ભાસ્કર એક્સક્લૂઝિવ:સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ બે સેમેસ્ટર બાદ મનપસંદ બ્રાન્ચ બદલી શકશે

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ચાલુ વર્ષના વિદ્યાર્થીઓને પણ નવો નિયમ લાગુ પડશે
  • વિદ્યાર્થીએ પોતાની કોલેજમાં ખાલી રહેલી બેઠક પર અરજી કરવાની રહેશે

રાજ્યની સરકારી ડિપ્લોમા, ડિગ્રી ઈજનેરી, કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2022-23થી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ બે સેમેસ્ટરના અંતે પોતાની કોલેજમાં અન્ય પંસદગીની બ્રાન્ચમાં ખાલી પડેલી સીટો પર પ્રવેશ માટે અરજી કરી શકશે. શિક્ષણ વિભાગે આ અંગેનો પરિપત્ર કર્યો છે.

વિદ્યાર્થીઓને 30થી વધુ બ્રાન્ચમાં પ્રવેશ
સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી પોતાને ફાળવાયેલ બ્રાન્ચને લઈને અસંતોષ હોય તો તે વિદ્યાર્થી પોતાની કોલેજમાં ઉપલબ્ધ અન્ય બ્રાન્ચમાં ખાલી બેઠકો પર નક્કી કરેલા નિયમો મુજબ બ્રાન્ચ બદલી શકશે. આ વર્ષે એવું બન્યું છે કે, મોટાભાગના વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર સાયન્સ, આઇ.ટી. સહિતની નવી ઉભરતી બ્રાન્ચમાં પ્રવેશ માટે અરજી કરી હતી, પરંતુ તમામને એક કે બે બ્રાન્ચમાં પ્રવેશ મળે તે શક્ય નથી. આથી વિદ્યાર્થીએ અંતે પોતાને ફાળવાયેલી સીટ પર પ્રવેશ લઇ લીધો, પરંતુ હવે બે સેમેસ્ટર બાદ વિદ્યાર્થીઓ પોતાની જ કોલેજની અન્ય બ્રાન્ચમાં ખાલી પડેલી સીટ પર પ્રવેશ માટેની અરજી કરી શકશે. પ્રવેશ કમિટી દ્વારા વિદ્યાર્થીઓને 30થી વધુ બ્રાન્ચમાં પ્રવેશ અપાયો છે.

માતા કે પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને કોલેજ બદલવાની મંજૂરી અપાશે
કોઈક કારણસર માતા કે પિતા ગુમાવનારા વિદ્યાર્થી રાજ્યના કોઈ પણ સ્થળે આવેલી ડિપ્લોમા કે ડિગ્રી ઇજનેરી કોલેજમાં પ્રવેશ મેળવેલો હશે, તો તે વિદ્યાર્થીને નિયમ મુજબ અન્ય પોતાની પસંદગીની કોઈ સંસ્થામાં પ્રવેશ મેળવી શકશે.માતા-પિતાના અવસાનના કારણ અને બદલી અંગેનો નિર્ણય તબીબી પ્રમાણપત્રોના આધારે સભ્યોની કમિટી દ્વારા નક્કી કરાશે.

બ્રાન્ચની બદલી મેરિટને આધારે કરાશે
એક સંસ્થામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ઈજનેરીની અન્ય સંસ્થામાં, અન્ય બ્રાન્ચમાં આતંરિક બદલી આપી શકાશે નહી. જે કોઈ પણ વિદ્યાર્થીને ઈજનેરીની કોલેજની બ્રાન્ચમાં આંતિરક બદલી કરવી હશે તો તેમાં માત્રને માત્ર મેરિટના આધારે બદલી થઈ શકશે. વિદ્યાર્થી જે કોલેજમાં અભ્યાસ કરતો હોય તો જે તે કોલેજમાં ઉપલબ્ધ ઈજનેરીની અન્ય બ્રાન્ચમાં પ્રવેશ પ્રથમ વર્ષ અથવા બીજું સેમેસ્ટર પૂરું થયા બાદ તેમાં મેળવેલ માર્કસના મેરિટના આધારે આચાર્યની મંજૂરી સાથે મેળવી શકશે. અન્ય સંસ્થાના બીજા વર્ષ,ત્રીજા સેમેસ્ટરના પ્રારંભે આંતરિક શાખા બદલી આપી શકાશે નહી.

આચાર્ય પાસેથી NOC મેળવવાની રહેશે
સરકારી કોલેજમાંથી ખાનગીમાં બદલી કોલેજ કક્ષાએ આપી શકાશે. સરકારી ટેકનિકલ સંસ્થામાંથી વિદ્યાર્થીની સંસ્થા બદલી અંગે જે તે સરકારી સંસ્થાના આચાર્ય જરૂરી તપાસ કરી બદલી અંગેનું નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી શકશે. અલબત્ત નિયમોના અર્થઘટનને મુદ્દે કોઈ પ્રશ્ન ઉભો થાય તો સરકારનો નિર્ણય આખરી રહેશે.

આ કારણોસર પણ બદલી થઈ શકશે
વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરતો હોય તેે સ્થળ વિદ્યાર્થીની તબિયતને અનુકૂળ ન હોય સાથે જ સ્થળ ફેર માટે સંબંધિત સત્તાવાળાઓએ સ્પષ્ટ ભલામણ કરી હોય.
બેે સરકારી કોલેજોમાં એક જ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ અરસ-પરસ બદલી કરવા સંમત હોય તો બંને કોલેજના પ્રિન્સિપાલની સંમતિ મેળવીને નવા સેમેસ્ટરની શરૂઆતમાં બદલી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...