તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્યમંત્રીનું ગૃહમાં સંબોધન:સરકાર રાજ્યમાં દારૂબંધીમાં કોઈ છૂટછાટ આપશે નહીં: રૂપાણી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ગુજરાતમાં મહિલા રાત્રે એકલી નીકળી શકે છે તે દારૂબંધીને કારણે છે, તેમની સુરક્ષા માટે કડક કાયદા અમલી બનાવ્યા છે’

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી બાદની વિશેષ ચર્ચામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં અમારી સરકાર દારૂબંધીને ક્યારેય છૂટ નહીં આપે. જો દારૂબંધીમાં છૂટછાટ અપાય તો મહિલાઓની સુરક્ષા પર મોટો ખતરો સર્જાઈ શકે છે. થોડા સમય પહેલાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ, કારણ કે તે માત્ર કાગળ પરની રાજકીય દારૂબંધી જ છે તેમ જણાવ્યું હતું.

આ મુદ્દે ગૃહમાં બોલતાં રૂપાણીએ કહ્યું કે આજે મહિલાઓ ગુજરાતમાં રાત્રે સ્કૂટર લઈને નીકળી શકે છે તે ગુજરાતમાં દારૂબંધીને કારણે છે. મહિલાઓની આર્થિક અને સામાજિક સુરક્ષા માટે દારૂબંધી તેમ જ હુક્કાબાર પર પ્રતિબંધ જેવા કાયદા ગુજરાતમાં અમલી છે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે બળાત્કાર, ચેઇન સ્નેચિંગ, ઘરેલુ અત્યાચાર જેવાં ગુના વિરુદ્ધ ગુજરાતમાં કડક કાયદા છે. મહિલાઓની સરખામણી દેવીઓ તરીકે થાય છે અને આજે મહિલાઓ પશુપાલનથી લઈને અવકાશ યાત્રા સુધી જોડાયેલી છે.

રાજકીય ક્ષેત્રમાં અનામત છે, છતાં માત્ર કોઈ નેતાની પત્ની હોય તેવાં સંજોગોમાં જ નહીં, પણ યોગ્ય પ્રતિભા ધરાવતી મહિલાઓને રાજકારણમાં આવવાની તક મળી રહી છે.

ગુજરાતમાં ચૂંટણીઓ વહેલી નહીં આવે: રૂપાણી
અગાઉ રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી રમણ પાટકરે વિધાનસભાની વહેલી ચૂંટણી અંગે આપેલા નિવેદનને રૂપાણીએ રદિયો આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ચૂંટણીઓ સમયસર જ આવશે અને વહેલી કરાવવાની કોઈ જરૂર નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મળેલી સફળતા બાદ ગુજરાતમાં ભાજપ વહેલી ચૂંટણી કરાવશે તેવું પાટકરે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...