સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે થયેલી સુઓમોટો અરજીમાં અદાલત મિત્રએ હાઇકોર્ટમાં પ્રદૂષિત પાણીના નમૂના રજૂ કર્યા હતા. નમૂના સાથે તેમાં રહેલાં જીવલેણ તત્વો વિશે કોર્ટને માહિતી આપતા કોર્ટે સરકાર, જીપીસીબી અને કોર્પોરેશનને ઉદ્દેશીને એવી ટકોર કરી હતી કે, પાણી અને નદી આ બે એવા મુદ્દા છે જે કોઇ વ્યકિતના નહી પણ સમગ્ર લોકો માટે મહત્વના છે. આ મામલે કોઇ દલીલ ચલાવી લેવાશે નહી. હાઇકોર્ટે વધુ સુનાવણી 13 જાન્યુઆરી પર મુલતવી રાખી છે.
ઔધોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા થયેલી સુઓમોટો અરજીમાં અદાલત મિત્રએ એવી રજૂઆત કરી હતી કે, તેઓ મેગા પાઇપલાઇન નજીક બે વિસ્તારમાંથી પાણીના નમૂના લાવ્યા છે. હાઇકોર્ટે અગાઉ કરેલા આદેશ મુજબ પાણીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. હાઇકોર્ટના અગાઉ કરેલા સતત પ્રયાસોને લીધે નદીને શુદ્ધ કરવાના પ્રયત્નો ચાલી રહ્યાં હતાં પરતું ઔધોગિક એકમો હજૂ પણ પ્રદૂષિત પાણી છોડતા હોવાથી નદીના કેટલાક ભાગમાં રહેલું સ્વચ્છ પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. હાઇકોર્ટે સરકાર સહિતના પક્ષકારો સામે આકરું વલણ અપનાવ્યુ હતુ.
ઉદ્યોગોએ સોસાયટીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો
ઔધોગિક એકમો સામે હાઇકોર્ટે આકરા પગલા લેવા અંગે કરેલી ટકોરને લીધે લુલા બચાવમાં કહ્યુ હતુ કે, રહેણાક સોસાયટી દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. જેના લીધે નદી પ્રદૂષિત થઈ રહી છે. જો કે કોર્ટે એવી ટકોર કરી હતી કે, કોઇ પણ જવાબદારને છોડવામાં આવશે નહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.