સુરતમાં ગ્રીષ્માની જાહેરમાં હત્યા બાદ આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારાયા બાદ પણ રાજ્યમાં છોકરીઓ સામે છેડતીના બનાવો અટકી રહ્યા નથી. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં 17 વર્ષની સગીરાએ બોલવાની ના પાડતા યુવકે બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે.
બહેનપણી સાથે જતી સગીરાને જાહેરમાં હાથ પકડી છેડતી
કાગડાપીઠ વિસ્તારમાં રહેતી છોકરીની માતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે તેમની દીકરી 17 વર્ષની છે અને ધોરણ-12 પાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી ઘરે જ રહે છે અને ઘરકામ કરે છે. 8મી મેના રોજ તેમની દીકરી અને તેની બહેનપણી સાંજના સમયે પાણીપુરી ખાવા માટે ચાલતા જતા હતા. તે દરમિયાન બાજુમાં આવેલી કોલોનીમાં રહેતા ધવલ પરમાર નામના છોકરાએ તેમની દીકરીને ઉભી રાખી અને તેનો હાથ પકડીને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો અને તેની છાતી પર હાથ મૂકીને કહ્યું કે, 'જો તું મારા જોડે વાત કરીશ નહીં તો તારા પર બળાત્કાર કરી તને જાનથી મારી નાખીશ.'
સગીરાના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
જેથી આ યુવતીની બહેનપણીએ તેના ભાઈના ફોન કરતા આરોપી ધવલ ત્યાંથી નાસી છૂટયો હતો. જોકે ત્યાંથી ઘરે પરત આવતા દરમિયાન એક દૂધની ડેરી પાસે આ ધવલ પરમાર ફરી ત્યાં આવ્યો હતો અને ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની તેમજ બળાત્કાર કરવાની ધમકી આપી હતી. આ છોકરીએ ઘરે આવી બનાવની જાણ તેના માતા-પિતાને કરતા તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.