વાઇબ્રન્ટ સમિટની તૈયારી:દુબઈ એક્સપોમાં આવનારી વૈશ્વિક કંપનીઓને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રિત કરાશે, મુખ્યમંત્રી એક્સપોની મુલાકાત લે એવી સંભાવના

અમદાવાદ2 મહિનો પહેલા
2019માં વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી.
  • દુબઈ એક્સપોમાં ગુજરાતનો એક સ્ટોલ પણ ઊભો થઈ શકે છે
  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટેની તૈયારીઓ કરવા અધિકારીઓને સૂચના અપાઈ
  • 2022માં જ ગુજરાત સરકાર હવે નેશનલ ડિફેન્સ એક્સપોનું યજમાનપદ સંભાળી શકે છે.

દેશમાં કોરોનાકાળમાં ધંધા-રોજગાર સહિતની બાબતોમાં બ્રેક વાગી ગઈ હતી, પરંતુ હવે ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે કોરોના ઓસરી રહ્યો હોવાના આંકડા સામે આવી રહ્યા છે. દેશમાં ફરીવાર જનજીવન સામાન્ય થાય અને ધંધા-રોજગારમાં વધારો થાય એ માટેનાં આયોજનો પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં ઉદ્યોગોની ગાડી ફરી પાટે ચડાવવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આગામી સમયમાં યોજવા માટેની તૈયારીઓ કરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે. એ ઉપરાંત આગામી ઓક્ટોબર મહિનામાં દુબઈ એક્સપો યોજાવાનો છે, જેમાં રાજ્યના ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રી પણ મુલાકાત લે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં મુખ્યમંત્રી દુબઈ જઈ શકે
હવે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી રૂપાણી ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાનારા દુબઈ એક્સપોની મુલાકાત લઈ શકે છે અને દુબઈ એક્સપોમાં ગુજરાતનો એક સ્ટોલ પણ ઊભો થઈ શકે છે. એક્સપોમાં એકત્ર થયેલા વૈશ્વિક ઉદ્યોગપતિઓ તથા સાહસિકોને મળીને વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં સામેલ થાય અને 2022માં જ ગુજરાત સરકાર હવે નેશનલ ડિફેન્સ એક્સપોનું યજમાનપદ સંભાળવાની છે, તેથી પણ ગુજરાતમાં સંરક્ષણ ઉત્પાદનો સાથે જોડાયેલા ઉદ્યોગો આવે એ નિશ્ચિત કરશે.

2022માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની તૈયારીઓની સૂચના અપાઈ.
2022માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની તૈયારીઓની સૂચના અપાઈ.

રૂપાણીનો પાંચ વર્ષમાં આ ત્રીજો વિદેશપ્રવાસ હશે
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના ઉદ્યોગ, ખાણ, ખનીજ, ટ્રાન્સપોર્ટ તથા પ્રવાસન વિભાગ દ્વારા મુખ્યમંત્રીના દુબઈ પ્રવાસ અંગેનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. જે વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવ માટેનું પ્રથમ પગલું હશે. રૂપાણીનો પાંચ વર્ષમાં આ ત્રીજો વિદેશપ્રવાસ હશે. અગાઉ તેઓ ઉઝ્બેકિસ્તાન તથા ઈઝરાયેલ ગયા હતા. ગુજરાતમાં કોરોના હવે ફકત હાજરી પૂરતો જ રહ્યો છે અને બીજાં રાજ્યોમાં કેસ વધ્યા છતાં ગુજરાતમાં કોઈ વધારો થયો નથી અને વેક્સિનેશન પણ ઝડપથી ચાલુ જ છે, તેથી મુક્ત બનશે એવો વિશ્વાસ છે. મુખ્યમંત્રી રૂપાણી હવે સમય ગુમાવવા માગતા નથી.

