તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટરો માટે ખુશ ખબર:ગુજરાતના સરકારી અને GMERSના તબીબી શિક્ષકોને 7માં પગારપંચ મુજબ NPAના લાભો ચૂકવાશે, સરકારી તબીબોની 14માંથી 11 માંગણી મંજૂર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હડતાળ પર ગયેલા GMERSના તબીબોની તસવીર. - Divya Bhaskar
હડતાળ પર ગયેલા GMERSના તબીબોની તસવીર.
  • એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનીયમિત કરવા એક જ સ્થાઈ ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવશેઃ
  • તમામ DPC અંતર્ગત બાકી બઢતીના આદેશો તુરંત કરવામાં આવશે
  • કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત ઉચ્ચતર પગાર ધોરણ માટેના આદેશો કરવામાં આવશે

GMERS(ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ સોસાયટીના) ફેકલ્ટી એસોસિએશનના હોદ્દેદારો સાથે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તેમની પડતર માંગણીઓ સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તેમના પ્રશ્નોને વિસ્તાર પૂર્વક સાંભળી તેમની મોટા ભાગની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ સંદર્ભે GMERS કોલેજોના તબીબી શિક્ષકો માટે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત તેમને સરકારી મેડીકલ કોલેજોના તબીબી શિક્ષકોના કિસ્સામાં સાતમા પગાર પંચના સંદર્ભમાં જે ધોરણે NPA(નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ) મંજુર કરવામાં આવે તે ધોરણે સાતમા પગાર પંચના ધોરણ મુજબ એન.પી.એ. મંજૂર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના સરકારી તબીબી શિક્ષકોને ગુજરાત મેડિકલ ટીચર્ચ એસોસિએશન(GMTA) NPA ના લાભો સાતમાં પગાર પંચ મુજબ ચુકવાશે.

તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના સરકારી તબીબી શિક્ષકોને NPA(નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ)ના લાભો ભારત સરકારના O.M. મુજબ તથા સાતમાં પગાર પંચ મુજબ ચુકવવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

અન્ય કેટલીક માંગણીઓ માટે હવે પછી નિર્ણય
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે તબીબોએ દિવસ-રાત જોયા વગર નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડી છે. જે અભિનંદનને પાત્ર છે. તેમના કેટલાક પડતર પ્રશ્નો અંગે આજે યોજાયેલી બેઠકમાં શક્ય તેટલી માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જ્યારે અન્ય કેટલીક માંગણીઓ માટે પણ રાજ્ય સરકાર હકારાત્મક છે અને તે માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેની ભલામણના આધારે આગામી સમયમાં નિર્ણય લેવાશે. GMERS ફેકલ્ટી એસોસિએશન સાથે સંવાદ કરી તેઓના પ્રશ્નોનું સંતોષકારક રીતે સુખદ સમાધાન કર્યું છે.

GMERS હેઠળ ભરતી થયેલ ટ્યુટર-મેડિકલ ઓફીસરને 7માં પગારપંચનો લાભ
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, GMERS ફેકલ્ટી એસોસિએશનની માંગણીઓ પૈકી GMERS હેઠળ ભરતી થયેલ નિયમિત નિમણુંક ધરાવતા તબીબી શિક્ષકોને સાતમા પગાર પંચ મુજબના પગાર ધોરણો મંજુર કરવાની માંગણી સ્વીકારવામાં આવી છે. તે ઉપરાંત GMERS હેઠળ ભરતી થયેલ ટ્યુટર અને મેડિકલ ઓફીસર સંવર્ગમાં નિયમિત નિમણુંક પામેલ તબીબોને તા.1-1-16થી સાતમા પગાર પંચ મુજબ પગાર ધોરણો મંજુર કરવાની માંગણી પણ સ્વીકારવામાં આવી છે.

