કોરોનાની બીજી શરૂ થતાં સરકાર દ્વારા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, જેમાં બાગબગીચા, થિયેટર, મોલ, હોટલ, રેસ્ટોરાં વગેરેને બંધ રાખવા આદેશ આપ્યો હતો, એ એક બાદ એક તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં છે. ત્યારે હવે થિયેટર શરૂ કરવા પણ મંજૂરી આપી છે, પરંતુ 2 મહિના કરતાં વધુ સમય થિયેટર બંધ રહ્યાં હોવાથી અચાનક જ શરૂ કરી શકાય એમ નથી, જેથી તમામ વ્યવસ્થા સાથે જુલાઈ મહિનામાં પ્રથમ સપ્તાહમાં થિયેટર શરૂ કરવામાં આવશે.
તમામ વ્યવસ્થા ફરીથી ઊભી કરી થિયેટર શરૂ થશે
સરકાર દ્વારા 27 જુલાઈથી 50 ટકાની કેપેસિટી સાથે થિયેટર શરૂ કરવા મંજૂરી આપી છે. 2 મહિના કરતાં વધુ સમય થિયેટરો બંધ રહ્યા હતા, જેને કારણે મોટા ભાગના થિયેટરોમાં સ્ટાફ નથી, સાફસફાઈ બાકી છે, ટેક્નિકલ સમસ્યા છે. આ તમામ વ્યવસ્થા ફરીથી ઊભી કરીને થિયેટર શરૂ કરવામાં આવશે. તમામ સુવિધા ઊભી થાય એ બાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં થિયેટર તમામ ગાઈડલાઇન્સ પાલન સાથે શરૂ કરવામાં આવશે, એવો નિર્ણય મલ્ટિપ્લેક્સ એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
15 જુલાઈ બાદ હિન્દી ફિલ્મ આવશે
મલ્ટિપ્લેક્સ એસોસિયેશનના મેમ્બર રાકેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 2 મહિના બાદ સરકાર દ્વારા થિયેટર ફરીથી શરૂ કરવા મંજૂરી આપવા આવી છે. 27 જૂનથી થિયેટર શરૂ કરવાની પરવાનગી મળી છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તાત્કાલિક કોઈ થિયેટર ખોલી શકાય તેમ નથી. અમે સોમવારે ગુજરાતી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર વંદન શાહ સાથે બેઠક કરીશું, એ બાદ તમામ વ્યવસ્થા સાથે થિયેટર ખોલીશું. થિયેટર ખોલ્યા બાદ શરૂઆતનાં 2 અઠવાડિયાં ગુજરાતી અને ઈંગ્લિશ ફિલ્મ જ ચાલુ કરવામાં આવશે. 15 જુલાઈ બાદ હિન્દી ફિલ્મ આવશે ત્યારે ચાલુ કરાશે.
ગુજરાતમાં મલ્ટિપ્લેક્સનું ટર્નઓવર ખોરવાયું છે
ગુજરાત મલ્ટિપ્લેક્સ એસો.ના ઉપપ્રમુખે વધુમાં કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે 2 વર્ષમાં અંદાજે રૂ.2થી 3 હજાર કરોડનું નુકસાન થયું છે અને અમે આમ જ નુકસાન ભોગવી રહ્યા છીએ. નફો થતો નથી, જેનાથી મલ્ટિપ્લેક્સનું ટર્નઓવર ખોરવાયું છે. હાલ મલ્ટિપ્લેક્સ શરૂ થશે કે કેમ એ અંગે અસમંજસ છે. હાલ જૂનાં મૂવી બતાવવા પડે એવી સ્થિતિ હોવાથી પ્રેક્ષકો આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. આ રવિવારે તો કોઈ થિયેટર શરૂ થવાનું નથી અને થશે તો એ પણ જુલાઈના પહેલા- બીજા વીકથી.
કેવા નિયમોનું પાલન કરવું પડશે ?
થિયેટરોમાં દર્શકો માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત
SOP અનુસાર, સિનેમાં હોલની અંદર એસીનું ટેમ્પરેચર 23-30 ડીગ્રી પર રાખવું પડશે. શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે. પેકેટ્સ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ મલ્ટિપ્લેકસ ટિકિટ ઓનલાઈન બુક થાય તો વધારે સારું છે. જોકે સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં ટિકિટ માટે વધારે વિન્ડો ખોલવી પડશે. થિયેટર-માલિકાએ દરેક શો બાદ એની સફાઈ કરવી પડશે. એના માટે સ્ટાફના યોગ્ય PPE કિટ અને બૂટ ઉપલબ્ધ કરાવવા પડશે. થિયેટરોમાં દર્શકો માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.