ઓઢવની એક બેંકમાં રૂપિયા ભરવા ગયેલા યુવકને સ્લીપ ભરી આપી તેના ખાતામાં દોઢ લાખ જમા કરાવવાની લાલચ આપી તેની પાસેથી રૂ.50 હજાર લઈ જનાર બે ગઠિયા વિરુદ્ધ ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રખિયાલમાં આવેલી મંગુ માસ્તરની ચાલીમાં રહેતા 34 વર્ષીય શબરેઆલમ શેખ કલરકામ કરે છે. ઉત્તર પ્રદેશમાં રહેતા તેના મોટા ભાઈ અનવરભાઇને રૂ.50 હજાર મોકલવાના હતા. આથી ચાલી પાસે આવેલી બેંકના એટીએમમાં રૂપિયા ભરવા ગયો હતો. તેની પાસે રૂ.200ની નોટો હોવાથી સિક્યોરિટી ગાર્ડે બેંકમાં રૂપિયા જમા કરાવવાનું જણાવતાં શબરેઆલમ બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયો હતો. તેને રૂપિયા ભરવાની સ્લીપ ભરતા આવડતું ન હતું, જેનો લાભ ઉઠાવી તેની પાસે ઊભેલા યુવકે સ્લીપ ભરી આપી ઓળખાણ કરી હતી. શબરેઆલમ રૂપિયા ભરવાની લાઇન વધુ હોવાથી તે બેંકની બહાર આવીને ઊભો હતો. જ્યારે જે યુવકે તેને સ્લિપ ભરી આપી હતી તે અને તેનો મિત્ર પણ બેંકની બહાર આવી પેટ્રોલ પંપ પાસે ઊભા હતા, જ્યાંથી તેમણે શબરેઆલમને બૂમ પાડી બોલાવી કહ્યું કે, ‘મારે રૂ.1.50 લાખ બિહાર મોકલવાના છે. તમે મારી મદદ કરો.’
આથી શબરેઆલમે તેને સ્લિપ ભરી બેંકમાં રૂપિયા જમા કરાવવાનું કહેતાં ગઠિયાએ કહ્યું કે, ‘મારે અત્યારે ઉતાવળ છે. આ રૂમાલમાં રૂ.1.50 લાખ છે, જે તમારા ખાતામાં જમા કરી દો અને તમારી પાસે જે રૂપિયા હોય તે આપી દો.’ બંને ગઠિયાની વાતમાં અને લાલચમાં આવી ગયેલા શબરેઆલમે તેમને 50 હજાર આપી રૂમાલ લઈ ઘરે જઈને રૂમાલ ખોલ્યો તો તેમાંથી કાગળનું બંડલ નીકળ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.