તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂપેન્દ્રસિંહ વાયદામંત્રી કે શિક્ષણમંત્રી?:10 દિવસ પહેલાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી, પણ અમલ નહીં, વાલી એકતા મંડળનો આક્ષેપ-સંચાલકોને વહાલી થવા સરકાર પરિપત્ર જાહેર કરતી નથી

અમદાવાદ23 દિવસ પહેલા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ફાઈલ તસવીર.
  • કેટલીક સ્કૂલોએ પ્રથમ સત્રની તો કેટલીક સ્કૂલોએ 3 મહિનાની ફી ઊઘરાવી
  • સરકાર વાલીઓને લોલીપોપ આપી રહી છેઃ ગુજરાત વાલી એકતા મંડળ

કોરોના મહામારીને કારણે રાજ્યમાં સવા વર્ષથી સ્કૂલો બંધ છે, જેને પગલે હાલ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોરોનાને કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, જેને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલ ફીમાં 25 ટકા ઘટાડો કરવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીની જાહેરાત માત્ર જાહેરાત પૂરતી જ રહી છે, હજુ સુધી 25 ટકા ફી ઘટાડાનો અમલ કરવામાં આવ્યો નથી. સ્કૂલોએ પ્રથમ સત્રની ફી પણ ઊઘરાવી દીધી છે.

પરિપત્ર જાહેર ન કરતાં સ્કૂલ-સંચાલકો ફી ઉઘરાવવા લાગ્યા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ થોડા દિવસ અગાઉ તમામ વિદ્યાર્થીઓની ફીમાં 25 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કર્યાને 10 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી, જેનો સીધો ફાયદો ખાનગી સ્કૂલો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈપણ પરિપત્ર ના હોવાને કારણે સ્કૂલોએ નિયત કરેલી ફી ઉઘરાવવાની શરૂઆત કરી છે. વાલીઓ પણ ફરિયાદ કરવા DEO કચેરી જાય ત્યારે ફરિયાદની જગ્યાએ જે વાલીની ફરિયાદ હોય એનું પૂરતું નિવારણ લાવવામાં આવે છે.

અગાઉ પણ ફી મામલે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો ( ફાઈલ ફોટો)
અગાઉ પણ ફી મામલે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો ( ફાઈલ ફોટો)

પરિપત્ર ન થયો હોવાનું કહી વાલીઓને રવાના કરે છે
જ્યારે કેટલીક સ્કૂલોએ પ્રથમ સત્રની તો કેટલીક સ્કૂલોએ 3 મહિનાની ફી ઊઘરાવી છે. સ્કૂલોમાં વાલીઓ દ્વારા ફી માફી માટે કહેવામાં આવે ત્યારે તેમને પરિપત્ર આવ્યા બાદ ફી માફી માટે જણાવી દેવામાં આવે છે. શિક્ષણમંત્રી સ્કૂલ-સંચાલકોને સાચવવામાં વાલીઓને ફી માફીનો આપેલો વાયદો ભૂલી ગયા છે, જેને કારણે ખાનગી સ્કૂલો બેફામ બની ફી ઊઘરાવી રહી છે.

DEO ઓફિસે ફરિયાદ આવે છે, પરંતુ DEO કાર્યવાહી કરવાને બદલે નિવારણ કરે છે.
DEO ઓફિસે ફરિયાદ આવે છે, પરંતુ DEO કાર્યવાહી કરવાને બદલે નિવારણ કરે છે.

એક રાજ્ય પણ બે જિલ્લામાં નિયમ અલગ-અલગ
કેટલીક સ્કૂલોએ FRCમાં ફી વધારા માટેની દરખાસ્ત કરી છે, જેથી આ દરખાસ્ત પ્રમાણેની ફી ઉઘરાવામાં આવી રહી છે. જામનગર DEO દ્વારા દરખાસ્ત પ્રમાણેની પણ ફી લેવા માટે પરવાનગી આપવામાં આવી નથી ત્યારે અમદાવાદમાં દરખાસ્ત પ્રમાણે ફી લેવા માટે મંજૂરી આપવામાં આવી છે. એક જ રાજ્ય હોવા છતાં બે DEOના અલગ અલગ નિયમો છે. શહેરમાં ફી વધારાની DEO ઓફિસે ફરિયાદ આવે છે, પરંતુ DEO દ્વારા કાર્યવાહી કરવાને બદલે નિવારણ કરવામાં આવે છે.

ગત વર્ષે ફી માફી આપી પણ ઘણી સ્કૂલોએ ફી માફ ન કરી
આ મામલે ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગત વર્ષે પણ ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ઘણી સ્કૂલોએ ફી માફ કરી નહોતી. આ વર્ષે પણ ફી માફીની માત્ર જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રીની જાહેરાત બાદ કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી, જેથી સ્કૂલો દ્વારા પૂરી ફી વસૂલવામાં આવી રહી છે. સરકાર વાલીઓને લોલીપોપ આપી રહી છે, જ્યારે સંચાલકોને વહાલી થવા હજુ પરિપત્ર જાહેર કરતી નથી, જેનો ફાયદો સંચાલકો ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...