હત્યાનો બનાવ:અમદાવાદના નરોડામાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ગોધરાકાંડના આરોપીની જાહેરમાં હત્યા, મૃતક પેરોલ પર હતો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાત્રિ કર્ફ્યૂ દરમિયાન હત્યાનો બનાવ - Divya Bhaskar
રાત્રિ કર્ફ્યૂ દરમિયાન હત્યાનો બનાવ
  • મૃતક એક મહિના પહેલા જ પેરોલ રજા લઈ ઘરે આવ્યો હતો.
  • નરોડા વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂના અમલ સામે સવાલો ઉભા થયા.

શહેરના નરોડા પોલીસની હદમાં આવતાં કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવેલા સંજયનગરના છાપરા પાસે બે શખ્સોએ શનિવારે રાત્રિ કર્ફ્યૂ વચ્ચે ગોધરાકાંડના આરોપી યુવક સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો હતો. ઉગ્ર બોલાચાલીમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની સરાજાહેરમાં હત્યા કરી નાખી હતી. મૃતક એક મહિના પહેલા જ પેરોલ રજા લઈ ઘરે આવ્યો હતો અને ઝઘડા દરમિયાન તેની હત્યા કરી નાખવામાં આવી છે. નરોડા પોલીસે બંને શખ્સોના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી બંન્નેની ધરપકડ કરી હતી. કોરોનાના કારણે રાત્રિ કર્ફ્યુની નરોડામાં કડક અમલવારી સામે સવાલ ઉભા થયા છે.

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન હત્યાનો બનાવ
નરોડાના સૈજપુર બોઘા પાસે આવેલા સિકોતર ચોકમાં રહેતા રાજુભાઈનો નાનો ભાઈ નવાબ ઉર્ફે કાલુ ભૈયા ઠાકુર તેમની માતા સાથે સૈજપુર ખાતે જ રહે છે. શનિવારે રાતે રાજુભાઈ ઘરે સુતા હતા ત્યારે તેમને ફોન આવ્યો હતો કે નવાબ ઉર્ફે કાલુ ભૈયાનું કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવેલા જયનગરના છાપરા પાસે ખુન થયેલુ છે. જેથી રાજુભાઈ તરત ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં જઈને જોયુ તો કાલુ ભૈયાના મોઢા અને શરીરના અન્ય ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા.

હત્યાનો બનાવ બન્યો તે જગ્યા
હત્યાનો બનાવ બન્યો તે જગ્યા

બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકને પતાવી દીધો
નવાબ લોહી લુહાણ હાલતમાં ત્યાં પડેલો હતો. સ્થાનિકો દ્વારા જાણવા મળ્યુ હતુ કે સંજયનગરના છાપરામાં રહેતા કમલેશ ચુનારા તથા એક સગીર યુવકે ભેગા મળીને નજીવી તકરારમાં ઝઘડો કરી કાલુભૈયા ઉર્ફે નવાબ સાથે મારઝુડ કરીને તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા છે.

પોલીસે હત્યાને ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લીધા
ઘટનાની જાણ નરોડા પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં પોલીસે સગીર યુવક સહિત બે વ્યક્તિ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ મૃતક ગોધરાકાંડનો આરોપી હતો તેમજ એક મહિના પહેલા પેરોલ રજા લઈ ઘરે આવ્યો હતો ત્યારે રાતે નજીવી બાબતે થયેલી તકરાર બાદ હત્યા કરી દેવાઈ હતી.