અમદાવાદમાં સ્પાની અંદર કામ કરતી અન્ય દેશ અને રાજ્યોની યુવતીઓ પાસે કોઈપણ પ્રકારની પરમિટ વિના કામ કરાવાય છે. આવા અનેક દાખલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના બોડકદેવ વિસ્તારના સિંધુભવન રોડ પર સ્થિત એક સ્પામાં નોર્થઇસ્ટ અને થાઈલેન્ડની યુવતીઓ પાસે કોઈપણ પ્રકારની પરમિટ વિના મસાજનું કામ કરાવાતું હોવાથી પોલીસે દરોડા પાડી પાંચ યુવતીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વર્ક પરમિટ વિના નોકરી કરતી વિદેશી યુવતીઓ
મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે, બોડકદેવ સિંધુભવન રોડ પર સ્થિત સનરીલેક્ષ ડેસ્ટિનેશન સ્પામાં થાઈલેન્ડ તથા અન્ય દેશની યુવતીઓ મલ્ટીપલ વિઝા લઇને સ્પા અને મસાજની નોકરી કરે છે. તેઓ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરીને તેમજ સ્પાના માલિકો પણ યુવતીઓને વર્ક પરમિટ વિના કામકાજ કરાવવા નોકરી પર રાખે છે. આ બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત સ્પા પર દરોડા પાડ્યા હતા.
મુંબઇ, નોર્થઇસ્ટ અને થાઈલેન્ડની યુવતીની પૂછપરછ
પોલીસે સ્પામાં જઈને તપાસ કરી તો ત્યાંથી એક મેનેજર મળ્યો હતો. તેની હાજરીમાં તપાસ કરતાં સ્પામાં લાકડાના પાર્ટેશન વાળી રૂમો હતી. જેમાંથી પ્રથમ રૂમમાં ત્રણ છોકરીઓ બેઠી હતી. જેમની પૂછપરછ કરતાં તેઓ મુંબઇ, નોર્થઇસ્ટ અને થાઈલેન્ડની હોવાનું માલુમ પડ્યું હતું. આ તમામ પાસે તપાસ કરતાં તેમનો પાર્સપોર્ટ મળી આવ્યો હતો. જેમાં કેટલાક પાસપોર્ટ ટુરિસ્ટ પ્રકારના હતા. આ યુવતીઓની મહિલા પોલીસે અંગજડતી લીધી હતી તો તેમની પાસેથી કશું જ મળ્યું નહોતું.
યુવતીઓને ગેરકાયદે કામ આપવાનો ગુનો
પોલીસે સ્પાના માલિક પ્રદિપ ભટ્ટ તથા સ્પાના મેનેજર તુષાર અંબોલે સામે વિદેશની યુવતીઓને પોતાના આર્થિક લાભ માટે નોકરી પર રાખી વેતન ચૂકવતા હોય તેમજ મેનેજર પણ માલિકની ગેરહાજરીમાં નોકરી કરે છે. જેથી બંને ઇસમો એકબીજાની મદદ કરીને ઉપરોક્ત યુવતીઓને ગેરકાયદે કામ આપવાનો ગુનો કર્યો છે. તે ઉપરાંત યુવતીઓએ વિઝાના નિયમોનો ભંગ કર્યો હોવાથી પોલીસ દ્વારા ઇમિગ્રેશન વિભાગને જાણ કરીને અલગથી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.