તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુકનની ખરીદીનો ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરામાં 21 કરોડના સોના-ચાંદીના વેચાણનો અંદાજ, રાજકોટ, અમદાવાદ, સુરતમાં ખરીદીમાં 50 ટકા જેટલો ઘટાડો, લોકોએ શુકન સાચવવા થોડી-ઘણી ખરીદી કરી

અમદાવાદ5 મહિનો પહેલા

કોરોના મહામારી વચ્ચે દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઇ છે. ખાસ કરીને ધનતેરસના દિવસે શુકનનું સોનું ખરીદવાનો મહિમા છે,ત્યારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં લોકોએ સોના-ચાંદીની ખરીદી કરી શુકન સાચવ્યું હતું. આ અંગે DivyaBhaskarએ ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો એક ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. વડોદરામાં ધનતેરસના દિવસે રૂપિયા 18 કરોડનું સોનું અને રૂપિયા 3 કરોડની ચાંદી વેચાય એવી શક્યતા છે. તેમાં પણ ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં ધનતેરસે વધુ સોના-ચાંદીનું વેચાણ થાય એવી સંભાવના છે. શુકનનું સોનું ખરીદવા વડોદરાવાસીઓએ જ્વેલર્સના શો-રૂમ અને સોનીબજારમાં ભીડ જમાવી હતી, જેને પગલે સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો. જ્યારે સુરત, અમદાવાદ અને રાજકોટમાં સોના-ચાંદીની ખરીદીમાં 50 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

કોરોનાના કારણે દરેક બજારમાં મંદીની અસર: જ્વેલર્સ ગણદેવીકર
કોરોનાના કારણે દરેક બજારમાં મંદીની અસર: જ્વેલર્સ ગણદેવીકર

વડોદરાઃ 18 કરોડનું સોનું અને 3 કરોડની ચાંદીના વેચાણનો અંદાજ
વડોદરાના જાણીતા ગણદેવીકર જ્વેલર્સના માલિક ગિરીશભાઈ ગણદેવીકરે જણાવ્યું હતું કે કોરોનાના કારણે દરેક બજારમાં મંદીની અસર જોવા મળી રહી છે. રાત સુધીમાં વડોદરામાં સોનું-ચાંદી મળીને 20થી 21 કરોડ રૂપિયાનું વેચાણ થાય તેવી શક્યતાઓ છે, જેમાં સોનું રૂપિયા 18 કરોડ અને ચાંદી રૂપિયા 3 કરોડનું વેચાય એવો અંદાજ છે. ગુરુપુષ્ય નક્ષત્ર કરતાં આજે ધનતેરસમાં વધુ વેચાણ થાય એવું સવારથી છૂટેલી ઘરાકી પરથી જણાય છે.

ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં આજે સોનાના ભાવમાં એક હજારનો ઘટાડો
ગણદેવીકર જ્વેલર્સના માલિક ગિરીશભાઈ ગણદેવીકરે વધુમાં જણાવ્યું કે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં સોનાના ભાવમાં રૂપિયા 1000નો ઘટાડો છે, એટલે કે આજે સોનાનો પ્રતિ તોલાનો ભાવ રૂપિયા 53 હજાર છે, જ્યારે ચાંદીના ભાવમાં કોઇ વધ-ઘટ નથી. આજે(12 નવેમ્બર) ચાંદી પ્રતિ કિલોનો ભાવ રૂપિયા 67 હજાર છે. ધનતેરસના દિવસે લોકોનો શુકન માટે ચાંદીના સિક્કા, સોનાની ચીજવસ્તુઓ ખરીદવાનો ટ્રેન્ડ હોય છે. મોટા ભાગના લોકો ધનતેરસના દિવસે સોનાની લગડી ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે. સવારથી સોનીબજારમાં ઘરાકી હોવાથી વેપારીઓ ખુશ છે.

ગ્રાહકો સોનાની લગડી અને ચાંદીના સિક્કા ખરીદી રહ્યા છે
ગ્રાહકો સોનાની લગડી અને ચાંદીના સિક્કા ખરીદી રહ્યા છે

ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં ધનતેરસે ઘરાકી સારી છે
રાધે જ્વેલર્સના માલિક જયેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું હતું કે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં આજે ધનતેરસના દિવસે ઘરાકી સારી છે. નાના-મોટા તમામ જ્વેલર્સનાં શોરૂમો અને દુકાનોમાં ગ્રાહકો સોનાની લગડી અને ચાંદીના સિક્કા ખરીદી રહ્યા છે. ધનતેરસના દિવસે શુકનનું સોનું ખરીદવાનો મહિમા હોવાથી લોકો એક હજાર રૂપિયાથી લઇને પોતાની કેપિસિટી પ્રમાણેનું સોનું ખરીદી કરે છે. આજે ધનતેરસના દિવસે લોકો આગામી શરૂ થતા લગ્નસરા માટે પણ સોનું-ચાંદીને ખરીદે છે એવા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે આજે ધનતેરસના દિવસે માત્ર લોકો શુકનનું સોનું-ચાંદીની ખરીદી કરે છે. લગ્ન માટેની ખરીદી લાભ પાંચમ પછી શરૂ થશે. આજે ઘરાકી નીકળતાં નાના-મોટા વેપારીઓ ખુશ છે.

