ર પટેલ દુબઈ રોડ શોમા સામેલ થવા પહોંચ્યા તે સમયની તસવીર

1 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 1 ડિસેમ્બરથી વાઇબ્રન્ટ સમિટ સુધીમાં દર સોમવારે મોટા અને વિશિષ્ટ પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવશે. 10 જાન્યુઆરીથી ત્રિદિવસીય ગ્લોબલ ટ્રેડ શોનું હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે. આ ટ્રેડ ફેર શોની થીમ ‘‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...