જીએલએસ કોલેજ બહાર અગાઉ થયેલા ઝઘડા-મારામારીની અદાવત રાખીને 10 જેટલાં યુવકોએ યુનિવર્સિટી પાસે મિત્રને મળવા આવેલા યુવકની ધોલાઈ કરી, અપહરણ કરીને કારમાં લઈ ગયા બાદ રસ્તામાં તેને માર્યો હતો. એક યુવકે તો અપહ્યત યુવકને છરી બતાવી ખરાબ કૃત્ય કરવાનો પ્રયાસ કરી વિડીયો ઉતારી લીધો હતો.
જમાલપુર મહાજનના વંડામાં રહેતો નિખિલ સરગરા(22) ઈદગાહ સર્કલ ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. 4 જાન્યુઆરીએ બપોરે નિખિલને તેની ફ્રેન્ડ દિયાએ મળવા બોલાવતાં તે કોલેજથી દિયાને મળવા જોગર્સપાર્ક ગયો હતો. બપોરે 1 વાગે નિખિલ અને દિયા ત્યાં બેઠા હતા, ત્યારે વિવેક પ્રજાપતિ, અભિષેક અને અન્ય 8-10 યુવકોએ આવ્યા હતા. જેમાંથી વિવેકે નિખિલને માથામાં લાકડી મારી હતી, જ્યારે બીજા યુવકોએ નિખિલને ગડદાપાટુ માર્યું હતું.
તેમનાથી બચીને નિખિલ કોમર્સ છ રસ્તા તરફ ભાગ્યો હતો, કારમાં પીછો કરી રહેલા હુમલાખોરોએ રસ્તામાં તેને રોકી છરી બતાવી કારમાં લઈ ગયા હતા. રસ્તામાં તમામે ભેગા મળીને નિખિલને ખૂબ માર્યો હતો. વિવેકે છરીની અણીએ નિખિલ સાથે ખરાબ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો અને હાથ-પગ જોડાવીને માફી મગાવી હતી.ત્યારબાદ નિખિલને શાહીબાગ ઘેવર સર્કલ પાસે કારમાંથી ઉતારી દીધો હતો, ત્યાંથી નિખિલ સારવાર માટે હોસ્પિટલ ગયો હતો.
આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પીઆઈ વી.જે.જાડેજાએ જણાવ્યું હતું કે, અગાઉ જીએસેલ કોલેજ બહાર કાર પાર્ક કરવા બાબતે વિવેક અને નિખિલને ઝઘડો થતાં મારામારી થઇ હતી, જેની અદાવત રાખીને વિવેકે તેના મિત્રો સાથે મળીને નિખિલને માર્યો હતો. 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.