યુવાનોની આવડતમાં વધારો થાય તથા તેમની ક્ષમતા વધે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસો કરી અને લાખોની રકમ ખર્ચે છે. પરંતુ તાજેતરમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકારને પુછવામાં આવેલા પ્રશ્નમાં જવાબ સામે આવ્યો છે કે અદાણી સાથે કરાર તો થયા છે પણ એકેય યુવાનને આ સ્કીમનો લાભ લેવામાં રસ જ નથી પડ્યો.
બે વર્ષ અગાઉ સરકારે અદાણીને વર્ક ઓર્ડર આપ્યા હતા
જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહિરે સરકારને સવાલ કર્યો હતો કે અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સાથે અનુસુચિત જાતિના યુવા-યુવતિઓ માટે છેલ્લાં બે વર્ષમાં ક્યારે કરાર કરવામાં આવ્યા છે જેનો સરકારે જવાબ આપતાં જણાવ્યું કે, 5 માર્ચ 2019 અને 6 ઓગસ્ટ 2019ના રોજ સ્કીલ ડેવલોપમેન્ટ માટે અદાણીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે.
ટેન્ડર વગર પ્રક્રિયા કરવામાં આવી
અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ યુવાનોને તાલીમ મળી રહે તે માટે સરકારે કુલ 13.98 કરોડના હુકમ કર્યા છે જે પૈકી છેલ્લા બે વર્ષમાં 7.87 લાખનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા વગર કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું.
બે વર્ષમાં એક પણ યુવાને તાલીમ નથી લીધી
સરકારે અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ કરેલા કરારમાં લાખોની રકમ ચૂકવાઈ તો ગઈ છે પરંતુ છેલ્લાં બે વર્ષમાં એટલે કે વર્ષ 2021 અને વર્ષ 2022માં અનુસુચિત જાતિના એક પણ યુવાન કે યુવતિએ તાલીમ લેવામાં રસ જ દર્શાવ્યો નથી.
બે વર્ષમાં છ જિલ્લામાં 56934 યુવા બેરોજગાર
વિધાનસભા ગૃહમાં રાજ્યમાં છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારોની સંખ્યા અંગે સરકારને સવાલ કરવામાં આવ્યા હતા. સરકારે જવાબ આપતાં જણાવ્યું કે, બે વર્ષમાં રાજ્ય સરકારે અમદાવાદ જિલ્લામાં 9320 યુવાનોને રોજગારી પુરી પાડી છે. ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2021માં 3682 અને ગાંધીનગર શહેરમાં 1855 યુવાનોને રોજગારી પુરી પાડી છે.
વર્ષ 2022માં ગાંધીનગર જિલ્લામાં 5528 અને ગાંધીનગર શહેરમાં 2454 યુવાનોને રોજગારી આપી હતી. અમદાવાદ શહેરમાં વર્ષ 2021 માં 27058 અને વર્ષ 2022માં 37596 યુવાનોને રોજગારી પુરી પાડી છે. વર્ષ 2021માં 2338 યુવાનોને રોજગારી આપવામાં આવી જ્યારે વર્ષ 2022માં 2235 યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષમાં 8902 યુવાનોને સરકાર દ્વારા રોજગારી પુરી પાડવામાં આવી છે.
જિલ્લા મુજબ બેરોજગાર યુવાનોની યાદી
અમદાવાદ જિલ્લો | 4409 |
અમદાવાદ શહેર | 13487 |
બનાસકાંઠા | 9956 |
જૂનાગઢ | 10322 |
ગાંધીનગર જિલ્લો | 4324 |
ગાંધીનગર શહેર | 2405 |
જામનગર | 9594 |
દેવભુમિ દ્વારકા | 2436 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.