તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબોના પેટ પર પાટું:સરકારે ટ્રાન્સપોર્ટર્સ પાસે દંડ વસૂલતા રેશનિંગની દુકાન સુધી અનાજ નહીં પહોંચે, હડતાળ યથાવત

અમદાવાદ20 દિવસ પહેલા
બે દિવસથી GPS સિસ્ટમ મુદ્દે દંડ વસૂલાતા ટ્રાન્સપોર્ટર્સ હડતાળ કરી રહ્યા છે
  • અનાજ ડિલિવરી કરતા ટ્રકનું GPS કામ ન કરતું હોવાથી રૂ. 50 લાખનો દંડ ફટકારાતા વિવાદ થયો છે
  • ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના ડાયરેક્ટર તુષાર ધોળકિયા પોતાનો અહંમ સતોષવા માટે દંડ ફટકાર્યો છે: પ્રહલાદ મોદી
  • અંદાજીત 72 લાખ કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ નહીં મળે

રાજ્યમાં સસ્તા અનાજની દુકાને સરકારની અલગ અલગ યોજના અંતર્ગત ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકોને અનાજ નજીવા દરે પૂરું પાડવામાં આવે છે. જેમાં કોરોના મહામારીમાં સૌથી વધારે લોકોએ આ યોજનાનો લાભ લઈને અનાજ મેળવ્યું છે. જો કે ટ્રકમાં GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ન લગાડાતા ફૂડ એન્ડ સિવિલ સપ્લાય દ્વારા ટ્રાન્સપોર્ટર પાસે દંડ વસૂલાતા રેશનિંગની દુકાન સુધી અનાજનો જથ્થો નહીં પહોંચે. કારણ કે ટ્રાન્સપોર્ટર હડતાળ પર ઉતર્યા છે અને તેને યથાવત રાખી છે. જેથી ગરીબોને અનાજનો જથ્થો નહીં મળે.

ટ્રાન્સપોર્ટર્સ દ્વારા દુકાને ડિલિવરી માટે GPS લગાડાયા છે
રાજ્યમાં અંદાજીત 72 લાખ કાર્ડ ધારકોને આ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ સસ્તા અનાજની દુકાનનો અનાજ સપ્લાય કરતા ટ્રાન્સપોર્ટર્સ અને સરકાર વચ્ચે પેનલ્ટીને લઈને વિવાદ થતાં તેઓ હડતાળ પર ઉતર્યા છે. જેથી હવે સસ્તા અનાજની દુકાને સમયસર અનાજ પહોંચશે નહીં. ટ્રાન્સપોર્ટર્સને GPS ન લગાડવા અને તકનિકી ખામીના કારણે દંડ ફટકારવામાં આવ્યો હોવાનો તેઓ દાવો કરે છે. જેથી રૂ. 50 લાખ જેટલી રકમ કાપી લેવા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. આ ટ્રાસ્પોટરો થકી આ અનાજની ડોર સ્ટેપ ડિલિવરી એટલે કે દુકાને ડિલિવરી થાય સમયસર થાય તે માટે આ GPS લગાડવામાં આવ્યું છે. આ દુકાનદારોને જો હવે અનાજનો જથ્થો નહીં મળે તો ગરીબને ભૂખ્યું રહેવાનો વારો આવશે.

રેશનિગ એસોસિએશન પ્રમુખે કહ્યું-એક વ્યક્તિના અહંમ માટે દંડ ફટકારાયો
સસ્તા અનાજ દુકાન એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ હડતાળ પાછળ એક જ વ્યક્તિનો અહંમ છે. ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના ડાયરેક્ટર તુષાર ધોળકિયા પોતાના અહંમને સતોષવા માટે મસમોટો દંડ ફટકારી રહ્યા છે. અમે માનીએ છે કે, GPS લગાવે અને તેનું મોનિટરિંગ થાય. પરંતુ હવે જો અનાજની ડિલિવરી માટે કોઈ ટ્રક ગોડાઉનમાંથી નીકળે અને તકનિકી ખામીના લીધે GPS ટ્રેક ન થાય તો તેઓએ તેની ઇન્કવાયરી કરવી જોઈએ. તેઓ ઇન્કવાયરી કર્યા વગર જ દંડ ફટકારે એ યોગ્ય નથી. જેના કારણે હવે આ હડતાળ ચાલી રહી છે.

સસ્તા અનાજની દુકાન એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી
સસ્તા અનાજની દુકાન એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી

ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનની સરકાર સાથે મિટિંગ
ટ્રાન્સપોર્ટર્સની માંગ છે, આ દંડ બાબતે સરકાર વિચારી ને તેમને રાહત આપે. અમે નથી ઇચ્છતા કે અમારા કારણે ગરીબને અનાજ ન મળે. પરંતુ આટલો મોટો દંડ અમને ફટકારવામાં આવ્યો છે. જેથી અમને પણ ઘણું નુકસાન થયું છે. અમે GPSનો વિરોધ નથી કરતા, કોન્ટ્રાક્ટર જ્યારે અનાજની ડિલિવરી કરીએ ત્યારે દુકાનદારની સહી સાથે રિસિપ્ટ લેતાં હોય છે. એટલે માત્ર આ GPSના નામે આ અધિકારી પોતાનો અહંમ સંતોષે છે. જોકે આજે સરકાર જોડે ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનની મિટિંગ છે જેમાં યોગ્ય નિર્ણય આવે તેવી આશા રાખીએ.

સપ્લાયના ડાયરેક્ટર સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરે છે: મોદી
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ સસ્તા અનાજનું વિતરણ 1 તારીખે થવું જોઈએ. અમને આ અનાજ 1 તારીખ સુધી આપવામાં આવતું નથી. આ ડાયરેક્ટર અમને 11 તારીખે વિતરણ કરવાનું કહે છે. તેઓ સમયસર અમને અનાજ પહોંચાડતા નથી. જેથી તેઓ આ સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરે છે તેવું લાગી રહ્યું છે.

બે દિવસથી ટ્રાન્સપોર્ટર હડતાળ કરી રહ્યા છે
રાજ્યભરના ગોડાઉનથી રેશનિંગનો અનાજ સહિતનો જથ્થો સસ્તા અનાજની દુકાને પહોંચાડવાથી ટ્રાન્સપોર્ટર બે દિવસથી હડતાળ કરી રહ્યા છે. રાજ્યભરનાં 260થી વધુ ગોડાઉનના ઈજારદારોને રેશનિંગ જથ્થાનું વહન કરતા અને ડોર સ્ટોપ ડિલિવરી કરતા ટાન્સપોર્ટર્સને GPS સિસ્ટમને લઈને સપ્લાય વિભાગે કરેલા લાખો રૂપિયાનો દંડ સામે વિરોધ દર્શાવવા અનાજ સહિતનો જથ્થો ગોડાઉનથી લાવવા લઈ જવાની કામગીરી પર બ્રેક મારી દીધો છે.