મંદીને કારણે રાજકોટમાં પણ જોઈએ તેટલું વેચાણ થઈ રહ્યું નથી
મંદીને કારણે રાજકોટમાં પણ જોઈએ તેટલું વેચાણ થઈ રહ્યું નથી

રાજકોટઃ કોરોના વચ્ચે પણ લોકોએ સોનું ખરીદી શુકન સાચવ્યું, ભાવ ઘટતાં ધનતેરસ-દિવાળીનાં 50 ટકા બુકિંગ
રાજકોટની વાત કરીએ તો સોનીબજારમાં સોનું ખરીદવા દર વર્ષ કરતાં આ વખતે ઓછી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના બજેટ પ્રમાણે નાની-મોટી ખરીદી કરી રહ્યા છે અને શુકન સાચવી રહ્યા છે. સોનાના ભાવ ઘટતાં ધનતેરસ અને દિવાળીનાં 50 ટકા બુકિંગ થયાં છે. મંદીને કારણે જોઈએ તેટલું વેચાણ થઈ રહ્યું નથી. રોકાણકારો પણ સોનું ખરીદવા માટે વિચાર કરી રહ્યા છે, પણ વેપારીઓનું કહેવું છે કે કોરોના વચ્ચે પણ ધનતેરસના દિવસે લોકોએ સોનું ખરીદી શુકન સાચવ્યું છે, જે ખૂબ સારી વાત છે.

કોરોનાને લઈને નવ મહિના સોનીબજારનો ધંધો બંધ હતો
કોરોનાને લઈને નવ મહિના સોનીબજારનો ધંધો બંધ હતો

ભલે ઓછું બજેટ હોય, પણ ગ્રાહકો શુકન સાચવે છેઃ ગોલ્ડ એસો.ના પ્રમુખ
ગોલ્ડ એસોસિયેશન રાજકોટના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાને લઈને નવ મહિના સોનીબજારનો ધંધો બંધ હતો, પરંતુ પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ ખાસ આજના દિવસથી સવારથી ગ્રાહકો આવી રહ્યા છે. ઘરાકી નીકળતાં વેપારીઓમાં જીવમાં જીવ આવ્યો છે અને ખરીદી પ્રમાણમાં સારી છે. ગ્રાહકોનું બજેટ ભલે ઓછું હોય, પણ શુકન સાચવે છે. નાની વીંટી અને સોના-ચાંદીના સિક્કા લઈ રહ્યા છે. પ્રમાણમાં સારી ખરીદી થઇ રહી છે.

કોરોનાને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છેઃ ગ્રાહક
સોનાની ખરીદી કરનાર રશ્મિ મહેતાએ જણાવ્યું હતું કે કોવિડ-19ને કારણે જે લોકો 2-3 લાખની ખરીદી કરતા હોય છે એ લોકો આ વખતે માંડ 50 હજાર રૂપિયાની આસપાસ ખરીદી કરી રહ્યા છે. એટલે બજારમાં કોરોનાને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

લોકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છેઃ વેપારી
સોનાના વેપારી રિતેશ પાલાના જણાવ્યા અનુસાર, સોનું ખરીદવા માટે લોકોનો અત્યારે સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. આજનો ભાવ 50 હજાર 700 રૂપિયા છે. લોકો આ વખતે સોનાની બૂટી અને ચેનની ખરીદી કરી રહ્યા છે, પણ ખરીદીને લઈને લોકોને સારોએવો રિસ્પોન્સ મળી રહ્યો છે. સોનીબજારના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગત વર્ષ કરતાં આ વર્ષે સોના-ચાંદીમાં 50 ટકા જેટલું જ બુકિંગ થયું છે, જેને લઈને આ વખતે સોની-વેપારીઓને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીનાં ઘરેણાં બનાવડાતા હોય છે તે લોકો આ વખતે મુહૂર્ત સાચવવા માટે નાની-મોટી ખરીદી કરી રહ્યા છે.

