ગત વર્ષે ઓગસ્ટ માસમાં કોરોના જ્યારે ચરમસીમાએ હતો ત્યારે અમદાવાદ ખાતે સોનાનો 10 ગ્રામદીઠ ભાવ પણ 58,000 અને ચાંદીનો કિલોદીઠ ભાવ રૂ. 73,000ની સર્વોચ્ચ સપાટીએ સ્પર્શી ગયો હતો, પરંતુ છેલ્લા એક વર્ષમાં સોનું એની સર્વોચ્ચ સપાટીથી રૂ. 9600, એટલે કે 20 ટકા સસ્તું થઇને રૂ. 48,400 અને ચાંદી રૂ. 7,500, એટલે કે 26 ટકા સસ્તી થઈ રૂ. 65,500ની સપાટી સુધી નીચે ઊતરી ગઈ છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લાં 12 વર્ષમાં સોનામાં સૌથી નીચું અને સૌથી વધુ નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે.
સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે સોના-ચાંદી અને શેરબજારોની ચાલ એકબીજાથી વિપરીત રહેતી હોય છે. એ માન્યતા છેલ્લા એક વર્ષ માટે સાચી હોય એમ બીએસઇ સેન્સેક્સ છેલ્લા એક વર્ષ દરમિયાન 16,362 પોઇન્ટના ઉછાળા સાથે 54,402 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ 43.05 ટકા વધી ગયો છે. 7 ઓગસ્ટ-2020ના રોજ સોનું રૂ. 58,000 અને ચાંદી રૂ. 73,000ની ટોચે રમતાં હતાં ત્યારે સેન્સેક્સ 38,041 પોઇન્ટની સપાટીએ હતો, પરંતુ છેલ્લા એક વર્ષમાં સોના-ચાંદીમાં મંદીની સામે જ્યારે શેરબજારોમાં એનાથી વિપરીત તેજીની ચાલ જોવા મળી છે. ટૂંકમાં છેલ્લા એક વર્ષ દરમિયાન મૂડીરોકાણની દૃષ્ટિએ સોના-ચાંદીમાં નેગિટિવ, જ્યારે શેરબજારોમાં પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે.
છેલ્લાં પાંચ વર્ષમાં સોના-ચાંદીમાં રિટર્ન
વિગત | સોનું | ચાંદી | ||||
વર્ષ | ખૂલી | બંધ | તફાવત (ટકામાં) | ખૂલી | બંધ | તફાવત (ટકામાં) |
2017 | 28300 | 30500 | 7.77 | 39000 | 39500 | 1.28 |
2018 | 30600 | 32650 | 30.06 | 39500 | 38600 | -2.28 |
2019 | 32600 | 40400 | 23.94 | 38600 | 47500 | 23.06 |
2020 | 40300 | 51800 | 28.54 | 47000 | 67500 | 43.62 |
2021 | 48800 | 48400 | -0.82 | 70000 | 65500 | -6.43 |
દોઢથી બે વર્ષનો દૃષ્ટિકોણ રાખી સોનામાં રોકાણ થઈ રહ્યું છે
જો તમે રોકાણ કરવા ઈચ્છો છો તો દોઢથી બે વર્ષનો દૃષ્ટિકોણ રાખી સોનામાં રોકાણ કરો. આગામી દોઢ-બે વર્ષમાં તે 54000-55000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું લેવલ બતાવી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘવારી વધવાનું જોખમ હજુ યથાવત્ છે. એ ક્યાંક ને ક્યાંક સોના-ચાંદીની કિંમતને સપોર્ટ કરે છે. - અજય કેડિયા, બુલિયન નિષ્ણાત.
સેન્સેક્સમાં 43% ઉછાળા સામે સોનું 20%, ચાંદી 27% તૂટ્યાં
વિગત | 7-8-2020 | 9-8-2021 | તફાવત | ટકા |
સોનું(999) | 58000 | 48400 | -9600 | -19.83 |
ચાંદી ચોરસા | 73000 | 65500 | -17500 | -26.71 |
સેન્સેક્સ | 38041 | 54403 | 16362 | 43.05 |
શેરબજારના રોકાણની અસર: સોનું ઘટી રૂ. 45,500 થઈ શકે છે
કોરોનાની બીજી લહેર પછી દેશ અને દુનિયાની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થયો છે. એને કારણે રોકાણકારો ફરી શેરબજારો તરફ વળી રહ્યા છે, એનાથી સોના-ચાંદી પર વેચવાલીનું પ્રેશર સર્જાયું હોવાનું નિષ્ણાત મનોજકુમાર જૈનનું કહેવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.