વહેલી ચૂંટણીના સંકેત:​​​​​​​સરકારે પાટીદાર અનામત આંદોલન મામલે વધુ 10 કેસ પરત ખેંચ્યા, હાર્દિક પટેલ સામેના 2 કેસ પરત ખેંચવાની કાર્યવાહી શરૂ

5 મહિનો પહેલા
  • હાર્દિક પટેલ સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલા કેસ અંગે 15 એપ્રિલના રોજ હુક્મ થશે

પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઈ રાજ્ય સરકારે વધુ 10 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ, જ્યારે મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1, જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે, જે પરત ખેંચવામાં આવ્યા છે. હાર્દિક પટેલ સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલા કેસ અંગે 15 એપ્રિલના રોજ હુકમ થશે.

સરકારે પરત ખેંચેલા 10 કેસની વધુ વિગત જાણવા અહીં ક્લિક કરો....

'પાટીદારો સામેના કેસ પરત ખેંચવા ઝડપી કાર્યવાહી કરો': હાર્દિક પટેલ
થોડા મહિનાઓ પહેલાં કોંગ્રેસનેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવા માગ કરી હતી. પાટીદાર સમાજના દીકરા તરીકે મારી માગણી છે કે અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. આંદોલનમાં રહેલા દરેક નેતા પર ખટલા ચાલી રહ્યા છે. આવા 400 બનાવો અંગે ગુના હતા. આ કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી. તમે આ અંગે જરૂરી અગ્રતા આપીને પાટીદારો પરના ગુનાઓ દાખલ કરેલા છે એ પરત ખેંચવામાં આવે.

હાર્દિક પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા
હાર્દિક પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા

485 પોલીસ ફરિયાદો નોંધાઈ હતી
ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે.

2015માં આંદોલન હિંસક બન્યું, 14 પાટીદારોના જીવ ગયા
વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. તેમની પાટીદારોને અનામત આપવાની માગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં. પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માગણીને લીધે ગુજરાતનાં પૂર્વ CM આનંદીબહેન સરકાર પર દબાણ આવ્યું હતું.

પાટીદાર આંદોલનના યુવા ચહેરાઓ હાલ રાજકારણમાં સક્રિય
અનામત આંદોલન અને એ સંબંધિત ચહેરાઓની વાત કરીએ તો એકબીજા સાથે આંદોલનમાં સાથે કામ કરનારા નેતાઓ આજે વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઈને મહત્ત્વનાં પદો પર છે. આ ચહેરાઓમાં હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, રેશમા પટેલ, નિખિલ સવાણી, અતુલ પટેલ, દિલીપ સાબવા, ધાર્મિક માલવિયાનો સમાવેશ થાય છે, જેમાંથી હાલ હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે.

25 ઓગસ્ટ 2015ના રોજ પાટીદાર અનામત આંદોલન પાટીદાર ક્રાંતિરેલી થઈ હતી
25 ઓગસ્ટ 2015ના રોજ પાટીદાર અનામત આંદોલન પાટીદાર ક્રાંતિરેલી થઈ હતી

અનામત આંદોલન સમયે શું થયું હતું?
25 ઓગસ્ટ 2015ના રોજ પાટીદાર અનામત આંદોલન પાટીદાર ક્રાંતિરેલી થઈ હતી, ત્યાર પછી આ ગુનાઓ દાખલ કરાયા હતા. ઑગસ્ટ-2015ના પાટીદાર અનામત આંદોલન વખતે બાપુનગર પોલીસની કસ્ટડીમાં શ્વેતાંગનું મૃત્યુ થયું હતું. પ્રવીણ પટેલનો દીકરો નિશિત 2015માં મહેસાણામાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો. બનાસકાંઠાના મહેશનું પણ પોલીસ ફાયરિંગમાં મૃત્યુ થયું હતું. બીજા 13 લોકો મૃત્યુ પામ્યા હતા. શહીદ થયેલા પાટીદારનાં પરિવાજનોને સહકારી સંસ્થાઓમાં નોકરી આપવાની વાત પણ સરકારે કરી હતી. તેમને નોકરી આપવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી હતી. પોલીસ તપાસ કરીને સજા કરવામાં આવે. પોલીસ દમનની તપાસ માટે પંચની રચના કરીને પીડિતોની ફરિયાદો લેવાની હતી એ આપને યાદ અપાવું છું, એવું તેણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...