સંચાલક મંડળની શિક્ષણમંત્રીને રજૂઆત:ગ્રાન્ટેડ સ્કૂલોમાં ખાલી પડેલી આચાર્યની જગ્યાઓ પર ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોને આચાર્ય બનવાની તક આપો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં કેટલાય સમયથી આચાર્યની જગ્યાઓ ખાલી પડી છે. આ જગ્યા પર ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો ઉપરાંત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ આચાર્ય બનવા દેવા માટે તક મળે તેના માટે સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. જેમાં ખાનગી સ્કૂલોના શિક્ષકો કે જે આચાર્ય બનવા માટેની લાયકાત ધરાવતા હોય તેમને ગ્રાન્ટેડ સ્કૂલમાં આચાર્ય બનવા માટે તક આપવી જોઈએ.

ખાનગી સ્કૂલોના શિક્ષકોને તક આપવા રજૂઆત
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્યની જગ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં ખાલી છે. આ જગ્યાઓ ભરવા માટે રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા અનેક વખત શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. જુના શિક્ષણ મંત્રીને સંચાલક મંડળે રૂબરૂ મળીને પણ રજૂઆત કરી હતી, છતા ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવી નથી. જોકે હવે સંચાલક મંડળ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોના આચાર્યની જગ્યા માટે ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ તક મળી રહે તે માટે માંગણી કરવામાં આવી છે. જેથી ઝડપથી ખાલી પડેલા આચાર્યની જગ્યા ભરાય અને આચાર્ય શિક્ષણ ઉપરાંત વહીવટી કામ પણ કરી શકે.

આચાર્ય વગર બોર્ડના પરિણામ પર ગંભીર અસર
રાજ્યની ખાનગી સ્કૂલોમાં પૂર્ણ સમયના શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને બોર્ડના નિયમ મુજબ લાયકાત ધરાવતા હોય તેમને પણ ગ્રાન્ટેડ સ્કૂલોના આચાર્ય બનવાની હરીફાઈમાં ઊભા રહેવા માટે તક આપવી જોઈએ, તેવી રજૂઆત સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. આચાર્ય વગર બોર્ડના પરિણામ પર પણ ગંભીર અસર થતી હોય છે. જેથી ખાનગી સ્કૂલોના શિક્ષકો પણ આચાર્ય બને તો પરિણામમાં સુધારો થઈ શકે છે. તેનો સીધો ફાયદો સ્કૂલોને થશે, સ્કૂલમાં આચાર્યની નિમણૂંક થાય તો શિક્ષણ ઉપર તો અંકુશ રહેશે જ સાથે વહીવટી કાર્ય ઉપર પણ અંકુશ રહેશે.

અન્ય સમાચારો પણ છે...