તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રજાના રૂપિયાનો ધુમાડો:સુભાષબ્રિજ RTO માટે ભાડે રાખેલા બિલ્ડિંગનું અઢી વર્ષમાં સરકારે રૂ.3.30 કરોડ ભાડું ચૂકવ્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ભાડે રાખેલા બિલ્ડિંગની ખરીદ કિંમત જ 13.50 કરોડ રૂપિયાની આસાપાસ છે
  • હજી સુધી જૂનું બિલ્ડિંગ તૂટ્યું ન હોવાથી વધુ બે વર્ષની સમયમર્યાદા લંબાવાશે

સુભાષબ્રિજની જૂની આરટીઓ કચેરી જર્જરિત હોવાથી એને ફેબ્રુઆરી-2019થી આરટીઓને પાસેના હિમાલય બિઝનેસ સેન્ટરમાં ભાડાની 19 હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં ખસેડી છે. ભાડાનાબિલ્ડિંગમાં આરટીઓને ખસેડી ત્યારે 19 હજાર સ્ક્વેર ફૂટની વેચાણ કિંમત અંદાજે 13.50 કરોડની આસપાસ હતી. સરકારે આરએનબીના અભિપ્રાયને આધારે રૂ.11 લાખના ભાડે જગ્યા ભાડે રાખી હતી, એ મુજબ અત્યારસુધીમાં માસિક રૂ.11 લાખ પ્રમાણે 3.30 કરોડ ભાડું ચૂકવી દીધું છે, જે રકમ અઢી વર્ષની છે. હજી જૂનું બિલ્ડિંગ તૂટ્યું ન હોવાથી વધુ બે વર્ષની સમયમર્યાદા લંબાવાશે.

ગાંધીનગરનાં સૂત્રો મુજબ, ભાડાના બિલ્ડિંગનો કોન્ટ્રેક્ટ વધુ બે વર્ષ રિન્યુ કરવા વાહનવ્યવહાર કમિશનર સમક્ષ ફાઇલ છે. સુભાષબ્રિજ જૂની આરટીઓની પાકા લાઇસન્સ સિવાયની બધી કામગીરી હિમાલય બિઝનેસ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફલોરની 5005 સ્ક્વેર ફૂટ અને સેકન્ડ ફલોરની 14 હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં ખસેડી હતી. ફેબ્રુ.,2019થી જૂન,2021 સુધીમાં 3.08 કરોડ ભાડું ચૂકવાઇ ગયું છે. હજી બે વર્ષ જગ્યા ભાડે રાખવાથી વધુ રૂ.2.64 કરોડ ચૂકવવાના થશે. સાડાચાર વર્ષમાં અંદાજે પોણાછ કરોડ જેટલી રકમ ચૂકવાશે. ઉપરાંત ભાડામાં વધારો થશે તો આંકડો 7થી 8 કરોડ સુધી પહોંચી શકે છે. આ જગ્યા પર કે આસપાસની જગ્યામાં ટેમ્પરરી બિલ્ડિંગ ઊભું કર્યું હોય તોપણ આટલો ખર્ચ ન થાય. વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ લાભ ખાટવા ભાડાની ઊંચી રકમ આંકીને સરકારને નુકસાન પહોંચાડ્યું હોવાનું મનાય છે.

તપાસ થાય તો મોટે પાયે નાણાકીય ગેરરીતિ નીકળે
વાહનવ્યવહાર વિભાગ પૂર્વ અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકાર ભાડાની નિયત રકમના વ્યવહારની તપાસ કરે તો મોટે પાયે નાણાકીય ગેરરીતિ નીકળશે, કારણ કે આજ બિલ્ડિંગ હાલ 4 ચાર હજાર સ્ક્વેર ફૂટની જગ્યા દોઢથી પોણાબે લાખના ભાડે મળે છે. જો 19 હજાર સ્ક્વેર ફૂટનું ભાડું ગણીએ તો હાલમાં પણ 7 લાખની આસપાસમાં ભાડે મળી જાય છે. તો પછી 2019માં 19 હજાર સ્ક્વેર ફૂટની જગ્યાનું ભાડું 11 લાખ કેવી રીતે નક્કી કરાયું.

નવા બિલ્ડિંગની કામગીરી ઝડપી થશે
વાહનવ્યવહાર વિભાગના ઓએસડી જે.એન.વાઘેલાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સુભાષબ્રિજ આરટીઓના નવા બિલ્ડિંગના આયોજનની કામગીરી ચાલે છે. ટેન્ડરિંગ પ્રક્રિયા કરી ઝડપથી પૂરી કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...