આજે વિધાનસભામાં નાણાંમંત્રી બજેટ રજુ કરી રહ્યાં છે. બજેટ રજુ કર્યાં પહેલાં એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ દારુ અને ડ્રગ્સ મુદ્દે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોના હોબાળાના પગલે ગૃહની કાર્યવાહી એક વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. કોંગ્રેસે સવાલ કર્યો હતો કે, ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ કેમ પકડાય છે. આ સવાલનો જવાબ આપવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાના અધ્યક્ષનું રક્ષણ માંગ્યું હતું. પ્રશ્નોત્તરી કાળ બાદ પણ કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ સવાલ કરતાં વાતાવરણ ગરમાયું હતું જેથી બજેટ રજુ કરવામાં વિલંબ થયો હતો.
પરેશ ધાનાણીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો
પરેશ ધાનાણીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. તેમણે ડ્રગ્સ માફિયાઓ સાથે સરકારની સિન્ડિકેટ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર સત્ય છુપાવે છે. સરકાર 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું તેનો સ્વીકાર કરતી નથી. વિપક્ષના આક્રમક વલણથી સરકારને બચાવવા માટે પ્રદિપસિંહ જાડેજાએ બચાવપક્ષ રજુ કર્યો હતો. એટલે કે વિપક્ષના આક્રમણ સામે સત્તા પક્ષના સભ્યોએ હોબાળો કર્યો હતો. ત્યાર બાદ દરમિયાનગીરી કરીને વિધાનસભા અધ્યક્ષે મામલો શાંત પાડ્યો હતો.
મુંદ્રા પાસેથી જ 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ઉભા થયા હતાં અને પરેશ ધાનાણીની વાત પુરી કરવા માટે અધ્યક્ષને વિનંતી કરી હતી. પરેશ ધાનાણીની વાત હતી કે, બે વર્ષમાં નશીલા પદાર્થો પકડાયા તેનો અમારા ધારાસભ્યનો પ્રશ્ન હતો. મુંદ્રા પાસેથી જ 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. પરંતુ પરેશ ધાનાણીને અટકાવીને અધ્યક્ષે બેસાડી દીધા હતાં.
ગુજરાત નશીલા દ્રવ્યના વેચાણનું હબ બન્યું
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 215.62 કરોડ રૂપિયાની કિંમતની 1.6 કરો વિદેશી દારૂની બોટલ, 4.33 કરોડ રૂપિયાની 19.34 લાખ લીટર દેશી દારૂ, 16.2 કરોડ રૂપિયાની કિંમતની 12.20 લાખ બિયરની બોટલ અને 370.25 કરોડ રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું છે. બે વર્ષમાં 606.41 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે.નશીલા પદાર્થના વેચાણમાં બનાસકાંઠા, દ્વારકા, કરછ, છોટાઉદેપુર, દાહોદ અને સુરત મુખ્ય સેન્ટર છે. ગૃહપ્રધાનના વિસ્તાર એવા સુરતમાંથી બે વર્ષમાં 93 લાખથી વધુની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે.
IPC ક્રાઇમની સંખ્યા 196% વધી
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ, ગુજરાતમાં ઇન્ડિયન પીનલ કોડ (IPC) હેઠળના ક્રાઇમની સંખ્યા 2017માં 1.29 લાખ હતી, એ 2020માં વધીને 3.82 લાખ થઈ ગઈ છે, એટલે કે IPC ક્રાઇમની સંખ્યામાં 196%નો વધારો થયો છે. એવી જ રીતે સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ (SLL) હેઠળના ગુનાની સંખ્યા આ સમયગાળામાં 2 લાખથી વધીને 3.18 લાખ થઈ ગઈ છે. SLL ગુનાની સંખ્યામાં 59%નો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.