ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા પ્રશ્નના પ્રત્યુત્તરના ગાળામાં રોજગારી અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો, જેમાં કૌશલ્ય અને રોજગાર/ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં દોઢ લાખ જેટલા યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. આ સાથે જ ટેક્સટાઇલ પોલિસી અંગેના પ્રશ્નનો પણ જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રીએ પુછવામાં આવેલા ગટરના સફાઈ કામદારોના મૃત્યુની સહાય અંગે વાત કરી હતી. તેમજ ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજનાની માહિતી આપી હતી.
જુનાગઢ-પોરબંદરના 8626 બેરોજગારોને રોજગારી અપાઈ
વિધાનસભા ગૃહમાં જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં રોજગારી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રમ, કૌશલ્ય અને રોજગાર/ઉદ્યોગ મંત્રી બલવંતસિંહે જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લાના 10323 અને પોરબંદર જિલ્લાના 4644 નોંધાયેલા બેરોજગાર સામે જુનાગઢ જિલ્લાના 4573 અને પોરબંદર જિલ્લાના 4053 બેરોજગારોને રોજગારી આપવામાં આવી છે. ગુજરાત સરકારનો ધ્યેય મંત્ર 'સૌનો સાથ, સૌનો વિકાસ' આ સાથે જ સાકાર થાય છે.
રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ રાજ્ય મંત્રી
આ સાથે મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 1.5 લાખ જેટલા શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે. ભારતનો બેરોજગારી દર 4.4% છે. ત્યારે ગુજરાતનો દર માત્ર 2.2% છે. જે ગુજરાત માટે ગર્વની વાત છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ છે.
ટેક્સટાઇલ પોલીસી હેઠળ 1166 દાવા અરજી
અમદાવાદ તેમજ રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ એકમોમાં વેટ/એસ.જી.એસ.ટી. સહાયની ચુકવણી અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યભરમાં 10 હજાર કરોડથી વધુ રકમની સહાયની ચુકવણી કરવામાં આવી છે. 31/12/2022 છેલ્લા બે વર્ષ દરમિયાન અમદાવાદ જિલ્લામાં ગુજરાત ટેક્સટાઇલ પોલીસી 2012 હેઠળ 1166 દાવા અરજીઓ આવી છે. જે અંતર્ગત 816.06 કરોડ રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવી છે. આજ રીતે રાજકોટ જિલ્લામાં 542 અરજીમાં 214.10 કરોડ સહાયની ચુકવણી કરવામાં આવી છે. આ પોલીસી હેઠળ રાજકોટ જિલ્લામાં 130 એકમોને મંજૂરી આપવામાં આવી છે. જેનાથી 2330 કરોડનું મૂડી રોકાણ થયું છે.
1374 એકમોને મંજૂરી સાથે 35 હજાર કરોડનું મૂડી રોકાણ
મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012 અંતર્ગત કુલ 1374 એકમોને મંજૂરી આપવામાં આવી છે, આ એકમો અંતર્ગત 35 હજાર કરોડનું મૂડી રોકાણ છે. આ પોલીસીથી ટેક્સટાઇલ ક્ષેત્રે સંકળાયેલ એકમોને વિકાસ માટે વધુ તક મળી છે.
કામદારોના છાત્રાલય બનાવવા 7.5 કરોડની સહાય
ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012 અને 2019 વચ્ચેના તફાવત અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે, 2012માં એમ.એસ.એમ.ઈ. એકમોને પાંચ વર્ષ માટે પાંચ ટકા લેખે વ્યાજ સહાય હતી. જે હવે 6 ટકા છે, 2012માં માત્ર વિવિંગ અને સ્પિનિંગ એકમો માટે પાંચ વર્ષ માટે એક રૂપિયો પ્રતિ યુનિટની સહાય હતી. હવે એલ.ટી.પાવર કનેક્શનમાં ત્રણ પ્રતિ યુનિટ તેમજ એચ.ડી.પાવર કનેક્શનમાં રૂપિયા બે પ્રતિ યુનિટ સહાય, 2012માં પર્યાવરણ સંરક્ષણના અનુપાલન માટે ચાલુ એકમોને 50 ટકા સુધી અને વધુમાં વધુ 50,000ની મર્યાદાની સહાય હતી. હવે 50 ટકાની મર્યાદામાં એક લાખની સહાય તેમજ સાધનોની કિંમતના 20 ટકાઅને મહત્તમ 30 લાખની સહાય. તેમજ 2012માં ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે 10 કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવતી હતી. જે હવે પંદર કરોડની સહાય ઉપરાંત કામદારોના છાત્રાલય બનાવવા માટે રૂપિયા 7.5 કરોડ સુધીની સહાય આપવામાં આવે છે.
મૃતક કામદારોના પરિવારને 110 લાખ ચૂકવાયા
વિધાનસભામાં રાજ્યમાં ગટરમાં ઉતરીને સફાઈ કરતા કામદારના મૃત્યુ અંગે પ્રશ્નના પ્રત્યુતરમાં સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પ્રત્યેક સફાઈ કામદારના મૃત્યુદીઠ રૂપિયા 10 લાખ લેખે કુલ 11 કામદારોના પરિવાર જનોને 110 લાખની સહાય ચૂકવાઈ છે. ત્યારે રાજ્યમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારોના મૃત્યુ ન થાય એ માટે રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ, નગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં ગટરમાં ઉતરીને સફાઈ ન કરવા પ્રતિબંધ મૂકવા માર્ગદર્શક સૂચનાઓ પણ છે.