વહેલી સવારથી જ બજારમાં ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે
વહેલી સવારથી જ બજારમાં ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે

સુરતમાં ધનતેરસે ખરીદી માટે જ્વેલરી બજારમાં ગ્રાહકોનો ધસારો, ખરીદી પર ગ્રાહકોએ 50 ટકા કાપ મુક્યો

દિવાળીના દિવસોની શરૂઆત થઈ ચૂકી છે. લોકો દિવાળીના પર્વની ઉજવણી કરવા માટેની તૈયારીઓ હાલ કરી રહ્યા છે. તેવામાં આજ રોજ દિવાળીના ખાસ પર્વ એવા ધનતેરસને લઈ લોકો સોના-ચાંદીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

ગ્રાહકો દ્વારા ચાંદીના સિક્કા, ગીની તેમજ સોનાની ખરીદી
પુષ્ય નક્ષત્ર દરમિયાન વેપારીઓને જોઈએ તેવો વેપાર મળ્યો ન હતો પરંતુ આજે ધનતેરસના દિવસ નિમિત્તે વહેલી સવારથી જ બજારમાં ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો દ્વારા ચાંદીના સિક્કા, ગીની તેમજ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. જોકે, દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખરીદીમાં કાપ ચોક્કસથી ગ્રાહકોએ મુક્યો છે. જ્યાં ગ્રાહકો દ્વારા પંચાસ ટકા ખરીદીમાં કાપ મુકાયો છે. બીજી તરફ સોનાના ભાવમાં પણ મહદ અંશે ઘટાડો થતાં ગ્રાહકોએ હોંશે હોંશે ખરીદી કરી છે.

ખરીદીમાં ઘટાડો કરી ગ્રાહકો મુહૂર્ત સાચવી રહ્યા છે
જ્વેલર્સ દિપકભાઈએ જણાવ્યું હતું કે, ધનતેરસનું સવારમાં મુહૂર્ત હતું. જેથી સવારથી ગ્રાહકોનો ઘસારો સતત જોવા મળી રહ્યો છે. ધનતેરસ પર લોકોની ખરીદી ફિક્સ હોય છે અને ખરીદી કરી મુહૂર્ત સાચવતા હોય છે. લગ્નના ઘરેણાનું બુકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે થતી ખરીદીમાં આ વર્ષે ઘટાડો આવ્યો છે. જે 100 ગ્રામ લેતા હતા તે 50 ગ્રામ લઈ રહ્યા છે. લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવી રહ્યા છે અને મુહૂર્ત સાચવી રહ્યા છે. દર વર્ષે લોકો અગાઉથી બુકિંગ કરાવતા હતા. જોકે, આ વર્ષે ભાવના અવઢવના કારણે બુકિંગનું પ્રમાણ ઓછું છું. ગત વર્ષ કરતા આ વર્ષે 50 ટકા ઘટાડો લાગી રહ્યો છે.

ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ પણ સારી
દેવાંશી(ગ્રાહકે) જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગ હોવાથી ધનતેરસનું મુહૂર્ત માટે ખરીદી કરવા પરિવાર સાથે આવ્યા છીએ. હું દર વર્ષે ચાંદીની સિક્કો અને દાગીનાની ખરીદી કરું છું. સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે એટલે એક બે વસ્તુની ખરીદી કરવાની ઈચ્છા છે. અત્યારે દાગીનાના ટ્રેન્ડ પ્રમાણે, ચોકર વધારે ચાલે છે. ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ પણ સારી છે.

દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધનતેરસને લઈ સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો
દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધનતેરસને લઈ સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો

અમદાવાદીઓએ સવારથી સોના-ચાંદીની ખરીદી શરૂ કરી, સોના-ચાંદી મોંઘા હોવાથી ખરીદીમાં ઘટાડો થયો
ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાનું મહત્વ છે. જે આજે પણ કાયમ જોવા મળી રહ્યું છે.દરમ્યાન ધનતેરસના દિવસે સોનાની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. જેના પગલે અમદાવાદના જ્વેલર્સ બજારમાં વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી જોવા મળી રહી છે.જો કે દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધનતેરસને લઈ સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો હોવાનું જ્વેલર્સના વેપારી જણાવી રહ્યા છે. પુષ્યનક્ષત્રના દિવસે ખરીદી બાદ આજે ધનતેરસના દિવસે પણ સવારથી ગ્રાહકો આવે છે.

બપોરના 12 વાગ્યા સુધી ખરીદીનો માહોલ
ચાંદખેડાના જૈન જવેલર્સના માલિક દીક્ષિત સોનીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી થતી હોય છે જેને લઈ સવારથી ગ્રાહકો આવી રહ્યા છે. વહેલી સવારથી જ દુકાન ખોલી દેવામાં આવી હતી. બપોરના 12 વાગ્યા સુધી ખરીદીનો માહોલ જોવા મળે છે. આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 51500 છે જ્યારે ચાંદીનો પ્રતિ 10 ગ્રામ 600 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે.

સોના-ચાંદીના ભાવ વધુ છે પણ થોડું સોનુ કે ચાંદી લેવું પડેઃ ગ્રાહક
ગ્રાહક અનિતાબેને જણાવ્યું હતું કે આજે ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીનું અનેરું મહત્વ હોય છે જેથી આજે અમે ખરીદી કરવા આવ્યા છીએ. સોના- ચાંદીના ભાવ વધુ છે પરંતુ થોડું સોનુ કે ચાંદી લેવું પડે માટે આજે લોકો ખરીદી કરવા જવેલર્સના ત્યાં જતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો