વેપારી પ્રેમ માટે લૂંટાયો:અમદાવાદના વેપારી સાથે પ્રેમિકાએ બોલવાનું બંધ કર્યું તો તાંત્રિક વિધિનો સહારો લીધો, તાંત્રિકે 43 લાખ પડાવી લીધા

અમદાવાદ2 મહિનો પહેલા
  • તાંત્રિકે ધીમેધીમે કરીને લાખો રૂપિયા પડાવી લેતા આખરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
  • ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં વેપારીએ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

પ્રેમને પામવા માટે પ્રેમ હોવો જરૂરી છે. પણ કેટલાક લોકો એટલી હદે જાય છે. જેનાથી પોતાનું અને અન્યને પણ નુકસાન પહોંચી શકે છે. અમદાવાદમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા વેપારીએ પોતાની પ્રેમિકા બોલતી ન હતી એટલે તેણે તાંત્રિક વિધિનો સહારો લીધો અને આ વિધિથી પ્રેમિકા તો ન મળી પણ તાંત્રિક 43.65 લાખનો ચૂનો લગાવી ગયો છે. તાંત્રિકે અલગ અલગ રીતે વેપારી પાસેથી રૂપિયા પડાવી લીધા બાદ પણ પ્રેમિકા ન મળતા તેણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઈલેક્ટ્રોનિક વસ્તુ વેચતા વેપારીને પ્રેમની વિધિ ભારે પડી
શહેરમાં છેતરપિંડીના બનાવ તો અનેક બન્યા હશે, પણ હવે જ્યોતિષ અને તાંત્રિક વિધિના બહાને વેપારીના લાખો રૂપિયા છેતરપિંડી થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મકરબા વિસ્તારમાં રહેતા અનિલ પટેલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દુકાન ધરાવી વેપાર કરતા હતા. અનિલ પટેલને મહિલા મિત્ર પર તાંત્રિક વિધિ કરાવવાનું ભારે પડ્યું અને તેને રૂ. 43.65 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે. આ બનાવમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ લોકો સામે ફરિયાદ થતાં પોલીસે ત્રણ આરોપીને શોધવા પ્રયાસ શરૂ કર્યા છે.

ઘાટલોડિયાના તાંત્રિકે વેપારીને ચૂનો લગાવ્યો
અજય પટેલને તેની ગર્લફ્રેન્ડ સાથે મનદુઃખ થયું હતું. તેમજ ઘરમાં અન્ય સમસ્યાઓ દૂર થાય માટે અજય તેના પરિચિત વ્યક્તિના માધ્યમથી ઘાટલોડિયામાં રહેતા અને તાંત્રિક વિધિ કરતા અનિલ જોશી, તેમની પત્ની અને તેમના ગુરુજીનો સંપર્ક થયો હતો. સંપર્ક થતા અજય પટેલને એમ કે તેની સમસ્યા દૂર થશે. પણ એવું ન થયું અને તે ખૂદ છેતરપિંડીનો ભોગ બન્યો અને તેણે રૂ. 43.65 લાખ ગુમાવવાનો વારો આવ્યો.

નેટ બેકિંગ અને રોકડ સ્વરૂપે નાણા પડાવ્યા
આ મામલે ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરતા ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ભોગ બનનાર અને આરોપીઓ પરિચિતના થકી સંપર્કમાં આવ્યા હતા. જે બાદ વિધિ કરવાના નામે આરોપીઓએ ભોગ બનનાર પાસેથી અલગ-અલગ રીતે નાણાં મેળવ્યાનું સામે આવ્યું છે. જેમાં રૂ. 5 લાખ નેટ બેકિંગ અને બીજા નાણાં રોકડ રકમે આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

દેવું કરીને પણ તાંત્રિકને વેપારીએ રૂપિયા આપ્યા
આ સમગ્ર બાબતમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાંત્રિકના કહેવા પ્રમાણે તેને રૂપિયા આપવામાં આવ્યા તેમજ તેમાં કેટલાક લોકો પાસેથી ઉછીના રૂપિયા પણ લઈને અનિલે તાંત્રિકને આપ્યા હતાં. સમગ્ર રૂપિયાની લેવડ દેવડ બાદ જ્યારે ઉઘરાણીવાળા અનિલ પાસે આવવા લાગ્યા ત્યારે તેને ખબર પડી કે તેની સાથે ખૂબ મોટી છેતરપિંડી થઈ છે.

તાંત્રિક વિધિ કરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
હાલ પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિતની તમામ પાસાની અંગે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, શહેરમાં તાંત્રિક વિધિ દ્વારા છેતરપિંડીનો આ પહેલો કિસ્સો નથી. તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ હજુ સામે આવી રહી છે. ત્યારે આ ઘટના આવા લોકો માટે લાલબત્તી સમાન છે કે જેઓ તાંત્રિક વિધિ કરાવી રહ્યા છે કે પછી વિચારી રહ્યા છે. જે લોકોએ જાગૃત બનવાની જરૂર છે. જેથી ફરી કોઈ તાંત્રિક વિધિના નામે છેતરાય નહીં અને નાણાં ગુમાવવાનો વારો આવે નહીં. ત્યારે જોવાનું એ રહે છે કે અજય પટેલ સાથેની ઘટનામાં પોલીસે આરોપીઓને ક્યારે અને કેવી રીતે ઝડપી પાડે છે.

અન્ય સમાચારો પણ છે...