વૈશ્વિક કંપનીઓને વાઇબ્રન્ટમાં આવવા આમંત્રિત કરાશે
આગામી વર્ષના મધ્ય બાદ ચૂંટણીનો માહોલ તૈયાર થઈ જશે અને તેથી 2022ના પ્રથમ વર્ષમાં નવા ઉદ્યોગો માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવા યાત્રા તથા સૌપ્રથમ સક્ષમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજાશે, જેમાં આ વર્ષની થીમ ક્લીન, એનર્જી તથા ટૂરિઝમ હશે. તા.1 ઓકટો.ની દુબઈ એક્સપો યોજાવાનો છે, જેમાં હાજર વૈશ્વિક કંપનીઓને વાઈબ્રન્ટમાં આવવા આમંત્રિત કરાશે. આગામી વર્ષનો વાઈબ્રન્ટ અલગ લુકનો હશે અને એમાં વન ટુ વન મીટિંગો વધુ હશે. ઉચ્ચ બેક ટુ બેક ફરિયાદીએ નેશનલ ડિફેન્સ એક્સપો યોજવાની પણ સરકારની તૈયારી છે. ભારત સંરક્ષણ ઉત્પાદનમાં પગભર થવા લાગી છે, તેથી ગુજરાતને આ સારી તક છે. આ બન્ને આયોજનો મહાત્મા મંદિર ખાતે હશે અને ધોલેરા ‘સર’ ઝોનને હવે દોડતું કરવાની પણ યોજના છે.

વેબિનાર અને સેમિનાર કરવાની સૂચનાઓ અપાઈ
આ સમિટના ભાગરૂપે દેશનાં અલગ અલગ રાજ્યોનાં મોટાં મોટાં ઉદ્યોગગૃહો સાથે સંપર્કોની સાથે ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવા માટે ઉદ્યોગકારો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ ઉદ્યોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે. આ સમિટ માટે ઉદ્યોગ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તેમજ ઇન્ડેક્સબીના અધિકારીઓને મુલાકાત આયોજન, રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ વેબિનાર અને સેમિનાર કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગાંધીનગરમાં સચિવાલયના અધિકારીઓને તૈયારીઓ માટે સૂચના અપાઈ.
ગાંધીનગરમાં સચિવાલયના અધિકારીઓને તૈયારીઓ માટે સૂચના અપાઈ.

મૂડીરોકાણ અને ડેલિગેશન માટે પ્રચાર ઝુંબેશ શરૂ થઈ શકે
આ ઉપરાંત કોરોનાની બીજી લહેર ઓછી થતાં જ રાજ્ય સરકારે પણ ફાસ્ટટ્રેક મોડમાં અનેક વિકાસનાં કામોની સાથે નીતિવિષયક નિર્ણયો અને પ્રજાલક્ષી કામો શરૂ કરી દીધાં છે. ખાસ કરીને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતનાં વિકાસલક્ષી કામોમાં સીધા સહભાગી બની ઉદઘાટનો અને ખાતમુહૂર્ત કરી રહ્યાં છે. ગુજરાતમાં 2019 પછી સીધી જ ત્રણ વર્ષે યોજાઇ રહેલી સમિટમાં વિક્રમી મૂડીરોકાણ સાથે દેશ અને વિદેશનાં ઉદ્યોગજૂથો તેમજ બિઝનેસ ડેલિગેશન વધારે પ્રમાણમાં આવે એ માટે પ્રચાર ઝુંબેશ શરૂ થાય એવી સંભાવના છે.

એક ખાસ સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવ્યું
ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે વિદેશ સ્થિત બિનનિવાસી ભારતીય, વિદેશી કંપનીઓ– ઉદ્યોગજૂથો તેમજ વિદેશી ડેલિગેટસને આકર્ષવા માટે ગુજરાતના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓનાં વિવિધ પ્રતિનિધિમંડળોનું આયોજન કરવા તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. ઉદ્યોગકારોને વિવિધ પ્રકારની જમીન અંગેની માહિતી ઉપલબ્ધ કરવા માટે ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફેર્મેશન સિસ્ટમ નામનું સોફ્ટવેર ઇન્ડેક્સ–બી અને બાયસેગ દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત DPIIT દ્વારા સ્ટેટ રિફોર્મ એકશન પ્લાનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ સુધારાઓનું અમલીકરણ કરવામાં આવશે. આ સુધારાઓ સરકારના વિવિધ 19 વિભાગ સાથે સંબંધિત હશે.

અન્ય સમાચારો પણ છે...