રાષ્ટ્રીય શાયરની જન્મજયંતી:રાજ્યની સરકારી અને ખાનગી યુનિ.ઓને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી ઉજવવા આદેશ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • 24 ઓગસ્ટે જવેરચંદ મેઘાણી દ્વારા રચાયેલી કવિતાઓનું વિદ્યાર્થીઓ પઠન કરશે
  • પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે ઈનામ આપવામાં આવશે

ભારતમાં અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમ થઇ રહ્યા છે ત્યારે હવે સરકારી અને ખાનગી તમામ યુનિવર્સિટીઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી ઉજવવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને પણ જોડવા અંગે જણાવવામાં આવ્યું છે.

24 ઓગસ્ટે ઝવેરચંદ મેઘાણીની કવિતાઓનું પઠન
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીથી નિયામકે તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે પરિપત્ર જાહેર કરીને અઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી ઉજવવા આદેશ કર્યો છે.યુનિવર્સિટી તેને સંલગ્ન કોલેજોમાંથી સ્પર્ધકોને આમંત્રિત કરીને 24 ઓગસ્ટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દ્વારા રચવામાં આવેલી કવિતાઓનું પઠન કરવાની સ્પર્ધાઓ આયોજન કરવાનું રહેશે. જેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને ઇનામ આપવાનું રહેશે.

સ્પર્ધકોમાંથી પહેલા ત્રણને અપાશે ઈનામ
યુનિવર્સિટીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે 26 ઓગસ્ટે કે.સી.જી. કચેરી ખાતે નોડલ ઓફિસરની હાજરીમાં મોકલવાના રહેશે. રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે 15,000 અને 11,000 અને 5000 આપવામાં આવશે.