તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેસ્ટ એડિટરની કલમે:કરૂણા અને માનવ સેવાના સંસ્કારો બાળકોને આપીએઃ સુનીતા જ્હોન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગેસ્ટ એડિટર સુનીતા જ્હોનની તસવીર - Divya Bhaskar
ગેસ્ટ એડિટર સુનીતા જ્હોનની તસવીર

છેલ્લા દોઢ વર્ષથી આપણે બધા કોરોનાનો સામનો કરી રહ્યા છીએ. ખાસ કરીને થિયેટર, ક્લબ અને મનોરંજનના તમામ સ્થળોની ખોટ આખા દેશને લાગી રહી છે. મારા પિતાનું નામ ડૉ. જ્હોન જી. વર્ગીસ. એ આજથી 60ના દાયકામાં અમદાવાદ આવ્યા હતા. અમે મૂળ કેરળના પણ હું સ્વભાવે, પ્રકૃતિએ અને જન્મે ગુજરાતી છું. લગ્ન પણ ગુજરાતી પરિવારમાં કર્યા એટલે હવે તો પૂરી ગુજરાતી. મારા પિતા અને મારા સસરા, દિનેશભાઈ વક્તા નિકટના મિત્રો હતા.

ગુજરાતમાં શાળા, યુનિવર્સિટી અને ખાદી ગ્રામોદ્યોગની સેવાકીય પ્રવૃત્તિઓ પણ બંને સાથે મળીને કરતા અને વાયએમસીએ ક્લબનું સ્વપ્ન પણ બન્નેએ સાથે મળીને જોયેલું. 80 વર્ષની ઉંમરે પણ મારા પિતા સતત કાર્યરત હતા. માણસની ઓળખ એના કામ, એના સેવાભાવ કે એની પ્રામાણિકતાથી થાય છે. બીજી વાત, હું માનું છું કે આપણે જે કંઈ કરીએ તે માનવજાત પ્રત્યેની જવાબદારી માનીને કરવું જોઈએ. આવનારી પેઢીને માનવસેવા અને કરુણાના સંસ્કાર આપવાની જવાબદારી એક માતાની છે. મેં મારા સંતાનોને આ સમજણ, કરુણા, માનવસેવાના સંસ્કાર આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે. પહેલાં લૉકડાઉનમાં જ્યારે લોકો ગભરાયેલા હતા ત્યારે અમે બંધ ક્લબના કિચનને જાહેર રસોડામાં ફેરવી નાખ્યું. રોજના લગભગ પાંચ હજાર લોકોને બે મહિના સુધી ભોજન પહોંચાડવાની જવાબદારી વાયએમસીએ આનંદથી ઊઠાવી.

બીજા લૉકડાઉનમાં જ્યારે ઓક્સિજન મશીનની તંગી સર્જાઈ ત્યારે અમારી એનજીઓ દ્વારા મશીનો ખરીદીને જરૂર હોય તેમને મફત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ શક્ય બન્યું કારણ કે મારા પતિ ચારુલ વક્તાએ દરેક વખતે મારી પડખે રહ્યાં. વીતી ગયેલા દોઢ વર્ષનો અફસોસ કરવાને બદલે આવનારા સમયનો વિચાર કરીએ. કમર કસીને નવેસરથી શરૂઆત કરીએ. ખાસ કરીને, મારી બહેનો-જે ગૃહિણી છે, જેમના ઘરમાં આર્થિક સંકડામણ વધતી જાય છે એવી બહેનોને મારે કહેવું છે કે જ્યારે પરિવાર આર્થિક સંકડામણમાંથી પસાર થતો હોય ત્યારે એમણે એમની આવડત અને હુન્નરનો ઉપયોગ કરીને આર્થિક જરૂરિયાતોમાં યોગદાન આપવું જોઈએ. ‘મારાથી નહીં થઈ શકે.’ અથવા ‘હવે શું ફાયદો’ જેવા શબ્દોને બાજુએ મૂકીને એકવાર જો ચાલવા માટે જો પહેલું કદમ ઉપાડશો તો રસ્તો આપોઆપ તમારા પગ નીચેથી પસાર થવા લાગશે અને જીવન વધુ સરળ, વધુ સગવડભર્યું બની શકશે. ચાલો, એકમેકનો હાથ પકડીએ અને સારા સમયની પ્રતીક્ષા કરતાં કરતાં આગળ વધતા જઈએ.

અન્ય સમાચારો પણ છે...