વિપુલ ચૌધરી મુદ્દે રાજકારણ ગરમાયું:કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે કહ્યું- વિપુલ ચૌધરીને ફસાવવાનું સરકારનું આયોજન હોઈ શકે, શંકરસિંહ વાઘેલા-મોઢવાડિયાને કોર્ટનું તેડું

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિપુલ ચૌધરી જેલના સળિયા ગણી રહ્યા છે અને તેમના નામનાં વધુ ને વધુ કૌભાંડ બહાર આવી રહ્યાં છે. સામા છેડે અર્બુદા સેના દ્વારા પણ આ તમામ પ્રકારના આરોપ પાયાવિહોણા હોવાના પુરાવા રજૂ કરી મહેસાણા કોર્ટમાં વિપુલ ચૌધરીના જામીન માટે અરજી કરવામાં આવી છે. આવા સંજોગોમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા આ બંને નેતાને 6 ઓક્ટોબરના રોજ મહેસાણા કોર્ટ ખાતે હાજર રહેવા હુકમ કરાયો છે.

વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા મોઢવાડિયા-વાઘેલાએ ભલામણ કરી હતી
કોંગ્રેસના તત્કાલીન પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને તત્કાલીન વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ વિપુલ ચૌધરીને એન.ડી.ડી.બી.ના ચેરમેન બનાવવા માટે ભલામણ કરી હતી. આમ, ભલામણ કરવા બદલ સાક્ષી તરીકે હાજર રહી અને નિવેદન આપવા માટે મહેસાણા કોર્ટના સરકારી વકીલ મારફત આ બંને નેતાને સમન્સ મોકલી હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

વિપુલ ચૌધરીને વધારે ફસાવવા માટે સરકારનું આયોજન હોઈ શકે- અર્જુન મોઢવાડિયા
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે મહેસાણા કોર્ટમાંથી સરકારી વકીલ મારફત સમન્સ મળ્યું છે. આ સમન્સની અંદર સાક્ષી તરીકે હાજર રહેવા માટે બોલાવ્યા છે. સમન્સ આપવા પાછળ કારણ એ હોઈ શકે કે વિપુલ ચૌધરીને વધારે ફસાવવા માટે સરકારનું આયોજન હોઈ શકે છે. અમે પશુપાલકો અને સહકારી કક્ષાએથી ભલામણ કરીને વિપુલ ચૌધરીને રાષ્ટ્રીય કક્ષાએ ઉપયોગ થવો જોઈએ એવી અમે ભલામણ કરી હતી.

મહેસાણા ખાતે સાક્ષી હુંકાર મહાસભાનું આયોજન
જે દિવસે આ બંને નેતાને કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહીને નિવેદન આપવા માટે બોલાવાયા છે એ દિવસે મહેસાણા ખાતે દૂધ સાગર ડેરી રોડ પર આવેલા મા અર્બુદા ભવન કેમ્પસ ખાતે મોટી સંખ્યામાં લોકોને હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય એ માટે સાક્ષી હુંકાર મહાસભાના શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સરકારની નીતિ સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો પણ આ આયોજનમાં હાજર રહે એવી સંભાવના છે.

સહકારી આગેવાનોને તોડી પાડવાની નીતિ સામે વિરોધ યથાવત્ રહેશે
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સહકારી માળખું ભાંગવાની અને સહકારી આગેવાનો ઊભા થાય તેને તોડી નાખવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે એની માટે અમારો વિરોધ છે. સહકારી ક્ષેત્રમાં સભ્યોનો કબજો હોવો જોઈએ, એને બદલે ભાવ નક્કી કરે એ જ ચેરમેન થાય અને જે વિરોધ કરે તેને જેલમાં જવાનો વારો આવે છે આવી નીતિ સામે વિરોધ યથાવત્ રહેશે.

અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ ડો. અમૃતા પટેલ માટે ભલામણ કરી હતી
આ પહેલાં પણ દેશના જે-તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ શંકરસિંહ બાપુને રૂબરૂ બોલાવી એન.ડી.ડી.બી.ના ચેરપર્સન તરીકે સ્વ. એચ.એમ. પટેલની સુપુત્રી ડૉ. અમૃતા પટેલ માટે અભિપ્રાય મગાવ્યો હતો. એ વખતે શંકરસિંહ વાઘેલાએ પોતાનો અભિપ્રાય આપી ભલામણ કરી હતી. આ કિસ્સામાં પણ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ એન.ડી.ડી.બી.ના ચેરમેન તરીકે વિપુલ ચૌધરીને કમાન સોંપવા માટે ભલામણ કરી હતી. એવા મુદ્દાનો ઉલ્લેખ સાક્ષી હુંકાર મહાસભા માટે છપાવેલા પેમ્ફલેટની અંદર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...