ગટરમાં ઉતરીને મૃત્યુ થયું હોય તો 10 લાખની સહાય
સફાઈ કામદારોને સહાય અને સુરક્ષા અંગેના અન્ય એક પૂરક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, સફાઈ કર્મીઓને અસ્વચ્છ કામમાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ માટે રાજ્યમાં સફાઈ કામદાર વિકાસ નિગમ કાર્યરત છે. જેના દ્વારા સફાઈ કર્મીઓને સલામતીના સાધનો તથા લોન આપવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં 4થી 6 ટકાના દરે વ્યાજ સહાય અપાય છે અને રૂપિયા 30થી 75 હજાર સુધીની સબસીડી પણ રાજ્ય સરકાર આપે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે સફાઈકર્મીઓનું મૃત્યુ ગટરમાં ઉતરીને કામ કરવાથી થયું હોય તેને 10 લાખની મૃત્યુ સહાય ચૂકવવામાં આવે છે.
ગટરમાં ઉતરવું ન પડે તે માટે મશીન ઉપબ્ધ કરાવાયા
તેમણે ઉમેર્યું કે, સફાઈ કર્મીઓને ગટરમાં ઉતરીને કામ ન કરવું પડે તે માટે રાજ્યની મહાનગર પાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં જેટી મશીન, સકશન મશીન, હાઇડ્રોલિક ટ્રોલી, ડ્રેનેજ મશીન, વોશીંગના સાધનોની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. આ સાથે સાથે કર્મચારીઓની સુરક્ષા માટે પણ બ્રીધીંગ મશીન, હેલ્મેટ, ગોગલ્સ, હેન્ડગ્લોવ્ઝ જેવા સાધનોની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
મહેસાણામાં વય વંદના યોજના હેઠળ 92 લાખ ચૂકવાયા
મંત્રી બાબરીયાએ જણાવ્યું હતું કે, ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન (વય વંદના) યોજના હેઠળ મહેસાણા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ 1474 અરજી મળી હતી. જેમાંથી 1421 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન (વય વંદના) યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં 92,73,500 રકમની ચૂકવણી પણ કરવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 60 વર્ષથી 79ની ઉંમર ધરાવતા વૃદ્ધોને 1000 તથા 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને 1250 સીધા DBT મારફતે તેમના એકાઉન્ટમાં જમાં કરાવવામાં આવે છે.
21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ લગ્ન સહાય
વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને નક્કી કરાયેલા દિવ્યાંગતાની ટકાવારી મુજબ આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2022માં દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 34 અરજીઓ અંતર્ગત રૂ.17 લાખ સહાય પેટે ચુકવવામાં આવ્યાં છે.
સહાય માટે દિવ્યાંગતાની વિગતવારે માહિતી અપાઈ
દિવ્યાંગ લગ્ન સહાય માટે દિવ્યાંગતાની ટકાવારી મુજબ 21 પ્રકારની દિવ્યાંગતાની વિગતવાર માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતામાં અંધત્વ, ઓછી દૃષ્ટી, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, રક્તપિત-સાજા થયેલ, એસિડના હુમલાનો ભોગ બનેલા, હલનચલન સાથેની અશક્તતા, સેરેબલપાલ્સી, વામનતા, બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ ધરાવતા દિવ્યાંગોને સહાય આપવામાં આવે છે. જ્યારે 71થી 100 ટકા પ્રમાણમાં સાંભળવાની ક્ષતિ ધરાવતા દિવ્યાંગોને, તેમજ 50 ટકા કે, તેથી વધુ દિવ્યાંગતાના કિસ્સામાં ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા, બૌદ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, દીર્ઘકાલીન અનેમિયા, માનસિક બિમારી, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશકતતા, ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, મલ્ટીપલ ડિસેબીલીટીઝને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 1 લાખ અપાય છે
મંત્રીએ સહાયની રકમ અંગે કહ્યું હતું કે, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિના લગ્નના કિસ્સામાં 50 હજાર + 50 હજાર મળીને કુલ 1 લાખ સહાય આપવામાં આવે છે અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિના લગ્નના કિસ્સામાં 50000 (રૂપિયા પચાસ હજાર) સહાય આપવામાં આવે છે. આ સહાયની રકમ જિલ્લા કક્ષાએથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે. ત્યારે સહાયનાં ધોરણોમાં થયેલાં સુધારાની વિગતો આપતા કહ્યું હતું કે, તા. 21/05/2016ના ઠરાવથી સહાયની રકમ 20 હજારથી વધારીને 50 હજાર કરવામાં આવી છે.
કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12000ની સહાય
સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈનુ મામેરું યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે રૂ.12000/-ની સહાય ચૂકવવામાં આવે છે. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીએ કુંવરબાઈનુ મામેરું યોજના વિશે વાત કરતા જણાવ્યું કે, જુનાગઢ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અનુસૂચિત જાતિની 821 અરજીઓ મળી છે. જે પૈકી 806 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં રૂ.9,33,650 લાખની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં 3,106 લાભાર્થીઓને 3 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
દીકરીઓને 10 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
મંત્રીએ ઉમેર્યું હતું કે, સુરત જિલ્લામાં કુંવરબાઈ મામેરું યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 10,010 અનુસુચિત જાતિની દીકરીઓને 10 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે અને બનાસકાંઠા જિલ્લામાં નાણાકીય વર્ષ 2022-23માં વિકસતી જાતિની કન્યાઓની 1454 અરજીઓ મળી હતી. જેમાંથી દરેકે અરજીનો નિકાલ કરી રૂ.168.28 લાખની સહાય ચૂકવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ 1995માં રૂ.5000ની સહાય ચુકવવામાં આવતી હતી. જેની રકમ 2012માં વધારી રૂ.10,000 કરવામાં આવી અને રાજ્યની અનુસુચિત જાતિની દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને 2021માં રકમ વધારી 12 હજાર કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.