ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતીપ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં LRD (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યાની ભરતી જાહેર કરવામાં આવી છે. હાલ આ ભરતીના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 9મી નવેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે. 25 ઓક્ટોબર સુધીમાં આશરે સવા લાખ જેટલાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે, ત્યારે Divya Bhaskar દરેક LRD ઉમેદવારને મૂંઝવતા સવાલોના જવાબ એડિશનલ DGP હસમુખ પટેલ સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરીને જણાવી રહ્યું છે.
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે lrdgujarat2021.in પર અરજી કરી શકાશે. જ્યારે એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જેનો નંબર છે 18002335500. આ નંબર પર કોઈપણ સવાલનો જવાબ મળી શકશે. સવારના 10.30થી સાંજના 6.00 વાગ્યા સુધી હેલ્પ ડેસ્ક ઉપલબ્ધ રહેશે. જોકે રવિવાર અને જાહેર રજામાં આ નંબર પર જવાબ મળી શકશે નહીં તેમજ જો ઉમેદવાર UPI દ્વારા ફી ભરશે તો સર્વિસ ચાર્જ લાગશે નહીં. પોસ્ટ ઓફિસમાં 12 રૂપિયા અને બેંકમાં 5.90 રૂપિયા ચાર્જ છે.
બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત
લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે, જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે.
1) દિવ્ય ભાસ્કરઃ ધો.12ની માર્કશીટમાં CHAUHANની જગ્યાએ CHUHAN છે તો કોઈ પ્રોબ્લેમ થાય?
હસમુખ પટેલઃ ઉમેદવાર ફોર્મ ભરીને પ્રક્રિયામાં સામેલ થાય ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે એ સમય સુધીમાં એમાં સુધારો કરાવી લેવો પડશે. ઉમેદવારે સાચા નામ સાથે અરજી કરવી અને વેરિફિકેશન સુધી સુધારો કરી લેવો.
2) દિવ્ય ભાસ્કરઃ OBCમાં ક્રિમિલિયર ક્યારે કઢાવેલું માન્ય રહેશે?
હસમુખ પટેલઃક્રિમિલિયર સર્ટિફિકેટ ત્રણ નાણાકીય વર્ષ સુધી માન્ય રાખવામાં આવે છે. 2019/20, 2020/21, 2021/22 સુધીનું સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવશે 1 એપ્રિલ 019 પછી ઇસ્યુ થયેલું સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવશે. 9 નવેમ્બર, 2021 પહેલાં સર્ટિફિકેટ કઢાવેલું હોવું જરૂરી છે.
3) દિવ્ય ભાસ્કરઃ 20-06-2019નું EWS સર્ટિફિકેટ ચાલે? અને બાંયધરીમાં શું કરવાનું છે?
હસમુખ પટેલઃ EWS(ઈકોનોમિકલ વીકર સેક્શન)નું પ્રમાણપત્ર ત્રણ વર્ષ સુધીનું માન્ય રાખવામાં આવે છે. 9 નવેમ્બર 2018થી ઈસ્યુ થયેલું પ્રમાણપત્ર માન્ય રહેશે. વાસ્તવમાં 25-1-2019થી પ્રમાણપત્ર ઈસ્યુ થવાનું શરૂ થયું છે. આમ, 25 જાન્યુઆરી 2019થી ઈસ્યુ થયેલા પ્રમાણપત્ર માન્ય ગણાશે. ઉમેદવારે જે બાંયધરી આપવાની હોય છે, જે બાંયધરીનો નમૂનો વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને એ મુજબ આપવાનો રહેશે એ માટે તેણે ક્યાંય બાંયધરી લેવા જવાની જરૂર નથી, તેમણે જાતે બાંયધરી આપવાની હોય છે.
4) દિવ્ય ભાસ્કરઃ ધોરણ 8માં કોમ્પ્યુટર પરિચય નામનો વિષય આવતો હોય અને એનું સર્ટિફિકેટ પણ છે તો અલગથી કોઈ કોર્સ કરવો જરૂરી છે?