GMERS હેઠળ ભરતી થયેલ ફેકલ્ટીને બઢતી આપવાની કાર્યવાહી શરૂ
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકારી મેડિકલ કોલેજોના તબીબી શિક્ષકોના કિસ્સામાં સાતમા પગાર પંચના સંદર્ભમાં જે ધોરણે એન.પી.એ. મંજુર કરવામાં આવે તે ધોરણે આ માંગણી સ્વીકારવામાં આવશે. તે ઉપરાંત જી.એમ.ઇ.આર.એસ. હેઠળ નિયમિત ધોરણે ભરતી પામેલ ફેકલ્ટીને નિયમોનુસાર બઢતી આપવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

14 જેટલી માંગણીઓ પૈકી 11 માંગણીઓ મંજુર
મંત્રી જાડેજાએ રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા કહ્યુ કે, સરકારી તબીબી શિક્ષકોની 14 જેટલી માંગણીઓ પૈકી 11 માંગણીઓને મંજુર કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય પડતર માંગણીઓ પરત્વે પણ રાજ્ય સરકારનું વલણ હકારાત્મક છે. કોરોનાના કપરા કાળમાં સરકારી તબીબો-પ્રાધ્યાપકોએ કરલી અસરકારક કામગીરીને ધ્યને રાખીને તેમની મુખ્ય માંગણી NPA મંજૂર કરવાની હતી તે સાતમાં પગાર પંચ મુજબ તમામ સરકારી તબીબી શિક્ષકો માટે NPA મંજૂર કરવામાં આવ્યું છે.

રજા પગાર અને પેન્શન માટે એક જ ઠરાવથી સળંગ કરવા આદેશ કરાશે
મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, હાલ તદ્દન એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનિયમિત કરવા એક જ સ્થાઈ ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવશે અને નિયમિત ધોરણે ફરજ બજાવતા અને હાલ ઉપલા સંવર્ગમાં એડહોક ધોરણે ફરજ બજાવતા તબીબી શિક્ષકોની એડહોક સેવાઓ વિનિયમિત કરવામાં આવશે. એટલું જ નહી નિયમિત નિમણૂકથી ફરજ બજાવતા તબીબી શિક્ષકોની અગાઉની એડહોક સેવાને વિનિયમિત કરીને હાલની નિયમિત સેવા સાથે રજા પગાર અને પેન્શન માટે એક જ સ્થાઈ ઠરાવથી સળંગ કરવા આદેશ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજ ખાતે તબીબી શિક્ષકોને સરકાર દ્વારા જુદા જુદા વિષય / સંવર્ગમાં ગુજરાત જાહેર સેવા આયોગની મંજૂરીની અપેક્ષાએ તદ્દન હંગામી ધોરણે 6 માસ માટે અથવા 1 વર્ષ માટે બઢતીઓ આપવામાં આવેલ છે તેવા તમામ તબીબી શિક્ષકોની હંગામી બઢતી એક જ હુકમથી આગળ ચાલુ રાખવાના આદેશ કરવામાં આવશે.

માત્ર એડહોક ટ્યુટરને 7માં પગાર મુજબનો પગાર 1-1-16થી મંજુર કરાશે
CAS- કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત ઉચ્ચતર પગાર ધોરણ માટેના પણ આદેશો કરવામાં આવશે.જે તબીબી શિક્ષકોને સહ પ્રાધ્યાપક અને પ્રધ્યાપકનું ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે તેઓને તે જગ્યાનું અલગથી નામાભિધાન અપાશે. જેના પરિણામે અનુસ્નાતક અભ્યાસક્રમોની બેઠકોમાં નોંધપાત્ર વધારો થશે. તેજ રીતે તે તબીબી શિક્ષકોના DPC અંતર્ગત બાકી બઢતીના આદેશો તુરંત કરવામાં આવશે. જ્યારે તબીબી શિક્ષકોના બાકી રહી ગયેલા માત્ર એડહોક ટ્યુટરને 7માં પગાર મુજબનો પગાર 1-1-16થી મંજુર કરવામાં આવશે.

તમામ એડહોક કે GPSC સેવાઓને સળંગ ગણવા આદેશ કરાશે
મંત્રીએ ઉમેર્યુ કે, તબીબી શિક્ષકોની હાલની સેવાઓ સાથે અગાઉ આરોગ્ય વિભાગ અંતર્ગત જુદા જુદા પ્રભાગો હેઠળ કરવામાં આવેલ અન્ય તમામ એડહોક કે GPSC સેવાઓને સળંગ ગણવા માટે આદેશ કરવામાં આવશે. GPSC અને DPC નિયમિત રીતે દર વર્ષે કરવામાં આવશે, તેમજ ઉચ્ચતર પગાર ધોરણના આદેશો નિયમિત રીતે બે માસે થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યુ હતુ. સ્વિકાર થયેલા તમામ મુદ્દાઓને આવરી લેતો ડિટેઇલ ઠરાવ એક જ અઠવાડીયામાં પ્રસિધ્ધ કરી દેવાશે.