અપહરણ કેસ:અમદાવાદમાં પ્રેમિકાના પિતાએ કર્યું યુવકનું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે યુવકને હેમખેમ છોડાવી ત્રણ અપહરણકર્તાઓની ધરપકડ કરી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
અપહરણ કરનારા આરોપીઓની તસવીર - Divya Bhaskar
અપહરણ કરનારા આરોપીઓની તસવીર
  • બાપુનગર ડી માર્ટ પાસેથી યુવકનું કારમાં અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું

અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી બે દિવસ પહેલા અજાણ્યાં શખસોએ યુવકનું કારમાં અપહરણ કર્યું હતું. ઘટનાની જાણ બાપુનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને થતા ટીમોએ તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર આવેલા ઔડાના મકાનમાંથી ગોંધી રાખેલા યુવકને હેમખેમ છોડાવ્યો હતો. પોલીસે અપહરણ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. યુવતી સાથે પ્રેમસંબંધ હોવાના કારણે યુવતીના પિતા અને મિત્રએ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે અન્ય આરોપીઓ અંગે પણ તપાસ શરૂ કરી છે.

ડી માર્ટ પાસેથી યુવકનું અપહરણ
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પંજાબી સોસાયટીમાં રહેતા રાહુલ પરમારનું 1લી ઓક્ટોબરના રોજ બાપુનગર વિસ્તારમાં આવેલા ડી માર્ટ પાસેથી કારમાં અજાણ્યાં શખસોએ અપહરણ કરી લીધું હતું. આ મામલે પરિવારજનોને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. અપહરણના મેસેજને લઈ તાત્કાલિક બાપુનગર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો એક્ટિવ થઈ ગઈ હતી.

બાપુનગર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
બાપુનગર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

ઔડાના બંધ મકાનમાંથી યુવકને છોડાવાયો
અપહરણના આ કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન એંગલથી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અપહૃત યુવકને બાપુનગર અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર આવેલા બંધ ઔડાના મકાનમાંથી ગોંધી રાખ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જ્યાં એક બ્લોકના મકાનને આખું કોર્ડન કરી દરોડો પાડતા મકાનમાં અપહૃત કરાયેલો યુવક રાહુલ પરમાર હાથ અને પગે દોરડા બાંધેલી અને માર મારેલી હાલતમાં મળી આવ્યો હતો.

અપહરણ કરનારા યુવતીના પિતા સહિત 3ની ધરપકડ
જેને પ્રાથમિક સારવાર વી.એસ અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું કે, યુવક રાહુલને બાપુનગર ડી માર્ટ પાસે રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. રાહુલનું અપહરણ યુવતીના પિતા વિનુભાઈ દંતાણી, રમણ તમાયચે અને પ્રીતેશ દાંતણીયાએ કર્યું હતું. જેથી પોલીસે તમામની ધરપકડ કરી અપહરણમાં વપરાયેલી કાર કબ્જે કરી હતી.