હસમુખ પટેલઃ ધોરણ 10 અને 12માં કોમ્પ્યુટર કોર્સ કર્યો હોય એ માન્ય ગણાશે. સરકારમાન્ય કોર્સ કર્યો હોય એ માન્ય ગણવામાં આવશે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે ત્યારે એને રજૂ કરવાનું રહેશે. ધોરણ 8માં કોમ્પ્યુટર કોર્સ કર્યો હશે તો એનું સર્ટિફિકેટ ચાલશે નહીં.
5) દિવ્ય ભાસ્કરઃ જમણા પગની એક આંગળી નથી અને મારે 5 કિ.મી. 22 મિનિટમાં થઈ જાય છે તો મેડિકલમાં કોઈ અડચણ આવશે?
હસમુખ પટેલઃ ઉમેદવારની શારીરિક યોગ્યતા માટે નિશ્ચિત નિયમો છે. એ માટે આખરી નિર્ણય ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર બાદ પોલીસ પસંદગી દ્વારા મેડિકલ કરાવવા માટે કામગીરી થશે. પગની આંગળી અંગેનો નિયમ હાલ મારા ધ્યાન પર આવ્યો નથી.
6) દિવ્ય ભાસ્કરઃ જે દિવસે શારીરિક કસોટી હોય એ જ દિવસે બહેનોને પિરિયડની તારીખ હોય છે તો શું કરવું?
હસમુખ પટેલઃ ના કોઈ છૂટછાટ આપી શકાય નહીં, કારણ કે તેનું આપણે વેરિફિકેશન કરી શકીએ નહીં
7) દિવ્ય ભાસ્કરઃ 400 મીટરના 13 રાઉન્ડ એટલે 5200 મીટર થાય. શારીરિક કસોટીમાં ઉમેદવારનો કયો સમય ધ્યાનમાં લેવાશે? 5000 મીટર કે 5 કિલો મીટર અથવા 5200 મીટર એટલે કે 13 રાઉન્ડ?
હસમુખ પટેલઃ ઉમેદવારને 5000 મીટર એટલે 5 કિલોમીટર દોડાવવામાં આવશે, જેમાં કેટલા રાઉન્ડ દોડવા એના પર ઉમેદવારે ધ્યાન આપવું નહિ, કારણ કે ગ્રાઉન્ડની સાઇઝ પ્રમાણે ઉમેદવારને કેટલા રાઉન્ડ દોડવા એ નક્કી કરવામાં આવશે.
8) દિવ્ય ભાસ્કરઃ સમયની ખબર પડે એ માટે ડિજિટલ વોચ સાથે દોડી શકાય?
હસમુખ પટેલઃ ઉમેદવાર ડિજિટલ વોચ સાથે દોડી શકશે નહીં. નોર્મલ વોચ રાખી શકે. ગ્રાઉન્ડ પર પણ ડિસ્પ્લે વોચ પણ રાખી હશે.
9) દિવ્ય ભાસ્કરઃ ધોરણ 10 પાસ પર આર્મીમાં ભરતી થયા હોય એટલે તેમણે ધોરણ 12 પાસ કર્યું ના હોય, પરંતુ તેમને પોતાની ફરજ નિવૃત્તિ વખતે ગ્રેજ્યુએશન સમકક્ષ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોય છે, પરંતુ LRDમાં ધો.12 પાસ છે તો શું આ સર્ટિફિકેટ પર LRDના ફોર્મ ભરી શકાય?
હસમુખ પટેલઃ એક્સ આર્મીમેન માટે અભ્યાસ માટે ખાસ જોગવાઈ છે, જેમાં તેણે 12 સમકક્ષ અભ્યાસનું સર્ટિફિકેટ આપવું પડશે તેમજ 15 વર્ષની નોકરી પૂર્ણ કરેલી હશે તો જ નિયમ લાગુ પડશે.
10) દિવ્ય ભાસ્કરઃ ચશ્માંવાળા ઉમેદવાર LRDમાં અરજી કરી શકે?
હસમુખ પટેલઃ ચશ્માંવાળા ઉમેદવારો માટે કોઈ બાધ નથી.
11) દિવ્ય ભાસ્કરઃ SC કેટેગરીના ઉમેદવારે PSIમાં જનરલમાં ફોર્મ ભરેલું છે તો શું કોન્સ્ટેબલમાં SC એમ બંને અલગ ભરી શકાય?
હસમુખ પટેલઃ જનરલ ઉમેદવાર કોઈ કેટેગરીનો લાભ નહીં લઈ શકે, પણ જો કોઈ કેટેગરી(SC,ST-EWS)માં આવતા ઉમેદવાર હોય પણ કેટેગરીનો લાભ લેવા ન માગતા હોય તો તે જનરલમાં ફોર્મ ભરી શકે છે.
12) દિવ્ય ભાસ્કરઃ મેડિકલમાં શું ચેક કરવામાં આવે અને કઈ કઈ રીતે થાય?
હસમુખ પટેલઃ આ આખો વિષય મેડિકલનો છે, એટલે નિયમોમાં વાંચી લેવું અને એમાની કોઈ ખોડ છે કે નહીં એવી શંકા હોય તો યોગ્ય તબીબનું માર્ગદર્શન લઈ શકે. આ ભરતી બોર્ડનું કામ નથી.
13) દિવ્ય ભાસ્કરઃ LRD/PSI પરીક્ષા માટે વેક્સિનેશન જરુરી છે?
હસમુખ પટેલઃ હાલ વેક્સિનશનની કોઈ એવી જરૂરિયાત રાખી નથી.
14) દિવ્ય ભાસ્કરઃ આર્થિક રીતે અનામતનું પ્રમાણપત્ર 03/2019નું હોય તો એ ચાલે?
હસમુખ પટેલઃ EWSનું પ્રમાણપત્ર 9 નવેમ્બર 2018થી ઈસ્યુ થયેલું માન્ય રહેશે. વાસ્તવમાં તા. 25-1-2019થી પ્રમાણપત્ર ઈસ્યુ થવાનાં શરૂ થયાં છે. આમ, 25 જાન્યુઆરી 2019થી ઈસ્યુ થયેલાં પ્રમાણપત્ર માન્ય ગણાશે.
15) દિવ્ય ભાસ્કરઃ માત્ર LRDમાં જ માર્કસ ગણાશે કે પછી PSIમાં પણ દોડના લીધેલા સમયને આધારે માર્કસ ફાઇનલ મેરિટમાં ગણાશે?
હસમુખ પટેલઃ બન્ને પરીક્ષા માટે દોડ એક કરીએ છીએ, બાકી બન્ને ભરતી અલગ-અલગ છે. લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક છે અને PSIના 50 માર્ક છે. ધારો કે 20 મિનિટ લીધી એટલે શારીરિક કસોટીના 25 માર્કમાંથી મળવાપાત્ર માર્ક લોકરક્ષકમાં જતા રહેશે. એ જ રીતે PSIમાં 50માંથી લેખિત-શારીરિક કસોટીના માર્ક મળ્યા હોય એનું ટોટલ થશે. આ બન્ને પરીક્ષા અલગ જ છે. બન્ને માટે અલગ અલગ ફોર્મ છે. PSIમાં 27 ઓક્ટોબર, જ્યારે એલઆરડીની છેલ્લી તારીખ 9 નવેમ્બર છે.
16) દિવ્ય ભાસ્કરઃ PSIમાં જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું છે, તો કોન્સ્ટેબલમાં EWSમાં ભરી શકાય?
હસમુખ પટેલઃ જેને જે કેટગરીનો લાભ મળવાપાત્ર હોય એ જ મળે. જો કોઈ કેટેગરીનો ઉમેદવાર છે છતાં તેણે કેટગરીનો લાભ નથી લેવો તો તે જનરલમાં ફોર્મ ભરી શકે. જો કોઈને કેટગરીનો લાભ લેવો હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે વેલિડ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.